પૅરેફિન મીણ (paraffin wax)

January, 1999

પૅરેફિન મીણ (paraffin wax) : પેટ્રોલિયમમાંના ઊંજણતેલના અંશનું વિમીણીકરણ (dewaxing) કરીને મેળવાતો, સંતૃપ્ત હાઇડ્રોકાર્બનોનો બનેલો ઘન પદાર્થ. તે સ્ફટિકમય કે સૂક્ષ્મ સ્ફટિકમય (micro- crystalline) હોય છે. ઊંજણતેલનું વિભાગીકરણ (fractionation) કરીને મેળવાતા નિસ્યંદિત ભાગમાંથી સ્ફટિકમય મીણ, જ્યારે અપરિષ્કૃત (crude) તેલમાંના અવશિષ્ટ (residual) ઊંજણતેલના ભાગમાંથી સૂક્ષ્મસ્ફટિકીય પ્રકારનું મીણ મળે છે. સ્ફટિકમય મીણ C20થી C30 (કોઈક વાર તેથી વધુ) ધરાવતા સરળ શૃંખલા(straight chain)વાળા હાઇડ્રોકાર્બનોનું બનેલું હોય છે અને તેનું ગ.બિં. 48oથી 65o સે. હોય છે. સૂક્ષ્મસ્ફટિકીય મીણ સામાન્ય રીતે શાખિત શૃંખલા(branched chain)વાળાં પૅરેફિન ધરાવે છે અને તેનો અણુભાર વધુ હોય છે (C33થી C43). તેનું ગ.બિં. 65o થી 79o સે. જેટલું હોય છે. મીણમાં ગ્લિસરાઇડ સંયોજનોની હાજરી હોતી નથી. ઊંજણતેલના એક વિભાગનું મિથાઇલ ઇથાઇલ કીટોન તથા બેન્ઝિન વડે નિષ્કર્ષણ કરી, નિષ્કર્ષિતના નિસ્યંદ દ્વારા મળતા ખૂબ નજીક – નજીક ગ.બિં. ધરાવતા ઘટકમાંથી સૂક્ષ્મસ્ફટિકીય મીણ મેળવાય છે. અપરિષ્કૃત મીણનું આંશિક અલગીકરણ કરવાની રીતને સ્વેદનવિધિ (sweating process) કહે છે; પરંતુ પેટ્રોલિયમ પ્રકારનાં મીણ સ્વેદનવિધિ વડે મેળવી શકાતાં નથી. આ પ્રકારનાં મીણ સીધાં જ અવશિષ્ટ ઊંજણતેલમાંથી દ્રાવક વિમીણીકરણવિધિ અથવા અપકેન્દ્રી વિમીણીકરણ દ્વારા મેળવાય છે.

ઉદ્યોગમાં વપરાતા મીણનો લગભગ 90 % ભાગ પૅરેફિન મીણ હોય છે, જ્યારે બાકીનો 10 % ભાગ વનસ્પતિજ તથા પ્રાણિજ મીણ હોય છે. સંશ્લેષિત મીણમાં કાર્બોવૅક્સ ઊંચા અણુભારવાળું પૉલિઇથીલિન ગ્લાયકોલ હોય છે તથા તે મીણ-પાયસીકારક તરીકે વપરાય છે. ઉચ્ચ એલિફેટિક આલ્કોહૉલ પણ મીણના અવેજ તરીકે વપરાય છે. તે ઉપરાંત ચરબીજ ઍસિડ તથા એમાઇનમાંથી પણ પૅરેફિન મીણ બનાવાય છે.

પૅરેફિન મીણ સફેદ, અર્ધપારદર્શક (translucent),  સ્વાદવિહીન, ગંધવિહીન અને દહનશીલ પદાર્થ છે. તે બેન્ઝિન, લિગ્રોઇન, ગરમ આલ્કોહૉલ, ક્લૉરોફૉર્મ, ટર્પેન્ટાઇન, કાર્બન ડાઇસલ્ફાઇડ અને ઑલિવ તેલમાં દ્રાવ્ય છે. પાણી તથા ઍસિડમાં તે અદ્રાવ્ય છે. તેની ઘનતા 0.880થી 0.915 જેટલી હોય છે.

પૅરેફિન મીણના ઉપયોગો: કાગળની નીપજોને કોટિંગ કરવા માટે, અન્ય પ્રકારના મીણ સાથે ભેળવીને મીણબત્તીઓ બનાવવા, વિદ્યુત-સાધનોમાં વીજરોધક તરીકે, ઘરનાં તથા ઉદ્યોગનાં પૉલિશ બનાવવા, ખાદ્ય પદાર્થો માટે સંરક્ષી સીલ (protective sealant) તરીકે, ઍસિડની શીશીના બૂચ માટે, રંગશલાકા(crayons)માં, સૌંદર્ય-પ્રસાધનોમાં, ફોટોગ્રાફીમાં, ચ્યૂઇંગ ગમના ધારક (base) તરીકે તથા રબરની વસ્તુઓને સૂર્યથી તિરાડ પડતી અટકાવવામાં વપરાય છે. પેટ્રોલિયમ જેલી જેવાં નરમ મીણ યોગ્ય શુદ્ધીકરણ બાદ ઔષધીય નીપજોમાં વપરાય છે.

જ. પો. ત્રિવેદી