પેલોપોનિશ્યન યુદ્ધો

January, 1999

પેલોપોનિશ્યન યુદ્ધો : ઍથેન્સ ને સ્પાર્ટાનાં નગરરાજ્યો વચ્ચેનાં યુદ્ધો. પ્રાચીન ગ્રીસમાં કેટલાંક સ્વાયત્ત નગરરાજ્યો આવેલાં હતાં; જેમાં ઍથેન્સ તથા સ્પાર્ટા મુખ્ય તેમજ શક્તિશાળી નગરરાજ્યો હતાં. ગ્રીસનાં નગરરાજ્યોના ભૌગોલિક તેમજ પ્રાદેશિક રીતે બે વિભાગ હતા : (1) પેલો પોનેસસનો પ્રદેશ તથા (2) ગ્રીસનો અન્ય પ્રદેશ. પેલો પોનેસસમાં ડોરિયન લોકોની મુખ્ય વસ્તી હતી, જ્યારે અન્ય પ્રદેશમાં આયોનિયન લોકોની વસ્તી વધારે હતી. ડોરિયન લોકોએ સ્પાર્ટાની નેતાગીરી સ્વીકારી હતી તથા તેના નેતૃત્વ તળે પેલોપોનિદૃશ્યન (ડોરિયન) સંઘની રચના કરી હતી, જ્યારે આયોનિયન લોકોએ ઍથેન્સની નેતાગીરી નીચે આયોનિયન સંઘની સ્થાપના કરી હતી.

ઈરાની આક્રમણો (મૅરેથોનનું યુદ્ધ ઈ. સ. પૂ. 490 તથા થમૉર્પિલીનું યુદ્ધ ઈ. સ. પૂ. 480) સમયે ઍથેન્સ તથા સ્પાર્ટાની નેતાગીરી નીચે ગ્રીક નગરરાજ્યો એક થઈને લડ્યાં હતાં અને એ રીતે ગ્રીસની એકતાનું દર્શન કરાવ્યું હતું; પરંતુ ત્યારબાદ ઍથેન્સ તથા સ્પાર્ટા વચ્ચે ગ્રીક નગરરાજ્યો પર આધિપત્ય સ્થાપવા તેમજ રાજકીય અને આર્થિક સામ્રાજ્યનો વિસ્તાર કરવાની લાલસા વધતાં બંને વચ્ચે અવારનવાર ઘર્ષણો થયાં, જેને પરિણામે પેલોપોનિદૃશ્યન નામે જાણીતા થયેલા આંતરવિગ્રહો લડાયા.

ઍથેન્સ તથા સ્પાર્ટાની રાજકીય, આર્થિક, સામાજિક તથા સાંસ્કૃતિક સ્થિતિ વચ્ચે પણ મોટો તફાવત હતો. ઍથેન્સમાં લોકશાહી હતી જ્યારે સ્પાર્ટામાં લશ્કરી ઢબની સરમુખત્યારશાહી હતી. સ્પાર્ટાના ડોરિયન લોકો બહુધા ખેતીપ્રધાન, ખડતલ અને સાદા હતા, જ્યારે ઍથેન્સના આયોનિયન લોકોએ કૃષિ ઉપરાંત ઉદ્યોગો-  દરિયાઈ વેપાર-વાણિજ્ય વગેરેનો સારો એવો વિકાસ કર્યો હતો તથા ઈજિયન સમુદ્રમાંના ટાપુઓ તેમજ એશિયા માઇનોરના કિનારાના પ્રદેશો સાથેના દરિયાઈ વેપારથી પુષ્કળ સંપત્તિ પ્રાપ્ત કરી હતી. સ્પાર્ટાના લોકો રૂઢિચુસ્ત હતા, તો ઍથેન્સના લોકો સામાજિક રીતે ઉદાર હતા. સ્પાર્ટામાં ડોરિયન લોકો કરતાં હેલોટ જાતિના લોકોની વસ્તી દશ ગણી હતી, તોપણ તેમના પ્રત્યે અર્ધગુલામી જેવું વર્તન રાખવામાં આવતું, તે જ રીતે ઍથેન્સ આંતરિક રીતે ઉદાર હોવા છતાં તેનાં રક્ષિત નગરરાજ્યો તેમનાં ખંડિયાં હોય તે રીતનો તેમના પ્રત્યે અપમાનજનક વર્તાવ કરતું. સ્પાર્ટામાં સાહિત્યકલા વગેરેનો વિકાસ ઘણો ઓછો થયો હતો, જ્યારે ઍથેન્સમાં તેનો સારો એવો વિકાસ થયો હતો. આમ સ્પાર્ટા લશ્કરી રીતે સશક્ત રાજ્ય હતું, તો ઍથેન્સ સાંસ્કૃતિક રીતે વિકસિત રાજ્ય હતું. બંને વચ્ચેના આવા તફાવતથી સ્પાર્ટા ઍથેન્સ પાસેથી નગરરાજ્યોનું તેનું આધિપત્ય ખૂંચવી લેવા માગતું હતું, જેના પરિણામે બન્ને વચ્ચે ત્રણ તબક્કાઓમાં (ઈ. સ. પૂ. 460થી ઈ. પૂ. 404) પેલોપોનિદૃશ્યન નામે જાણીતાં એવું યુદ્ધો થયાં.

