પૅલેસ્ટાઇન લિબરેશન ઑર્ગેનાઇઝેશન (P.L.O.) : અરબીમાં મુનાઝમ્મત-એત-તાહરીર ફિલિસ્તીનિયાહ. પૅલેસ્ટાઇનવાસી આરબોની રાષ્ટ્રીય આકાંક્ષાઓને વાચા આપતું તથા તેને સાકાર કરવા મથતું રાજકીય સંગઠન. સ્થાપના : 1964. તેનો મુખ્ય હેતુ પૅલેસ્ટાઇન પ્રદેશમાં રહેતા આરબો માટે સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્ય સ્થાપવાનો છે. 1948માં ઇઝરાયલના સ્વતંત્ર રાજ્યની રચના પહેલાં ‘મૅન્ડેટેડ’ પૅલેસ્ટાઇનમાં વસતા 44,50,000 આરબો અને તેમના વંશજોનું પ્રતિનિધિત્વ કરતું આ એક-છત્રી સંગઠન છે.
પી.એલ.ઓ.માં ગેરીલા જૂથો, વ્યવસાયી મંડળો, સ્ત્રીઓ અને વિદ્યાર્થી સંગઠનોનો સમાવેશ થાય છે. કેટલાક પૅલેસ્ટાઇનવાસી આરબો પી.એલ.ઓ.ના સ્વતંત્ર સભ્યો પણ છે. ‘અલ ફતહ’ નામનું ગેરીલા સંગઠન આ તમામ સંગઠનો પર વર્ચસ ધરાવે છે. ઇઝરાયલના રાજ્યની રચના પછી પૅલેસ્ટાઇનવાસી આરબોનાં હિતોને જાળવવા મથતાં જુદાં જુદાં મંડળો – સંગઠનોમાં નેતાગીરીને કેન્દ્રિત કરવાના હેતુસર 1964માં પી.એલ.ઓ.ની સ્થાપના કરવામાં આવી; પરંતુ જૂન 1967ના આરબ-ઇઝરાયલ યુદ્ધ પછી તે વધારે પ્રકાશમાં આવ્યું. તેનો મુખ્ય હેતુ ‘લોકશાહીબિનસાંપ્રદાયિક’ પૅલેસ્ટેનિયન રાજ્ય સ્થાપવાનો છે. તેના મૂળ ખતપત્રમાં યહૂદીઓના ઇઝરાયલ રાજ્યની નાબૂદીનો મુદ્દો પણ સમાવિષ્ટ થયો હતો. ઇઝરાયલ-આરબ યુદ્ધ (1948) અને ત્યારપછીની અથડામણોમાં આરબ દેશોએ આગેવાની લીધી હતી, જ્યારે પૅલેસ્ટાઇનવાસી આરબો નિષ્ક્રિય રહ્યા હતા; પરંતુ 1960ના દાયકામાં આરબ દેશો વચ્ચેના પારસ્પરિક રાજકારણને લીધે આ પરિસ્થિતિમાં પલટો આવ્યો અને ઇજિપ્તની પહેલને લીધે પી.એલ.ઓ.ની સ્થાપના થઈ. પૅલેસ્ટાઇનવાસી આરબોના પ્રવક્તા તરીકે તે માન્ય થયું. વિશિષ્ટ પૅલેસ્ટાઇન વિચારધારાનું તે પ્રતિનિધિત્વ કરે છે.
