પેશીસંવર્ધન (tissue culture) (પ્રાણીશાસ્ત્ર)

January, 1999

પેશીસંવર્ધન (tissue culture) (પ્રાણીશાસ્ત્ર) : શરીરની બહાર કરવામાં આવતું પેશીઓનું સંવર્ધન. પેશી ઉપરાંત શરીરની બહાર કરવામાં આવતા છૂટાછવાયા કોષોના સંવર્ધનને પણ પેશીસંવર્ધન કહે છે. સજીવોના શરીરમાંથી વિશિષ્ટ જનીનોને અલગ કરીને તેમનું અન્ય સજીવોની પેશીમાં કુશળતાપૂર્વક પ્રસ્થાપન, વિષાણુઓનું અલગીકરણ, આર્થિક રીતે વધુ ઉપયોગી વનસ્પતિ અને પ્રાણીઓનું ઉત્પાદન, કૅન્સર જેવા માનવીને હાનિકારક રોગો વિશે માહિતી મેળવી ચિકિત્સામાં તેનો ઉપયોગ – આવાં આવાં ક્ષેત્રોમાં મોટા પ્રમાણમાં પેશીસંવર્ધનના પ્રયોગો કરવામાં આવે છે.

પેશીસંવર્ધનમાં, સાધનસામગ્રીના નિર્જીવાણુકરણ (sterilization) પ્રત્યે, યોગ્યતમ પર્યાવરણિક પરિબળોની જાળવણી પ્રત્યે તેમજ પેશીઓની વૃદ્ધિ માટેના યોગ્ય માધ્યમના નિર્માણ પરત્વે પૂરતું ધ્યાન આપવું પડે છે. જીવાણુઓના ઉચ્ચાટન માટે નીચે જણાવેલ પદ્ધતિ અપનાવવામાં આવે છે.

1. રસાયણો : સૂક્ષ્મ જીવોને હાનિકારક જીવનાશકો (biocides) વડે પેશીસંવર્ધનમાં વપરાતાં સાધનો તેમજ સંશોધન-ખંડને સ્વચ્છ કરવામાં આવે છે.

2. ગરમી : ગરમી બે રીતે પૂરી શકાય : ભીની અને શુષ્ક. આશરે 110 o સે. જેટલી ગરમી આપવાથી બધા સૂક્ષ્મ જીવો નાશ પામે છે. સામાન્ય રીતે પ્રેષતાપન (autoclaving) વડે 121o સે. જેટલી ભીની ગરમી આપવામાં આવે છે.

3. કિરણન (radiation) : પારજાંબલી (ultraviolet) જેવાના કિરણન વડે સૂક્ષ્મ જીવોનો નાશ કરવામાં આવે છે.

નિસ્યંદન (filteration) : દ્રાવ્ય તેમજ વાયુયુક્ત પદાર્થોનું સૂક્ષ્મ ગાળણ (ultrafilteration) કરવાથી બધા સૂક્ષ્મ જીવોને માધ્યમમાંથી દૂર કરી શકાય છે.

વિશિષ્ટ પ્રયોગોને અનુલક્ષીને ઉપર જણાવેલ એક યા વધારે પરિયોજના વડે પેશીસંવર્ધનમાં વપરાતાં જુદાં જુદાં માધ્યમોનું નિર્જીવીકરણ કરી શકાય છે.

સંવર્ધન-માધ્યમ : માધ્યમનાં ભૌતિક તેમજ રાસાયણિક પરિબળો અને પોષક તત્ત્વો જે તે પેશીની વૃદ્ધિ તેમજ ગુણન માટે સાવ અનુકૂળ હોય તે અગત્યનું છે. દાખલા તરીકે માનવી અને અન્ય સસ્તનો માટે ૩7o સે. તાપમાન, ઇષ્ટમાન ગરમીની ગરજ સારે છે. માનવપેશી માટે માધ્યમનું pH 7.4 હોય તે આવશ્યક છે. ઉપરાંત માધ્યમમાં લવણો, કાર્બોદિતો, ઍમિનોઍસિડો (અથવા પ્રોટીનો), વિટામિનો, કોલિન, ઇનોસિટૉલ જેવા પોષક ઘટકો પણ સપ્રમાણ હોય તો જ પેશી સારી રીતે વૃદ્ધિ અને ગુણન પામે છે.

