પૅલેસ્ટાઇન (ભૂગોળ)

January, 1999

પૅલેસ્ટાઇન (ભૂગોળ) : પશ્ચિમ એશિયા અથવા તો મધ્ય-પૂર્વમાં આજનું ‘ગાઝા પટ્ટી’ (Gaza Strip) તરીકે ઓળખાતું ક્ષેત્ર. તે જૉર્ડન નદી-ખીણની પશ્ચિમે ભૂમધ્ય સમુદ્રના પૂર્વ કાંઠા પર ઉત્તર-દક્ષિણ લાંબી પટ્ટીના રૂપમાં આવેલું છે. તેની એક બાજુએ ઇઝરાયલની સીમા છે, તો બીજી બાજુએ ઇજિપ્તની. આમ છતાં પૅલેસ્ટાઇનવાસીઓની માગણી મુજબનો આ નવોદિત રાષ્ટ્રનો વિસ્તાર કેટલો છે તે હજી સ્પષ્ટ થયું નથી, એટલે આશરે 31o 20′ ઉત્તર અક્ષાંશવૃત્ત તથા 34o 20′ પૂર્વ રેખાંશવૃત્તની આસપાસનો ગાઝા પટ્ટીનો પ્રદેશ  લગભગ 280 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવે છે.

મૂળ હિબ્રૂ ‘પ્લેશેટ’ નામના શબ્દ પરથી ગ્રીક ‘પૅલેસ્ટિના’ શબ્દ ઊતરી આવેલો છે, જે ‘ફિલિસ્તિનની ભૂમિ’ (Land of Philistines) એવા અર્થને સૂચિત કરે છે. ઈ. સ. પૂ.ની બીજી સદીમાં રોમન લોકો સીરિયા પ્રાન્તના દક્ષિણના 2 ભાગ માટે ‘સિરિયા પૅલેસ્ટિના’ શબ્દનો પ્રયોગ કરતા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ પછી સૌપ્રથમ બ્રિટિશરોએ આ પ્રદેશનું સત્તાવાર નામ ‘પૅલેસ્ટાઇન’ આપ્યું હતું. તે સમયે આ પ્રદેશ વિશાળ વિસ્તાર ધરાવતો હતો અને તેમાં તેના ભાગ રૂપે આજના ઇઝરાયલ તથા જૉર્ડનનો પણ સમાવેશ થતો હતો.

ડૉમ ઑવ્ ધ રૉક, જેરૂસલેમ

યહૂદીઓ, ખ્રિસ્તીઓ અને આરબો આ પ્રદેશને પવિત્ર ગણતા આવ્યા છે. વર્ષોથી આ પ્રદેશમાં વસવાટ કરતી આરબ પ્રજાનો દાવો રહ્યો છે કે સાતમી સદીથી અહીં મુસ્લિમ રાજ્યકર્તાઓ શાસન કરતા આવ્યા છે, એટલે આ પ્રદેશ તેમની માતૃભૂમિ છે. સ્વાભાવિક રીતે જ તેના પર તેમનું પોતાનું રાજ્ય સ્થપાય તેમ તેઓ ઇચ્છે છે. ઐતિહાસિક કાળ દરમિયાન પૅલેસ્ટાઇનની સરહદો (frontiers) મોટા પાયા પર બદલાતી રહી છે; આમ છતાં આ પ્રદેશ સામાન્ય રીતે ભૂમધ્ય સમુદ્રકાંઠાનાં પશ્ચિમનાં મેદાનોથી માંડીને હા-શેફેલાના સીમાન્ત પ્રદેશમાં થઈને પ્રાચીન હિબ્રૂ રાજ્યના હૃદયસમાન જૂડિયા અને સમારિયાના ડુંગરાળ પ્રદેશને આવરતો રહ્યો છે.