1948ના આરબઇઝરાયલ યુદ્ધ પછી સાત લાખ પૅલેસ્ટાઇનવાસી આરબોએ અન્ય પાડોશી આરબ દેશોમાં આશ્રય લીધો હતો; જ્યારે બાકીના ઇઝરાયલ, જૉર્ડન તથા ઇજિપ્તના અંકુશ નીચેના પૅલેસ્ટાઇનમાં જ રહ્યા. 1967માં ઇઝરાયલે ઇજિપ્ત અને જૉર્ડનના કબજા હેઠળ ગાઝા પટ્ટી અને પશ્ચિમ કિનારા (‘વેસ્ટ બક’) પર પોતાનો અંકુશ સ્થાપ્યો. પૅલેસ્ટાઇનવાસીઓની સંખ્યા 40 લાખ કરતાં વધારે હતી, એવું લગભગ બે દાયકા પહેલાં 1980માં અંદાજવામાં આવ્યું હતું. આમાંના 12 % ઇઝરાયલમાં, 30 % વેસ્ટ બક અને ગાઝા પટ્ટીના વિસ્તારમાં તથા 58 % પૅલેસ્ટાઇનવાસીઓ જૉર્ડન, લેબેનૉન, કુવૈત અને સિરિયા જેવા અન્ય આરબ દેશોમાં વસતા હતા. સમગ્ર આરબ પ્રજામાં પૅલેસ્ટાઇનવાસીઓ સૌથી વધુ શિક્ષિત તથા રાજકીય દૃષ્ટિએ જાગ્રત આરબ-જૂથ છે.
પી.એલ.ઓ. સાથે જોડાયેલાં મુખ્ય જૂથોમાં ‘અલ-ફતહ’, ‘ધ પૉપ્યુલર ફ્રન્ટ ફૉર ધ લિબરેશન ઑવ્ પૅલેસ્ટાઇન’ તથા ‘ધ પૉપ્યુલર ડેમોક્રૅટિક ફ્રન્ટ ફૉર ધ લિબરેશન ઑવ્ પૅલેસ્ટાઇન’નો સમાવેશ થાય છે. ત્રાસવાદી જૂથોમાં ‘અલ-ફતહ’નું ‘બ્લૅક સપ્ટેમ્બર’ જૂથ તથા ‘ધ પૉપ્યુલર ફ્રન્ટ ફૉર ધ લિબરેશન ઑવ્ પૅલેસ્ટાઇન’ના ‘જનરલ કમાન્ડર’ પી.એલ.ઓ. સાથે જોડાયા હતા.
પી.એલ.ઓ.નો મૂળભૂત દસ્તાવેજ ‘પૅલેસ્ટેનિયન નૅશનલ ચાર્ટર’ તરીકે ઓળખાય છે, જેને 1964માં અપનાવવામાં આવ્યો હતો. 1968માં તેમાં સુધારાવધારા કરવામાં આવ્યા. આ ખતપત્ર (ચાર્ટર) અનુસાર પૅલેસ્ટાઇનવાસી આરબો માદરેવતન મેળવવાનો કાનૂની અધિકાર ધરાવે છે. પૅલેસ્ટાઇનવાસીઓની વ્યાખ્યા બાંધતાં તેઓ સ્પષ્ટ કહે છે કે 1947 સુધી પૅલેસ્ટાઇનમાં વસતા તમામ આરબો તથા તેમના વંશજો તથા ઇઝરાયલના રાજ્યની રચના પૂર્વે પૅલેસ્ટાઇનમાં વસતા યહૂદીઓનો પૅલેસ્ટાઇનવાસીઓમાં સમાવેશ થાય છે. તે યહૂદીવાદ(Zionism)ને સામ્રાજ્યવાદી અને જાતિવાદી (racist) ઠરાવે છે. યહૂદીઓના અલાયદા રાજ્ય અંગે બ્રિટને કરેલી બાલફેર ઘોષણા(1917)ને, પૅલેસ્ટાઇનના ભાગલા(1947)ને તથા ઇઝરાયલના નવા રાજ્યની રચનાને ઇન્કારે છે તથા પૅલેસ્ટાઇનમાંથી યહૂદીવાદનો ખાત્મો કરવા માટે તમામ આરબોને એક થવાનું આહવાન આપે છે.
