પેરાસેલ્સસ (. નવેમ્બર 1493, સ્વિટ્ઝર્લૅન્ડ; . 24 સપ્ટેમ્બર 1541, સાલ્ઝબર્ગ) : સ્વિસ કીમિયાગર (alchemist) તથા દાક્તર, ઔષધવિજ્ઞાનના સ્થાપક. પિતા ઝુરિક નજીક વૈદું કરતા, જેમણે વૈદક અંગેનું પ્રાથમિક જ્ઞાન આપેલું.

પેરાસેલ્સસ

સ્ટ્રાસબર્ગમાં સ્થાયી થયા તે અગાઉ ખૂબ મુસાફરી કરેલી. આ મુસાફરી દરમિયાન તેમણે કેટલીક વગદાર વ્યક્તિઓની સારવાર કરી, તેમને સાજા કરેલા. પરિણામે બેસલમાં તેઓ શહેરના વૈદ તરીકે નિમાયા. વ્યાખ્યાનો દ્વારા તથા પુસ્તકો લખીને તેમણે ભારપૂર્વક દર્શાવ્યું કે કીમિયાગીરી માત્ર હલકી ધાતુઓને સુવર્ણમાં ફેરવવા માટે જ વાપરવી જોઈએ નહિ; પરંતુ અસરકારક ઔષધો બનાવવા માટે પણ ઉપયોગમાં લેવી જોઈએ. તેમના વિચારો લોકો સ્વીકારતા, પરંતુ તેમની ભાષા કડવી અને સામેની વ્યક્તિ માટે અપમાનજનક રહેતી. એક કિસ્સામાં તેમની સામે કોર્ટ-કેસ થયેલો, જેમાં હારી જતાં તેમને બેસલ છોડવું પડેલું. તેઓ સાલ્ઝબર્ગમાં મૃત્યુ પામ્યા. કેટલીક વાર મદ્યપી અને બણગાંખોર (boastful) જણાતા અને રહસ્યવાદી પણ (mystic) હતા. તેમનો ફાળો કીમિયાગીરીને ઔષધશાસ્ત્ર તરફ વાળવામાં ખૂબ મહત્વનો લેખાય છે.

જ. પો. ત્રિવેદી

શિલીન નં. શુક્લ