પેરિક્યુટિન : મેક્સિકોમાં આવેલો જ્વાળામુખી પર્વત. પશ્ચિમ ગોળાર્ધમાં છેલ્લે છેલ્લે પ્રસ્ફોટ પામી તૈયાર થયેલો જ્વાળામુખી. નૈર્ઋત્ય મેક્સિકોના ઉરુઅપન (Uruapan) શહેર નજીક તે આવેલો છે. જ્વાળામુખીના પ્રસ્ફોટની ક્રિયાથી નાશ પામેલા પેરિક્યુટિન નામના ગામ પરથી તેને પ્રસ્તુત નામ અપાયેલું છે. 1943ના ફેબ્રુઆરીની 20મી તારીખે આ ગામના એક મકાઈના ખેતરની ફાટમાંથી આ જ્વાળામુખીનું પ્રસ્ફુટન શરૂ થયેલું અને શંકુ રચાતો ગયેલો. જ્વાળામુખીના વિસ્ફોટને કારણે હવામાં 6 કિમી. ઊંચાં ભસ્મસહિતનાં વાયુવાદળો પહોંચેલાં. માત્ર એક જ અઠવાડિયામાં આ શંકુની ઊંચાઈ 140 મીટરની થઈ ગઈ અને બે મહિનામાં તો તે આશરે 300 મીટરને પણ આંબી ગઈ.
તેમાંથી નીકળેલા લાવાના પથરાવાથી પેરિક્યુટિન અને સાન જુઆન પેરેન્ગરીક્યુટિરૂ ગામ નાશ પામ્યાં; એટલું જ નહિ, આજુબાજુનાં બીજાં સાત ગામડાંને પણ નુકસાન થયેલું. 1952માં તેની પ્રસ્ફુટનક્રિયા બંધ પડી ત્યાં સુધીમાં તો ત્યાંની ખેતીલાયક જમીન અને નજીકનાં જંગલો ખરાબાની ભૂમિમાં ફેરવાઈ ગયાં. આજે પેરિક્યુટિન તેના ભૂમિતળથી 410 મીટર અને સમુદ્રસપાટીથી 2,808 મીટરની ઊંચાઈ ધરાવે છે. તેમાંથી નીકળેલા લાવાએ આશરે 24 ચોકિમી. અને જ્વાળામુખી-ભસ્મ તેમજ રેતીએ 50 ચોકિમી. વિસ્તારને આવરી લીધેલો છે. દક્ષિણ મેક્સિકોના અન્ય જ્વાળામુખીઓની જેમ પેરિક્યુટિન ત્યાંની પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલી જ્વાળામુખી-ધરીનો એક ભાગ બની રહેલો છે.
ગિરીશભાઈ પંડ્યા