પૅલેસ્ટાઇન નૅશનલ કાઉન્સિલ પી.એલ.ઓ.ની સર્વોચ્ચ નીતિ ઘડનાર ઘટક છે. તેના સભ્યો (180) પૅલેસ્ટાઇનનાં રાજકીય સંગઠનો, ગેરીલા જૂથો, કાર્મિક સંગઠનો, વ્યાવસાયિકો, સ્ત્રીઓ તથા વિદ્યાર્થી-મંડળોનું પ્રતિનિધિત્વ કરે છે. પી.એલ.ઓ.ની રોજિંદી કામગીરી પર કારોબારી સમિતિ (executive committee) દેખરેખ રાખે છે. પૅલેસ્ટાઇન લિબરેશન આર્મી પી.એલ.ઓ.ની લશ્કરી પાંખ છે. 1974માં આરબ લીગે પી.એલ.ઓ.ને પૅલેસ્ટાઇનવાસીઓના એકમાત્ર અધિકૃત પ્રતિનિધિ તરીકે માન્યતા આપી. ત્યારપછી સંયુક્ત રાષ્ટ્રસંઘે પણ પી.એલ.ઓ.ને કાયમી ધોરણે નિરીક્ષક તરીકેનો દરજ્જો બક્ષ્યો. 1976માં પી.એલ.ઓ. આરબ લીગનું વિધિસર સભ્ય બન્યું. તે ઇઝરાયલના અસ્તિત્વના અધિકારને માન્ય રાખતું નથી.
પી.એલ.ઓ. સંગઠનમાં મવાળથી માંડીને ઉદ્દામ સુધીનાં ઘણાં રાજકીય વલણો પ્રતિબિંબિત થાય છે. આમ છતાં, પ્રમાણમાં મવાળ એવા અલ-ફતહ જૂથનું તેના પર વર્ચસ રહેલું છે. અલ-ફતહના નેતા યાસર અરાફાત 1968માં પી.એલ.ઓ.ની કારોબારી સમિતિના ચૅરમૅન બન્યા. તેમના નેતૃત્વ નીચે પી.એલ.ઓ.એ ઇઝરાયલ વિરુદ્ધ સતત લશ્કરી કામગીરી ચાલુ રાખી હતી. લડાયક ત્રાસવાદી સંગઠન અલ-ફતહે હિંસક માર્ગની તરફદારી કરી અને આ ધ્યેયને નજર સમક્ષ રાખીને તેણે લેબેનૉનના ધનિક શહેરી ઈસાઈઓ વિરુદ્ધ ડાબેરી મુસ્લિમ ધર્મબંધુઓનો સાથ લીધો. અલ-ફતહની ક્રાંતિકારી અને ત્રાસવાદી ગતિવિધિઓ પર અલ્જિરિયાના સંસ્થાનવાદ વિરુદ્ધના લડાયકોની ભારે અસર હતી. રાજદૂત અહમદ શુકૈરીની નેતાગીરી નીચે પી.એલ.ઓ.એ મવાળ અને શાંતિભરી નીતિ અખત્યાર કરી હતી; પરંતુ પશ્ચિમી દેશોએ ઇઝરાયલને ટેકો ચાલુ રાખતાં આ નીતિની નિરર્થકતા ખુલ્લી પડી તથા પી.એલ.ઓ.ની નેતાગીરીની વિશ્વસનીયતાનું ધોવાણ થતાં શિબિરોમાં વસતા પૅલેસ્ટાઇનવાસીઓ યાસર અરાફાતની નેતાગીરી હેઠળ સંગઠિત થયા. 1968માં યાસર અરાફાતે તમામ ઉદ્દામવાદી જૂથોને પી.એલ.ઓ.ના નેજા નીચે લાવી મૂક્યાં. પી.એલ.ઓ.એ લડાયક સંઘર્ષ ઉપરાંત વિશાળ પાયા પર રાજકીય અને પ્રચારાત્મક હુમલાઓ શરૂ કર્યા તથા દવાખાનાંઓ અને અન્ય સામાજિક સેવાઓ હાથ ધરી.