માધ્યમો, કુદરતી (natural) અને સંશ્લેષિત (synthetic) – એમ બે પ્રકારનાં હોય છે. કુદરતી માધ્યમોમાં – ખાસ કરીને સસ્તન પેશીઓના સંવર્ધનમાં વાછરડાંના રુધિરરસ (serum) તેમજ ઈંડાંના અર્ક (extract) કે ચૂર્ણ (powder) જેવાનો સમાવેશ કરવામાં આવે છે. સંશ્લેષિત માધ્યમમાં અગાઉ જણાવેલ પોષક દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવે છે. મોટા ભાગે સાવ સંશ્લેષિત એવાં પોષક દ્રવ્યો પેશીઓની વૃદ્ધિ માટે અપૂરતાં હોવાથી, તેમાં રુધિરરસ જેવા કુદરતી ઘટકો ઉમેરવામાં આવે છે.

પેશીસંવર્ધન-સંશોધનખંડનું નિર્જીવીકરણ : હવામાં પણ સૂક્ષ્મજીવો પ્રસરેલા હોવાથી, સંશોધનખંડમાં આવેલ ફર્નિચર જેવી અને અન્ય વસ્તુઓ ઉપરાંત સંવર્ધન-ખંડનું સંપૂર્ણપણે નિર્જીવીકરણ કરવામાં આવે તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે. આલ્કોહૉલ અને ફૉર્મલ્ડિહાઇડ જેવાં દ્રાવણો વડે વસ્તુઓને લૂછી સાફ કરી જંતુરહિત કરી શકાય. ઉપરાંત પારજાંબલી કિરણો કે ધૂમકો (fumigants) વડે પણ ખંડને જંતુરહિત કરી શકાય છે.

બહાર વપરાતાં પગરખાંને સંશોધનખંડમાં લઈ જવાની સખત મનાઈ હોય છે. આ ઉપરાંત સંશોધનખંડમાં કામ કરવા સંશોધકો કે તકનીકી કર્મચારીઓ ઍપ્રન અને માસ્ક પહેરે તે આવશ્યક હોય છે.

પેશીસંવર્ધનમાં અનુસરવામાં આવતી વિશિષ્ટ સંશોધનપદ્ધતિઓ : (1) મૅક્ઝિનો પદ્ધતિ : આ પદ્ધતિમાં એક કાચની કવરસ્લિપ લઈને, તેના પર પેશીનો નાનો સરખો ટુકડો મૂકવામાં આવે છે અને તેની ફરતે રુધિરરસ અને ભ્રૂણનો અર્ક પસારવામાં આવે છે. ધીમે ધીમે આ સ્લિપ પર કોષોની વૃદ્ધિ અને ગુણન થાય છે. નવા કોષોથી સંપન્ન એવી આ સ્લિપને હવે ખાડાવાળી સ્લાઇડ પર  ખાડા ઉપર મૂકવામાં આવે છે અને ખાડાને મીણ વડે બંધ કરવામાં આવે છે. આની સ્લાઇડ પર વૃદ્ધિ પામતા કોષોને સૂક્ષ્મદર્શક વડે નિહાળી શકાય છે.

2. ઍક્સપ્લાંટ-પદ્ધતિ : આ પદ્ધતિમાં પણ શરૂઆતમાં મૅક્ઝિનો પદ્ધતિ અપનાવવામાં આવે છે; પરંતુ આ પ્રકારમાં કવરસ્લિપને આડી રાખવાને બદલે ઊભી રખાય છે. ધીમે ધીમે વૃદ્ધિ પામેલી પેશી આ સ્લિપ પર પ્રસરે છે.