આ યુદ્ધોમાં ગ્રીસનાં અન્ય નગરરાજ્યોએ એક અથવા બીજા પક્ષને સાથ આપ્યો, જેથી પેલોપોનિદૃશ્યન યુદ્ધોનો ફેલાવો લગભગ બધાં નગરરાજ્યોમાં થયો. પ્રથમ તબક્કામાં ઍથેન્સનો પરાજય થતાં તેને અપમાનજનક સંધિ સ્વીકારવી પડી. વળી ઍથેન્સનાં આયોનિયન નગરરાજ્યો પ્રત્યેની સામ્રાજ્યવાદી નીતિને લીધે આ રાજ્યોએ સ્પાર્ટાને ટેકો આપતા બીજા તબક્કાના ભૂમિયુદ્ધમાં ઍથેન્સનો પરાજય થયો અને તેના મોટા ભાગના નૌકાકાફલાનો ત્રણ દરિયાઈ યુદ્ધોમાં નાશ થયો. સ્પાર્ટાના વિજયમાં તેના સરમુખત્યાર શાસક આર્કિડેમસ તથા તેની શિસ્તબદ્ધ લશ્કરી સેનાએ મહત્વનો ભાગ ભજવ્યો. વળી આ દરમિયાન ઍથેન્સમાં પ્લેગનો ભયંકર રોગ ફેલાયો, તેનાથી પણ પુષ્કળ જાનહાનિ થઈ. આમ ઍથેન્સને બેવડી આફત સહન કરવી પડી.

આમ ઍથેન્સની લોકશાહીના તે સમયનો સર્વોચ્ચ વડો (ઈ. સ. પૂ. 460થી ઈ. સ. પૂ. 430) પેરિક્લિસ સ્પાર્ટા સામે નિષ્ફળ જતાં તથા પ્લેગના રોગને નિયંત્રણમાં લાવવામાં અસફળ રહેતાં કેટલાંક તકસાધુ-સ્થાપિત હિતોએ પેરિક્લિસને પદભ્રષ્ટ કરાવ્યો, પરંતુ તેનાથી ઍથેન્સની પરિસ્થિતિ વધારે નબળી બનતાં તેને ફરી સત્તાસ્થાને બેસાડવો પડ્યો, પણ પેરિક્લિસને પ્લેગનો ચેપ લાગતાં ટૂંકમાં જ તેનું અવસાન થયું (ઈ. સ. પૂ 429).

પેરિક્લિસના મૃત્યુ બાદ ઍથેન્સમાં સબળ નેતાગીરીને અભાવે તેની સમસ્ત સંરક્ષણહરોળ તૂટી પડી અને ત્રીજા તબક્કાના આંતરવિગ્રહમાં સ્પાર્ટાએ ઍથેન્સ પર આક્રમણ કરીને તેનો સંપૂર્ણ પરાજય કર્યો. ઍથેન્સને સ્પાર્ટાની શરણાગતિ સ્વીકારવી પડી તથા ઍથેન્સ સિવાયના પોતાના બધા પ્રદેશો સ્પાર્ટાને સોંપી દેવા પડ્યા. આમ પેલોપોનિશ્યન યુદ્ધોનું પૃથક્કરણ કરતાં એ સ્પષ્ટ થાય છે કે પ્રબળ લશ્કરી તથા શારીરિક તાકાત તેમજ એક જ સર્વમાન્ય નેતાગીરી ધરાવનાર નગરરાજ્ય સામે લોકશાહી તથા બૌદ્ધિક શક્તિ ધરાવનાર તેમજ વારંવાર નેતાગીરી અને સેનાનીપદ બદલનાર નગરરાજ્યનો પરાજય થાય છે. જોકે આ પછી થોડાં વર્ષોમાં જ ઍથેન્સે ફરીથી ગ્રીક નગરરાજ્યોમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું. એ રીતે લશ્કરી સત્તા સામે લોકશાહી સત્તાનો આખરી વિજય થયો હોવાનું કહી શકાય.

રમણલાલ ક. ધારૈયા