અદાણી રતુભાઈ (જ. 13 એપ્રિલ 1914, જસદણ; અ. 5 સપ્ટે. 1997, રાજકોટ) : રચનાત્મક કાર્યકર, ગુજરાત રાજ્યના મંત્રીમંડળના સભ્ય અને રાષ્ટ્રીય કૉંગ્રેસ નામના અલાયદા પક્ષના સ્થાપક. જસદણ રાજ્યે દાણ માફ કરેલું તેથી અ-દાણી કહેવાયા. 1930માં સોળ વર્ષની વયે ધોલેરા સત્યાગ્રહમાં જોડાયેલા અને બે વર્ષની સખ્ત સજા ભોગવેલી. 1936માં અમરેલી નજીક તરવડામાં ચર્મોદ્યોગ, શિક્ષણ, હરિજન છાત્રાલય, ખેતી, ગોપાલન તથા આરોગ્યસેવા આદિ ગ્રામોદ્ધારપ્રવૃત્તિમાં સક્રિય. 1942માં ‘હિન્દ છોડો’ ચળવળ દરમિયાન ‘કાઠિયાવાડ ક્રાંતિદળ’ની રચના અને પ્રવૃત્તિ કરેલી. 1947માં ભારત આઝાદ થતાં જૂનાગઢના પ્રશ્ને ‘આરઝી હકૂમત’ની સ્થાપના કરીને સશસ્ત્ર લડાઈની જવાબદારી શામળદાસ ગાંધીની સાથે સંભાળેલી. 1948માં સૌરાષ્ટ્ર એકમની રચના થતાં રચનાત્મક સમિતિના મંત્રી તરીકે તથા 1951’52માં સૌરાષ્ટ્રની વિધાનસભામાં ચૂંટાઈને ઉછરંગરાય ઢેબરના મંત્રીમંડળમાં પંચાયત, સહકાર, આયોજન, ખેતી, પશુપાલન, પછાત વર્ગ, ખાદી વગેરે વિભાગના મંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી. 1956માં દ્વિભાષી રાજ્ય થતાં મુંબઈ રાજ્યમાં દારૂબંધી, પંચાયત, કુટિર ઉદ્યોગ, સર્વોદય વિભાગના મંત્રી થયેલા. 1960માં ગુજરાત રાજ્યની રચના થતાં ડૉ. જીવરાજ મહેતાના મંત્રીમંડળમાં પંચાયત, સહકાર, કુટિર ઉદ્યોગો, બાંધકામ અને સિંચાઈ વિભાગના મંત્રી. 1963માં ચૂંટાયેલા મુખ્ય મંત્રીને દૂર કરવાની કાર્યવાહી થતાં રાજીનામું આપીને મુક્ત થયા. તે પછી સોરઠ ક્ષયનિવારણ, શિક્ષણ સાંસ્કૃતિક સંઘ વગેરે રચનાત્મક સંગઠનો વિકસાવવામાં સક્રિય થયા. 1972માં ઘનશ્યામભાઈ ઓઝાના નેતૃત્વ નીચે મંત્રીમંડળમાં પુન: જોડાયા. 1974માં મુખ્યમંત્રીને બદલવાની હિલચાલ થતાં મુખ્યમંત્રીની સાથે મુક્ત થયા. 1977ના ગાળામાં ઇન્દિરા કૉંગ્રેસ પક્ષની જવાબદારી સંભાળી. પછીથી તેમણે રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થાપના કરી. સક્રિય રાજકારણમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા પછી તેમણે ક્ષયનિવારણ સમિતિ (કેશોદ), સોરઠ ગ્રામવિકાસ સમિતિ તથા ડૉ. જીવરાજ મહેતા સ્મારક સ્વાસ્થ્ય સેવા ટ્રસ્ટના પ્રમુખ તરીકે કામગીરી બજાવી હતી. ‘દીઠું મેં ગામડું આ’ અને ‘સત્યાગ્રહના સમરાંગણમાં’ ભાગ 1, 2 તેમનાં નોંધપાત્ર પુસ્તકો છે.
હેમન્તકુમાર શાહ