3. નિલંબન-પદ્ધતિ (suspension method) : આ પ્રકારના માધ્યમમાં કોષોને નિલંબિત રાખવામાં આવે છે અને વૃદ્ધિ પામતા કોષોને કાચ-પાત્રના તળિયે એકઠા થતા અટકાવવામાં આવે છે.

4. એકસ્તરીય (monolayer) સંવર્ધન-પદ્ધતિ : આ પ્રકારમાં કોષોની વૃદ્ધિ અને ગુણન કવરસ્લિપ કે કાચ-પાત્રને તળિયે કરવામાં આવે છે. અહીં કોષોની વૃદ્ધિ માત્ર તળિયે થતી હોવાથી ત્યાં નવા કોષોનો એક સ્તર જામે છે. તેથી આ પદ્ધતિને એકસ્તરીય પદ્ધતિ કહે છે. અહીં વૃદ્ધિ પામતા કોષોને ટ્રિપ્સિનના ઉપયોગથી અલગ પાડી શકાય. અલગ પાડેલા કોષોને સામાન્ય લવણ-દ્રાવણ(normal saline solution)થી સાફ કરી એક સંવર્ધન-પાત્રમાં દાખલ કરવામાં આવે છે અને વૃદ્ધિ માટે આ કોષોનું રુધિરરસમિશ્રિત માધ્યમ વડે પોષણ કરવામાં આવે છે.

પેશીસંવર્ધન માટેનો સમયગાળો : કેટલીક પેશીઓ ઝડપથી વૃદ્ધિ પામે છે, જ્યારે કેટલીક પેશીઓની સંવર્ધન-પ્રક્રિયા ઘણી ધીમી હોય છે. તેથી સમય પર આધારિત પેશી-સંવર્ધનના બે ભાગ પાડી શકાય :

અલ્પકાલીન સંવર્ધન (short term culture) : ઝડપથી વૃદ્ધિ પામતા કોષોને અલ્પકાલીન સંવર્ધન વડે મેળવી શકાય છે; દાખલા તરીકે, શ્વેતકણો ઝડપથી સંવર્ધન પામતા હોય છે અને માત્ર 72 કલાકમાં તેમના સંવર્ધનથી ભાજનાવસ્થાનાં રંગસૂત્રો ધરાવતા કોષોને વિપુલ સંખ્યામાં મેળવી શકાય છે.

દીર્ઘકાલીન સંવર્ધન : સામાન્ય રીતે પેશી (tissue) કે અંગોના કોષો ધીમી ગતિએ વિકાસ પામતા હોય છે. ખાસ કરીને આ કોષો અમુક પેઢીઓમાંથી પસાર થયા બાદ તેમના ગુણનની ગતિ ધીમી બને છે અને છેવટે તેઓ નાશ (એટલે કે મૃત્યુ) પામે છે. ઉપર દર્શાવેલ કોષોનું દીર્ઘકાલીન સંવર્ધન ઍક્સપ્લાંટ અને એકસ્તરીય પદ્ધતિ વડે કરવામાં આવે છે.