ઇઝરાયલ સાથેના લડાયક સંઘર્ષમાં કારમી પીછેહઠ સહન કરતાં, ખાસ કરીને 1967ના છ-દિવસીય યુદ્ધ દરમિયાન પૅલેસ્ટાઇનની માતૃભૂમિના મહત્વના અંગ જેવા જૉર્ડન નદીના પશ્ચિમી કિનારા પર ઇઝરાયલનું વર્ચસ સ્થપાતાં, પી.એલ.ઓ.એ અસરકારક રીતે જૉર્ડનના રાજ્ય પર કબજો કરવાનું નક્કી કર્યું. જૉર્ડને આ નિર્ણયને આવકાર્યો, કારણ કે પૅલેસ્ટાઇન-નિરાશ્રિતોની વિશાળ સંખ્યામાં હાજરીને લીધે જૉર્ડનને ફાયદો થયો હતો. પી.એલ.ઓ.ની માંગણીઓને લીધે જૉર્ડનના રાજા હુસૈનની ધીરજનો અંત આવ્યો અને જૉર્ડનની સેનાને તેણે પી.એલ.ઓ.ના સમર્થકોને હાંકી કાઢવા માટે તાકીદ કરી. પી.એલ.ઓ. દ્વારા ઇઝરાયલ પર જે હુમલાઓ કરવામાં આવતા તેના પ્રતિકાર તરીકે ઇઝરાયલ દ્વારા લેવામાં આવતાં પગલાંઓનો ભોગ જૉર્ડન વિસ્તારના લોકો બનતા હતા. આથી જૉર્ડનની સેના પણ પી.એલ.ઓ.ને ઝડપથી હાંકી કાઢવાની તકની રાહ જોતી હતી. તેમણે 1971માં પૅલેસ્ટાઇનવાસીઓને (પી.એલ.ઓ. સહિત) જૉર્ડનમાંથી ઝનૂનપૂર્વક તગેડી મૂક્યા. આ ઘટનામાં 10,000 લોકો હણાયા. પૅલેસ્ટાઇનવાસીઓએ ફરી એક વાર લૅબેનૉનમાં આશ્રય લીધો. 1970ના દાયકાના મધ્ય ભાગમાં (1974) પી.એલ.ઓ.ના વડા યાસર અરાફાતે સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાને સંબોધી, ત્યારથી પી.એલ.ઓ.ને આંતરરાષ્ટ્રીય સહાનુભૂતિ અને ગણના પ્રાપ્ત થઈ; આમ છતાં ઇઝરાયલ પર થતા અવારનવારના પૅલેસ્ટાઇનવાસીઓના હુમલાને ખાળવા માટે 1982માં ઇઝરાયલે દક્ષિણ લૅબેનૉનના વિસ્તાર પર મોટા પાયે લશ્કરી આક્રમણ કરીને પૅલેસ્ટાઇનવાસીઓને ત્યાંથી ભગાડ્યા. ત્યારથી પી.એલ.ઓ.નું વડું મથક ટયુનિસ બની રહ્યું. અરાફાતે ઇરાક સાથે પણ ગાઢ સંબંધો જાળવી રાખ્યા હતા. અખાતી યુદ્ધ (1991) વખતે અરાફાતે ઇરાકનો પક્ષ લીધો હતો. 1987થી ઇઝરાયલના તાબાના પશ્ચિમ કિનારા અને ગાઝા પટ્ટીના વિસ્તારોમાં ‘ઇન્તિફાડા’ નામે ઓળખાતું લોકઆંદોલન શરૂ થતાં તથા ઇઝરાયલી સૈનિકો અને આંદોલનકારીઓ વચ્ચે સતત ઘટતી હિંસક ઘટનાઓને લીધે પી.એલ.ઓ.માં વધુ અને વધુ એકતા ઊભી થઈ તથા પી.એલ.ઓ. નેતાગીરીને વાટાઘાટ દ્વારા સમાધાન સાધવા માટેની જરૂરિયાત વર્તાવા લાગી. વાસ્તવમાં તો પી.એલ.ઓ.ના નેતા અરાફાતે 1988માં એવી જાહેરાત કરી હતી કે ઇઝરાયલ જો સ્વતંત્ર પૅલેસ્ટાઇન રાજ્યને માન્ય રાખે તો પી.એલ.ઓ. ઇઝરાયલની સલામતી માટેના અધિકારને સ્વીકારવા તૈયાર છે. વિધિની વક્રતા તો એ છે કે ઇઝરાયલી સેનાની ભારે ભીંસના પરિણામે પી.એલ.ઓ.ને રાજકીય અને મુત્સદ્દીગીરીના રાહે પહેલ કરવાની ફરજ પડી; પરંતુ આ રાજકીય અને મુત્સદ્દીગીરીના રાહે કરવામાં આવેલ પહેલને લીધે આંતરરાષ્ટ્રીય સમાજમાં ઇઝરાયલના ભોગે પી.એલ.ઓ.ની પ્રતિષ્ઠામાં વધારો થયો.
