પેશીસંવર્ધન (tissue culture) (આયુર્વિજ્ઞાન)

January, 1999

પેશીસંવર્ધન (tissue culture) (આયુર્વિજ્ઞાન) : કોઈ સજીવની પેશી કે તેના કોષોને તેના શરીરની બહાર ઉછેરવાં તે. તેમાં અગાર (agar) કે સૂપ (broth) જેવાં પ્રવાહી, અર્ધપ્રવાહી કે ઘન વૃદ્ધિકારક દ્રવ્ય માધ્યમ(growth media)નો ઉપયોગ કરાય છે. અમેરિકન પૅથોલૉજિસ્ટ મૉન્ટ્રોઝ થૉમસ બરોઝે સૌપ્રથમ આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. હાલ તે મુખ્યત્વે પ્રાણીઓની પેશીના ઉછેર (સંવર્ધન) માટે વપરાય છે.

સન 1885માં સૌપ્રથમ વિલ્હેમ રૉ દ્વારા હૂંફાળા ક્ષારજલ (saline solution)માં બાળમરઘી(chicken)ના ગર્ભકોષોને જીવતા રાખી બતાવ્યા. ત્યારબાદ જુદા જુદા માધ્યમમાં ગર્ભકોષોમાંથી કોઈ ચોક્કસ પેશીના કોષો વિકસાવવાના સફળ પ્રયોગ થયા.

હાલ બહુકોષી પ્રાણી(multicellular animal)ની પેશી કે કોષોના સંવર્ધનના પ્રયોગો અને ઉપયોગો થઈ રહ્યા છે.

શિલીન નં. શુક્લ