પેશીસંવર્ધનની શરૂઆત : શરીરનાં વિવિધ અંગો પર પર્યાવરણિક પરિબળોની થતી અસરનો ખ્યાલ મેળવવા ઈ. સ. 1900ના અરસામાં પેશીસંવર્ધનના પ્રયોગોની શરૂઆત કસનળીમાં કરવામાં આવી હતી; ખાસ કરીને ત્યારપછીના દાયકાઓમાં ભૌતિક અને રાસાયણિક પરિબળોની અસર પ્રાણીપેશીઓની વૃદ્ધિ અને શારીરિક પ્રક્રિયા પર કેવી રીતે થાય છે તે અંગેના પ્રયોગો યોજવામાં આવ્યા. શરૂઆતના દશકો(decades)માં કાચનાં વાસણોમાં મરઘીની પેશીનું સ્થાનાંતર કરીને યોગ્ય પોષણતત્ત્વો આપવામાં આવતાં શરીરની બહાર પણ કોષો વૃદ્ધિ અને ગુણન પામી શકે છે તેની શોધ થઈ. ઈ. સ. 1907માં હૅરિસન નામના વૈજ્ઞાનિક સ્લાઇડ પર ચેતાપેશીનું સ્થાપન કરી વૃદ્ધિ વડે નવા કોષોનું ઉત્પાદન કરી શક્યા. ઈ. સ. 1954માં તો વૈજ્ઞાનિકો દ્રાવ્યનિસ્યંદન(liquid suspension)માં પણ કોષોના વંશજો મેળવવામાં સફળ નીવડ્યા.

હાલમાં વૈજ્ઞાનિકોએ ન્યૂક્લીઇક ઍસિડના અણુઓનું સ્થાનાંતર યજમાન(host organ)ની પેશીમાં ઉમેરી, એ પ્રયોગો વડે પરજનીનની અસર હેઠળ યજમાનના શરીરમાં સાવ નવા એવા અણુઓનું ઉત્પાદન સાધ્ય કર્યું છે. વળી હાલમાં સમજનીનીકરણ (cloning) દ્વારા મોટા પ્રમાણમાં સમજનીનકોનું ઉત્પાદન કરવામાં આવે છે. વધુ ઉત્પાદનક્ષમતા ધરાવતી તેમજ વિવિધ રોગોનો સામનો કરી શકે તેવી પ્રજા મેળવવી તે હાલમાં સુલભ બન્યું છે. આજે E. coli જેવા બૅક્ટેરિયાના શરીરમાં સ્થાનાંતર વડે અન્ય સજીવોમાં આવેલ વિશિષ્ટ જનીનોને ઉમેરવામાં આવે છે; દાખલા તરીકે, માનવી ઇન્સ્યુલિન માટે કારણભૂત જનીનનું પ્રસ્થાપન E. coliના શરીરમાં બૅક્ટેરિયા હવે ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરી શકે છે. પેશીસંવર્ધન વડે ઇન્સ્યુલિન માટેનું જનીન ધરાવતા બૅક્ટેરિયાનાં સમજનીનકો (clones) મોટા પ્રમાણમાં મેળવી શકાય છે. પરિણામે હાલમાં આવા E. coliની મદદથી મોટા પાયા પર ઇન્સ્યુલિનનું સંશ્લેષણ કરવામાં આવે છે, જે ડાયાબિટીસના રોગીઓ માટે આશીર્વાદરૂપ નીવડ્યું છે. આવી રીતે હાલમાં ફૅક્ટરીઓમાં ઇન્સ્યુલિન ઉપરાંત ઇન્ટરફેરૉન અને વૃદ્ધિ માટે કારણભૂત એવા અંત:સ્રાવો જેવા જૈવી અણુઓનું ઉત્પાદન કરવામાં આવે છે, જેનો ઉપયોગ માનવ-ચિકિત્સામાં થાય છે.

કોષ-વંશજ (cell line) : કોષોનું ગુણન શરીરની બહાર કરીને મેળવેલ કોષના સમૂહને ‘કોષ-વંશજ’ કહેવામાં આવે છે. કૅન્સર-ચિકિત્સામાં કોષ-વંશજોનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે. શરૂઆતમાં હેન્રિએટા લૅક નામની યુવતીના ગર્ભાશય-મુખમાંથી કૅન્સરગ્રસ્ત કોષોના સંવર્ધનથી કોષસમૂહો મેળવવામાં આવ્યા હતા. તેથી આ કોષસમૂહોનું નામાભિધાન HeL (Henrietta Lack) વંશજો તરીકે કરવામાં આવ્યું.