વીસમી સદીના નવમા દાયકા(1981થી 1990)માં વિશ્વની મહાસત્તાઓ વચ્ચેના ઠંડા યુદ્ધનો અંત આવતાં, અમેરિકા તથા અગાઉના સોવિયેત યુનિયનને મધ્યપૂર્વના પશ્ન પ્રત્યે સહકાર સાધવાની તક પ્રાપ્ત થઈ. આ બંને મહાસત્તાઓના સતત દબાણ નીચે પૅલેસ્ટાઇનના પ્રશ્ર્ને શાંતિમય ઉકેલ માટેની વાટાઘાટોમાં પૅલેસ્ટાઇનના વાજબી અને અધિકૃત પ્રતિનિધિ તરીકે પી.એલ.ઓ.ને સ્વીકારવાની ફરજ પડી. નવેમ્બર 1991માં મૅડ્રિડ (સ્પેન) ખાતે મધ્યપૂર્વ શાંતિવાર્તા શરૂ થઈ, જેમાં ઇઝરાયલ, સીરિયા, ઇજિપ્ત, લેબેનિઝ તથા પૅલેસ્ટેનિયન-જૉર્ડનિયન પ્રતિનિધિમંડળોએ ભાગ લીધો.
પશ્ચિમ એશિયામાં કાયમી શાંતિ સ્થાપવાની પ્રક્રિયાની શરૂઆત 13 સપ્ટેમ્બર, 1993ના રોજ પી.એલ.ઓ.નેતા યાસર અરાફાત અને ઇઝરાયલી વડાપ્રધાન સદ્ગત ઇત્ઝાક રેબિન વચ્ચેના હસ્તધૂનનથી થઈ અને તે અનેક અવરોધો છતાં ધીમે ધીમે આગળ વધી. 27 વર્ષોથી ઇઝરાયલના કબજામાં હતા તે પશ્ચિમ કિનારાના વિસ્તારમાં આવેલ જેરિકો શહેરમાં 5 જુલાઈ, 1994ના રોજ પી.એલ.ઓ.ના ચૅરમૅન યાસર અરાફાતનો પૅલેસ્ટાઇન રાજ્યના વડા તરીકે સોગંદવિધિ કરવામાં આવ્યો. 29 ઑગસ્ટ, 1994ની સમજૂતી અનુસાર પશ્ચિમ કિનારાના સમગ્ર વિસ્તારમાં કેટલીક સત્તાઓ પી.એલ.ઓ. સત્તામંડળને સોંપવાની જોગવાઈ કરવામાં આવી. આ પછી ઇઝરાયલની સરકારનું સમગ્ર ધ્યાન પોતાની સલામતી પર કેન્દ્રિત થયું. ઇઝરાયલની સરકારની સતત એક માંગ રહી છે કે પૅલેસ્ટાઇન સત્તામંડળે ઇઝરાયલ-વિરોધી ઉદ્દામવાદી આરબ સંગઠન હમાસને અંકુશમાં રાખવું જોઈએ તથા તેના નેતાઓની ધરપકડ કરવી જોઈએ. જો આમ ન થાય તો પૅલેસ્ટાઇનના અન્ય વિસ્તારોમાં સ્વાયત્તતાના વિસ્તરણની પ્રક્રિયા અશક્ય બનશે એવી ચીમકી પણ ઇઝરાયલની સરકારે ઉચ્ચારી.