જૂડિયાનો પ્રદેશ જૉર્ડન નદી-ખીણ તરફ ઢળતો છે. જૉર્ડન નદી-ખીણ, એ પૂર્વ આફ્રિકાની જગપ્રસિદ્ધ ‘વિસ્તૃત ફાટખીણ સંકુલ’(Great Rift Valley System)ના ભાગરૂપ છે. આ પ્રદેશની દક્ષિણમાં અકાબાના અખાતના છેડે નેગેવનો શુષ્ક અને અસમ તળપ્રદેશ છે. તેની ઉત્તરમાં એસ્ડ્રેલનનું વિશાળ અને ફળદ્રૂપ મેદાન પથરાયેલું છે, જે સમારિયા(દક્ષિણ)ને ગૅલિલીના ડુંગરાળ વિસ્તારથી અલગ કરે છે. ગૅલિલીની પૂર્વમાં ગેલિલીનો સમુદ્ર વિસ્તરેલો છે. શહેનશાહ ડેવિડ અને સૉલોમને આ પ્રદેશો પર ઈ. સ. પૂ. 1000ના અરસામાં રાજ્ય કર્યું હતું. આ પ્રદેશમાં આજના લૅબેનૉન અને સીરિયાના મોટા ભાગના પ્રદેશોનો સમાવેશ થતો હતો અને ત્યારે તે પ્રદેશ છેક યુફ્રેટીસ નદી સુધી વિસ્તરેલો હતો.

પૅલેસ્ટાઇનની આસપાસની ભૌગોલિક પરિસ્થિતિ વિરોધાભાસવાળી છે. જેરૂસલેમથી ઉત્તરમાં માત્ર 23 કિમી.ના અંતરે તપાસ કરીએ તો ત્યાં સમુદ્રસપાટીથી લગભગ 821 મી. ઊંચાઈ ધરાવતા ડુંગરાળ ભાગોથી લઈને સમુદ્રસપાટીથી 395 મી. નીચે (ભૂમિસપાટી પરનું નીચામાં નીચું બિંદુ) મૃતસમુદ્ર(dead sea)નો વિસ્તાર આવેલો છે, જે 240 % જેટલી ક્ષારતા ધરાવે છે. તેવી જ રીતે તેના કિનારાના ભાગોમાં શિયાળુ વરસાદવાળી ભૂમધ્ય સમુદ્ર પ્રકારની નરમ આબોહવા પ્રવર્તે છે. પણ ઉત્તરે જૉર્ડન નદી-ખીણમાં સમુદ્રસપાટીથી આશરે 201 મી. નીચે તિરાત ઝેવીમાં વધુ ઊંચું તાપમાન અનુભવાય છે. ત્યાંનું ગુરુતમ તાપમાન લગભગ 54o સે. જેટલું નોંધાયું છે.

રાજકીય ઘટનાઓ : પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) પછી, રાષ્ટ્રસંઘ(UNO)ના આદેશ અનુસાર પૅલેસ્ટાઇનનો વહીવટ બ્રિટનને સોંપવામાં આવ્યો. આ પ્રદેશમાં યહૂદીઓ વસવાટ કરે તેવી  બ્રિટનની નીતિ રહી હતી. બીજા વિશ્વયુદ્ધ પછી 1947માં મળેલી રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં પૅલેસ્ટાઇનનો પ્રશ્ન લાવવામાં આવ્યો. રાષ્ટ્રસંઘે પૅલેસ્ટાઇનમાં આરબ અને યહૂદી રાષ્ટ્રો રચવાની ભલામણ કરી. ઈ. સ. 1948ના મે માસની 14મી તારીખે અલગ ઇઝરાયલ દેશની ઘોષણા કરવામાં આવી અને તે પછી બ્રિટિશ અધિકારીઓએ પૅલેસ્ટાઇન છોડી દીધું. આમ રાષ્ટ્રસંઘની યોજના મુજબ 50%થી વધુ ભૂમિ સાથે ઇઝરાયલ દેશ અસ્તિત્વમાં આવ્યો. તેમાં ગેલિલીના તથા નેગેવના બધા જ વિસ્તારોનો; ગાઝા પટ્ટીના કિનારાના અંશત: પ્રદેશ(ઇજિપ્તના તાબાનો)નો અને વાયવ્ય જેરૂસલેમનો સમાવેશ થતો હતો. લગભગ 7,20,000 પૅલેસ્ટિનિયન આરબોએ ઇઝરાયલ ત્યજી દેવું પડ્યું. ઈ. સ. 1964માં પૅલેસ્ટિનિયન આરબોના પ્રેરણાદાયી રાષ્ટ્રપ્રેમને વાચા આપવા માટે ‘પૅલેસ્ટાઇન મુક્તિ સંગઠન’(Palestine Liberation Organisation – PLO)ની સ્થાપના કરવામાં આવી અને યાસર અરાફાત આ સંગઠનના નેતા બન્યા. ઈ. સ. 1994માં તેઓ જેરિચો આવ્યા ત્યાં સુધી આ સંગઠનનું મુખ્ય મથક ટ્યૂનિસિયાનું પાટનગર ટ્યૂનિસ રહ્યું હતું. 15મી નવેમ્બર 1988માં અલ્જિરિયાના પાટનગર અલ્જિયર્સ ખાતેથી તેમણે  પૅલેસ્ટાઇન એ જૉર્ડન નદીની પશ્ચિમ બાજુએ ભૂમધ્ય સમુદ્રકાંઠા પર ગાઝા પટ્ટીને આવરતું સ્વતંત્ર રાષ્ટ્ર હોવાની ઐતિહાસિક ઘોષણા કરી.