હાલમાં કૅન્સર-અર્બુદ (tumour) કોષોનો નાશ કરે તેવા (tumour necrosis factorTNF) અથવા ઇંટરલ્યૂકિન(IL-2 અથવા IL-4)નું ઉત્પાદન કરી શકે તેવા, કોષ-વંશજો વડે કૅન્સરના દરદીઓની ચિકિત્સા કરવામાં આવે છે.

કસનળી-સંતાન (test-tube baby) : કસનળીમાં નર અને માદા કોષોનું સંયોજન કરી ગર્ભ ઉત્પન્ન કરી શકાય છે. એક યા બીજા કારણસર દંપતીને સંતાનો પ્રાપ્ત ન થતાં હોય તો તેઓ, કસનળીમાં નરકોષ અને માદાકોષના યુગ્મનથી ગર્ભ મેળવી શકે છે. આવા ગર્ભનો વિકાસ સામાન્યરીતે પરભ્રૂણપોષી માતા(surrogate mother)ના શરીરમાં કરવામાં આવે છે. પરિણામે પ્રજનનતંત્રમાં ક્ષતિ હોય તેવાં દંપતીઓ પોતાનાં કહી શકાય તેવાં સંતાનો પ્રાપ્ત કરી શકે છે. હાલમાં ગુજરાતમાં એવાં 12 જેટલાં સંતાનો વિકાસ પામી રહ્યાં છે. અમદાવાદમાં આવાં બે સંતાનો જન્મ્યાં છે.

રંગસૂત્રો અને જનીનચિત્રણ (genetic mapping) : જૂની માન્યતા મુજબ, માનવી-કોષો 24 જોડ રંગસૂત્રોના બનેલા હતા; પરંતુ 1956 પછી કરેલ પેશીસંવર્ધન-સંશોધનના આધારે માનવી-કોષમાં માત્ર 2૩ જોડ રંગસૂત્રો હોય છે તેવું પ્રતિપાદિત થયું છે. હવે તો રંગસૂત્રો પર આવેલા જનીનોના નિશ્ર્ચિત સ્થાનની માહિતી મેળવી શકાય છે. આવા અભ્યાસ પરથી કોષના જનીનો તેમજ સંશ્લેષિત ઉત્સેચકો વિશેની માહિતી મેળવવા ઉપરાંત જુદી જુદી પેશીઓ વચ્ચે આવેલ પરસ્પર સંબંધનો પણ ખ્યાલ મેળવી શકાય છે. વિકૃત રંગસૂત્રો પરથી વિકૃતિકારકો તેમજ શારીરિક ખામી માટે કારણભૂત જનીનો વિશેની માહિતી મેળવી શકાય છે.

પ્રત્યેક રંગસૂત્રમાં લાખોની સંખ્યામાં જનીનો આવેલાં હોય છે. હવે વૈજ્ઞાનિકોએ માનવીના શરીરમાં આવેલાં બધાં જનીનોનું ચિત્રણ કરવા તરફ પોતાનું ધ્યાન કેંદ્રિત કર્યું છે અને તેમાં સફળતા મળી રહી છે. માનવી સંજનીન સંસ્થા (human genome organisation- HUGO) આ પરિયોજના સાથે સંકળાયેલી છે.

પ્રાણી-પેશીસંવર્ધન : પ્રાણી-વૈજ્ઞાનિકો કોષ ઉપરાંત પ્રયોગશાળામાં પેશીઓનું સંશ્લેષણ પણ કરી શકે છે. પેશીસંવર્ધન વડે, દાઝેલા ઘા પરની ત્વચાના પ્રતિસ્થાપન માટે નવી ત્વચા-પેશીનું ઉત્પાદન કરવામાં આવે છે. વળી પેશીના સંવર્ધન દ્વારા વિશિષ્ટ પ્રોટીનનું સંશ્લેષણ પણ શક્ય બન્યું છે.