સપ્ટેમ્બર, 1995માં વૉશિંગ્ટન ખાતે ઇઝરાયલ અને પૅલેસ્ટાઇનના પ્રતિનિધિઓ વચ્ચે એક કરાર પર સહીસિક્કા કરવામાં આવ્યા અને તે મુજબ પશ્ચિમ કિનારાના વિસ્તારનાં 7માંથી 6 મોટાં નગરોમાંથી તથા 460 જેટલાં અન્ય નાનાંમોટાં ગામોમાંથી ઇઝરાયલની સેનાની ટુકડીઓ ક્રમશ: હઠાવી લેવામાં આવે; એપ્રિલ 1996માં 82 સભ્યોની બનેલી પૅલેસ્ટાઇન કાઉન્સિલની રચના કરવામાં આવે તથા તેના વડાની ચૂંટણી કરવામાં આવે એવું ઠરાવવામાં આવ્યું. એ ચૂંટાયેલા વડા પાસે પી.એલ.ઓ. હસ્તકના વિસ્તારોનો વહીવટ કરવાની સત્તા રહે એમ પણ નક્કી કરવામાં આવ્યું. પશ્ચિમ કિનારાના બાકીના વિસ્તારો ઇઝરાયલની સેનાના હસ્તક ચાલુ રહે અને તેમ છતાં દર છ માસના અંતરે તે વિસ્તારોમાંથી પણ ઇઝરાયલની સેનાની ટુકડીઓ ક્રમશ: પાછી ખેંચવાની પ્રક્રિયા દાખલ કરવામાં આવે એવી પણ બાંયધરી આ કરારમાં છે. વળી ઉપર્યુક્ત વિસ્તારોનો મુલકી વહીવટ પૅલેસ્ટાઇન કાઉન્સિલના હસ્તક રહે એવી જોગવાઈ આ કરારમાં કરવામાં આવેલી. એ પછી મે, 1996માં પશ્ચિમ કિનારાના તથા ગાઝા પટ્ટીના કાયમી દરજ્જા(status)નો નિર્ણય કરવા માટે અમેરિકાની પહેલથી બંને સંબંધિત પક્ષો વચ્ચે વાટાઘાટો કરવાનો નિર્ણય પણ તે વખતે કરવામાં આવેલો.
ઉપરના કરાર મુજબ જાન્યુઆરી, 1996માં પૅલેસ્ટાઇન હસ્તકના વિસ્તારોની ધારાસભા (legislative council) તથા તેના પ્રમુખની ચૂંટણી કરવામાં આવી. આ ચૂંટણીમાં કુલ મતદારોમાંથી લગભગ 84 % મતદારોએ મતદાન કર્યું તથા પ્રસ્તાવિત પૅલેસ્ટાઇન રાજ્યના પ્રમુખ તરીકે યાસર અરાફાત 88 % મતની સરસાઈ સાથે ચૂંટાઈ આવ્યા. 22 ફેબ્રુઆરી, 1996ના રોજ તેમણે હોદ્દાના સોગંદ લીધા હતા. દરમિયાન નવેમ્બર, 1995માં ઇઝરાયલના પ્રધાનમંત્રી ઇત્ઝાક રેબિનની હત્યા કરવામાં આવી.
