પોટૅશિયમ નાઇટ્રેટ (નાઇટર, સૉલ્ટપીટર) (KNO3) : પોટૅશિયમ ધાતુનું એક ઉપયોગી લવણ. તે પારદર્શક, રંગવિહીન, સ્ફટિકમય સંયોજન છે. તે સાધારણ જળગ્રાહી, તીખું, ખારા સ્વાદવાળું છે. તેનું ગ.બિં. 3370 સે., ઉ.બિં. 4000 સે. (વિઘટન) અને ઘટત્વ 2.106 છે તે પાણી તથા ગ્લિસરીનમાં દ્રાવ્ય તથા આલ્કોહૉલમાં સાધારણ દ્રાવ્ય છે. પોટૅશિયમ નાઇટ્રેટ પ્રબળ ઉપચયનકર્તા છે. તેને આઘાત લાગતાં કે ગરમ કરતાં ધડાકા સાથે સળગી ઊઠે છે. કાર્બનિક પદાર્થોના સંસર્ગમાં પણ તે સળગી ઊઠે છે.
મંદ નાઇટ્રિક ઍસિડનું પોટૅશિયમ હાઇડ્રૉક્સાઇડ કે પોટૅશિયમ કાર્બોનેટ વડે તટસ્થીકરણ કરી મળતા દ્રાવણનું બાષ્પાયન કરવાથી અથવા ચિલી સૉલ્ટપીટર (સોડિયમ નાઇટ્રેટ) અને પોટૅશિયમ ક્લોરાઇડ ધરાવતા દ્રાવણનું વિભાગીય (fractional) સ્ફટિકીકરણ કરવાથી પોટૅશિયમ નાઇટ્રેટ મળે છે.
જૂના જમાનાથી ભારત તથા ઇજિપ્તમાં તેનું ઉત્પાદન થતું. નાઇટ્રોજનયુક્ત સેન્દ્રિય ખાતરને (દા. ત., મૂત્ર), ચૂનો અને પોટૅશિયમ કાર્બોનેટ સાથે ભેળવીને સેન્દ્રિય પદાર્થોમાંના એમોનિયાના ઉપચયનને લીધે કૅલ્શિયમ નાઇટ્રેટ બને છે. આ મિશ્રણનું નિક્ષાલન (lixiviation) કરીને દ્રાવણમાંથી સૉલ્ટપીટર મેળવવામાં આવતું.
Ca(NO3)2 + K2CO3 = CaCO3 + 2KNO3
પોટૅશિયમ નાઇટ્રેટ ગનપાઉડરમાં, સ્ફોટક પદાર્થોમાં, દીવાસળી-ઉદ્યોગમાં, કાચ તથા તમાકુ, ઉદ્યોગમાં, ખોરાકના સંસાધન-(curing)માં, ખાતર તરીકે, ઘન-રૉકેટ-નોદક(propellant)ના ઘટક તરીકે વપરાય છે.
જ. પો. ત્રિવેદી