પશુપાલન : કસનળીમાં એટલે કે શરીરની બહાર ફલન-તકનીકી (invitro fertilization techniqueI-VFT) અને પુનર્યોજક DNA (recombinant-DNA) તકનીકી અપનાવીને પ્રાણીઓનું નિર્માણ કરી શકાય છે. આવાં પ્રાણીઓનાં સુધારેલા જનીનો (modified genes) સંતાનોમાં ઊતરે છે. ઉપરાંત, સારી ગુણવત્તા ધરાવતાં પશુઓનાં સમજનીનકો (clones) મેળવી શકાયા છે. સમજનીનકોનો વિકાસ પરભ્રૂણપોષી માતાના શરીરમાં થતો હોવાથી જૂજ સમયમાં જુદી જુદી પરભ્રૂણપોષી માતાઓની મદદથી સંતાનો રૂપે વધુ સમજનીનકોની ઉત્પત્તિ થઈ શકે છે. માર્ચ, 1997માં સ્વિટ્ઝલૅંડની એક પ્રયોગશાળામાં એક ઘેટીના અંડકોષનું ફલન, તેના આંચળ(udder)માંથી મેળવેલ દેહરંગસૂત્ર ધરાવતા અગુણિત (haploid) કોષ સાથેના યુગ્મન દ્વારા કરી ‘ડૉલી’ નામે ઓળખાતું સમજનીનક ઉત્પન્ન કરવામાં આવ્યું.

એડિનબરોની રોઝલિન ઇન્સ્ટિટ્યૂટમાં ‘પૉલી’ નામે ઓળખાતી પોલ ડૉર્સેટ જાતની ઘેટી, તેની કૃષ્ણમુખ (black face) સ્કૉટિશ પરભ્રૂણપોષી (surrogate) માતા સાથે. જૂજ સમયમાં સમજનીનીકરણ (cloning) તકનીક અપનાવી પૉલીની પાંચ પ્રતિકૃતિ (replica) મેળવવામાં વૈજ્ઞાનિકો સફળ નીવડ્યા છે.

એડિનબરોની રોઝલિન ઇન્સ્ટિટ્યૂટમાં પોલી નામે ઓળખાતી પોલ ડોર્સેટ જાતની ઘેટી. તેની કૃષ્ણ (black face) પરભ્રૂણપોષી (surrogate) માતા સાથે. જૂજ સમયમાં સમજનીનીકરણ (cloning) તકનીક અપનાવી પોલીની પાંચ પ્રતિકૃતિ (replica) મેળવવામાં વૈજ્ઞાનિકો સફળ નીવડ્યા છે.

જુલાઈ સુધીમાં ડૉલીનાં પાંચ સમજનીનકો પ્રાપ્ત કરી શકાયાં છે. આ ઉપરાંત ડૉલીનાં સમજનીનોમાં એક વધારાનું જનીન ઉમેરી ‘પૉલી’ નામનું એક ઘેટી-સંતાન પ્રાપ્ત કરી શકાયું છે. આ વધારાનું જનીન માનવીય ગુણવત્તા ધરાવતા દૂધને લગતું છે. એટલે કે આ પૉલી તેની અસલ માતાની જેમ સારી જાતનું ઊન ધારણ કરવા ઉપરાંત માનવી ગુણવત્તાવાળું દૂધનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે.

સારી જાતનું ઊન, ગુણવત્તાવાળું દૂધ, ખોરાકી ‘માંસ’, વધુ પોષક તત્ત્વોવાળાં ઈંડાં – આવા આવા પ્રકારના ઉત્પાદન માટે કારણભૂત એવાં પ્રાણીઓના ઉછેર માટે ‘પેશીસંવર્ધન’ તકનીકનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે.