બંને પક્ષો વચ્ચેની વાટાઘાટોમાં ઘણા લાંબા સમયથી અવારનવાર મડાગાંઠ ઊભી થતી રહે છે. સપ્ટેમ્બર, 1998માં ઇઝરાયલના પ્રધાનમંત્રી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે પશ્ચિમ કિનારો તથા ગાઝા પટ્ટીના જે વિસ્તારો હાલ ઇઝરાયલના સૈનિકોના નિયંત્રણ હેઠળ છે તે વિસ્તારોમાંથી પણ કેટલાક વિસ્તારો પૅલેસ્ટાઇન કાઉન્સિલની સત્તા હેઠળ મૂકવા અંગે ઇઝરાયલ પી.એલ.ઓ. સાથે મંત્રણા કરવા તૈયાર છે. આ જાહેરાત છતાં ઉપર્યુક્ત મંત્રણાઓના પરિણામની રાહ જોયા વગર, 1999ના મધ્ય સુધીમાં પૅલેસ્ટાઇનના સ્વતંત્ર રાષ્ટ્રની સ્થાપનાની વિધિવત્ જાહેરાત કરવાની પોતાની નેમનું પુનરુચ્ચારણ પી.એલ.ઓ.ના નેતા યાસર અરાફાતે 10 ઑક્ટોબર, 1998ના રોજ કરી દીધું હતું.
1995માં ઇઝરાયલ અને પી.એલ.ઓ. વચ્ચે થયેલી છેલ્લી મંત્રણાઓ બાદ છેક ઑક્ટોબર, 1998 સુધી તેમાં કોઈ પ્રગતિ થઈ ન હતી; પરંતુ અમેરિકાની સક્રિય મધ્યસ્થતાને કારણે વૉશિંગ્ટનની નજીકના મેરીલૅન્ડ નામના સ્થળે ઑક્ટોબર, 1998માં બંને પક્ષો વચ્ચેની મંત્રણાઓનો એક વધારાનો દોર યોજવામાં આવ્યો અને તેના પરિણામસ્વરૂપ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટન તથા જૉર્ડનના રાજા શાહ હુસેનની ઉપસ્થિતિમાં બંને પક્ષો વચ્ચે એક નવા કરાર પર સહી-સિક્કા કરવામાં આવ્યા. આ કરાર મુજબ પશ્ચિમ કિનારા તરફના વિસ્તારમાં ઇઝરાયલના અંકુશ હેઠળ હાલ જે કુલ પ્રાદેશિક વિસ્તાર છે તેમાંથી 13 % જેટલા વિસ્તારમાંથી ઇઝરાયલનું લશ્કર ખસેડી લેવામાં આવશે અને ઇઝરાયલના કારાવાસોમાં ગોંધી રાખવામાં આવેલ આશરે 3000 પૅલેસ્ટિનિયન કેદીઓમાંથી 750 કેદીઓને મુક્ત કરવામાં આવશે એવી બાંયધરી ઇઝરાયલે આપી છે. જેની સામે પૅલેસ્ટાઇન રાષ્ટ્રની સ્થાપનાને લગતા ઘોષણાપત્રમાં ઇઝરાયલને ખતમ કરી નાખવા અંગે જે કલમ રાખેલી છે તે રદ કરવાની તથા પૅલેસ્ટાઇનનાં કટ્ટરપંથી જૂથોની ઇઝરાયલવિરોધી હિંસક પ્રવૃત્તિઓ પર અસરકારક અંકુશ મૂકવાની પી.એલ.ઓ.ના નેતા યાસેર અરાફાતે બાંયધરી આપી છે. બંને પક્ષો વચ્ચેનો આ નવો કરાર માત્ર ઇઝરાયલ અને પૅલેસ્ટાઇનવાસીઓ માટે જ નહિ, પરંતુ બહોળા અર્થમાં વિશ્વશાંતિ માટેનું એક હકારાત્મક પગલું છે એમ માનવામાં આવે છે.
નવનીત દવે