લગભગ 40થી પણ વધુ વર્ષોથી ચાલ્યા આવતા સંઘર્ષના પરિપાકરૂપે જન્મ પામેલા પૅલેસ્ટાઇનના આ નવોદિત રાષ્ટ્રને ભારતસહિત વિશ્વના 80 દેશોએ આવકાર આપ્યો; એટલું જ નહિ, પણ તાત્કાલિક માન્યતા  આપી દીધી. આમ છતાં ડાબેરી મજૂરપક્ષ તરફનું વલણ ધરાવતા ઇઝરાયલના વડાપ્રધાન ઇત્ઝાક શમીર હજી પણ પૅલેસ્ટાઇનની પ્રજાનું પ્રતિનિધિત્વ ધરાવતા ‘પૅલેસ્ટાઇન મુક્તિ સંગઠન’(PLO)ને કાયદેસર ગણતા નથી.

છેલ્લી અર્ધી સદીથી પૅલેસ્ટાઇનવાસીઓ, પાટનગર જેરૂસલેમ સહિતના ભૂમધ્ય સમુદ્રના પશ્ચિમ કાંઠા અને ગાઝા પટ્ટી પરના સ્વતંત્ર માતૃદેશની ઝંખના કરી રહ્યા છે. તેના સંદર્ભમાં આજે પણ આરબ-ઇઝરાયલી ઘર્ષણ ચાલુ રહ્યું છે. તેની સરહદો પર નાનાંમોટાં છમકલાં થતાં રહે છે. ઈ. સ. 1993ના ઑગસ્ટ માસના અંતભાગમાં ઇઝરાયલે પૅલેસ્ટાઇનને મર્યાદિત પ્રમાણમાં સ્વાયત્તતા બક્ષી. વળી સપ્ટેમ્બર માસની શરૂઆતમાં ‘પૅલેસ્ટાઇન મુક્તિ સંગઠન’ (PLO) અને ઇઝરાયલે અરસપરસની માન્યતા અંગેની જાહેરાત કરી. આ પછી 13મી સપ્ટેમ્બરના રોજ આ સંદર્ભમાં વૉશિંગ્ટન ખાતે યોજાયેલા સમારંભમાં આ ઐતિહાસિક કરાર પર સહીઓ પણ કરવામાં આવી.

13મી મે 1994ના રોજ ઇઝરાયલે, પૅલેસ્ટાઇનની પોલીસને જેરિકોનો કબજો સોંપ્યો અને 5મી જુલાઈએ અરાફાતે પૅલેસ્ટાઇનની પોતાની સરકારની રચના કરી. જાન્યુઆરી, 1996માં તેઓ જંગી બહુમતીથી પૅલેસ્ટાઇનના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા.

બીજલ પરમાર