પેરિક્લિસ (. ઈ. સ. પૂ. 490, ઍથેન્સ; . ઈ. સ. પૂ. 429, ઍથેન્સ) : ઍથેન્સનો પ્રતિભાશાળી રાજપુરુષ અને સર્વતોમુખી પ્રગતિનો સર્જક. તે ઉમરાવ કુટુંબમાં જન્મ્યો હતો. તેના પિતા ઝેનથિપ્પસ ઍથેન્સના સેનાપતિ અને રાજકીય નેતા હતા. તેની માતા લોકશાહીવાદી ક્લિસ્થેનિસની ભત્રીજી હતી. પેરિક્લિસ તત્વજ્ઞાન, તર્કશાસ્ત્ર અને સાહિત્યનો પ્રખર અભ્યાસી હતો. ડેમન અને ઍનૅક્સાગોરસનો તે શિષ્ય હતો. તે કલાકાર, છટાદાર વક્તા અને પ્રખર રાજનીતિજ્ઞ હતો. આશરે 30 વર્ષની વયે ઈ. સ. પૂ. 469માં તે ઍથેન્સના આર્કનપદે ચૂંટાયો અને લગભગ 30 વર્ષ સુધી તેણે સત્તા ભોગવી. આ દરમિયાન ઍથેન્સમાં તેણે વ્યાપક અસર પેદા કરે એવી તેજસ્વી સંસ્કૃતિનું નિર્માણ કર્યું. તેણે તેના સમયના કલા, સાહિત્ય, શિક્ષણક્ષેત્રના શ્રેષ્ઠ સંસ્કાર-સ્વામીઓને ઍથેન્સમાં નિમંત્રીને તેમની પ્રવૃત્તિઓ વિકસાવવા માટે સગવડ આપી હતી.

પેરિક્લિસ

તેણે ઍથેન્સના બધા નાગરિકોની બનેલી મહાસભા-એક્લેસિયાને મહત્વની ચર્ચા-વિચારણા તથા રાજનૈતિક નિર્ણય કરવાની સત્તા આપી. યુદ્ધ તથા સંધિ અંગે તેનો નિર્ણય આખરી ગણાતો. સામાન્ય નાગરિકોમાંથી પસંદ થયેલી જૂરીને તેણે ન્યાયવિષયક સત્તા સોંપી. આ જૂરી અસરકારક અદાલત તરીકે કામ કરતી. ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરીને તથા સામાન્ય નાગરિક જાહેર જીવનમાં બધો સમય આપી શકે તે માટે જાહેર હોદ્દા ધરાવનારને વેતન આપવાની પ્રથા તેણે દાખલ કરી.

પેરિક્લિસે ડેલિયન સંઘનો ખજાનો ડેલોસથી ઍથેન્સમાં આણ્યો. તેણે ડેલિયન સંઘનાં રાજ્યોને ખંડિયાં રાજ્યો બનાવીને તેનું ઍથેનિયન સામ્રાજ્યમાં રૂપાંતર કર્યું. તેણે ઍથેન્સની દરિયાઈ શક્તિ વિકસાવીને વેપારને ઉત્તેજન આપી ઍથેન્સની સમૃદ્ધિ વધારી.

તેણે તેમના ઇષ્ટદેવ ઝિયસની પ્રચંડ પ્રતિમા બનાવડાવી ઑલિમ્પિયામાં તેની પ્રતિષ્ઠા કરી. ