પૅરેફિન : મીણ જેવા પદાર્થ અથવા સંયોજનોના સમૂહ માટે વપરાતો શબ્દ. મીણ અથવા ‘વૅક્સ’ (wax) શબ્દ પેટ્રોલિયમમાંથી મળતી કેટલીક અપરિષ્કૃત (crude) પેદાશો માટે પણ વપરાય છે. તેને ઠંડું પાડીને અલગ કરવામાં આવે છે તથા મિથાઇલ ઇથાઇલ કીટોનમાંથી સ્ફટિકીકરણ દ્વારા તેને શુદ્ધ કરવામાં આવે છે. પૅરેફિન વૅક્સ C26થી C30 કાર્બનવાળા આલ્કેન હાઇડ્રોકાર્બનો છે. તેનું ગ.બિં. 52oથી 57o સે. છે. માઇક્રોક્રિસ્ટલાઇન વૅક્સમાં ઊંચા અણુભારવાળાં સંયોજનો હોય છે તથા તેનું ગ.બિં. 90o સે. હોય છે. ‘પૅરેફિન’ શબ્દ મુક્ત-શૃંખલાવાળા કાર્બન તથા હાઇડ્રોજનયુક્ત એકબંધવાળાં સંયોજનો માટે પણ વપરાય છે અને તેનું સૂત્ર Cn H2n + 2 હોય છે. આ શબ્દપ્રયોગ હવે વપરાશમાં નથી.
જ. પો. ત્રિવેદી