વનસ્પતિ-પેશીસંવર્ધન : પેશીસંવર્ધન વડે હાલમાં બે પ્રકારના કોષોનું નિર્માણ કરવામાં આવે છે. તેમાંના પ્રકાશ-સ્વયંપોષી (photo-autotrophic) પ્રકારના કોષો પ્રકાશ-સંશ્લેષણ પ્રક્રિયા વડે પોતે પોષક તત્ત્વો નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે; જ્યારે રસાયણ-પોષી (chemo-trophic) પ્રકારના કોષો સ્વયંપોષી ન હોવાથી તેમના માધ્યમ દ્વારા કાર્બન ‘c’ માટે ગ્લુકોઝ જેવા કાર્બોદિત અણુ ઉપરાંત, જાતજાતના વૃદ્ધિકારક ઘટકો પણ ઉમેરવા પડે છે. વનસ્પતિ-પેશીસંવર્ધન માટે સામાન્યરીતે ભ્રૂણપેશી અથવા વિભાજ્યોતકી (meristematic) પેશીના નાના ટુકડા લઈ તેને સૌપ્રથમ રોગજંતુવિહીન (sterilized) કરવામાં આવે છે અને તેમના માધ્યમમાં વિશિષ્ટ જાતના પોષક જૈવી અણુઓ ઉમેરવામાં આવે છે. માધ્યમમાં ઑક્ઝિન, કાઇનેટિન જેવાં વૃદ્ધિકારકોને ઉમેરવાથી મૂળ તેમજ પ્રકાંડ ધરાવતી વનસ્પતિનું નિર્માણ થાય છે; જ્યારે જિબરૅલિન જેવા ઘટકો ઉમેરવાથી સંવર્ધન-પેશીનો વિકાસ બધાં અંગો ધરાવતી સંપૂર્ણ વનસ્પતિમાં થાય છે.

આજે વનસ્પતિઓમાં અન્ય સજીવોના DNAનું સ્થાનાંતર કરીને તેમનો વધુ સારી ગુણવત્તા ધરાવતી વનસ્પતિઓ રૂપે ઉછેર કરવામાં આવે છે. શુદ્ધ સંશોધન કરતી સંસ્થાઓ ઉપરાંત, ખાનગી કંપનીઓ પણ આર્થિક દૃષ્ટિએ અગત્યની એવી વનસ્પતિઓના ઉછેર માટે ‘બીજ’ જાતે તૈયાર કરે છે; એટલું જ નહિ, પરંતુ તેનું પેટંટ પણ મેળવે છે. આજે ઉદ્યાનક્ષેત્રે શોભાનાં ફૂલો માટેનાં તેમજ સારી જાતનાં ફળો માટેનાં બી – બિયારણ બજારમાંથી ખરીદી શકાય છે. વનવિકાસના ભાગ રૂપે, જંગલની જરૂરિયાત પ્રમાણે લાંબા અને પાતળા સળિયા જેવા કે જાડા થાંભલાવાળાં સાગ તેમજ અન્ય વૃક્ષોનો ઉછેર કરવામાં આવે છે.

અગાઉ, મુખ્યત્વે સંકર પ્રજાનું ઉત્પાદન કરી, વિજ્ઞાનીઓ હરિયાળી ક્રાંતિ (green revolution) અને શ્વેત-ક્રાંતિ (white revolution) વડે વ્યવહારુ ધોરણે મબલખ પોષક તત્ત્વો મેળવવામાં સફળ થયા છે; પરંતુ વિપુલ પ્રમાણમાં વધતી જનસંખ્યાને ધ્યાનમાં લેતાં, વધુ ને વધુ ખોરાક પ્રાપ્ત થાય તે આવશ્યક બન્યું છે. વધુ ખોરાક પ્રાપ્ત કરવાનું પેશીસંવર્ધન તકનીક વડે હવે શક્ય થયું છે.

મ. શિ. દૂબળે

યોગેશ મણિલાલ દલાલ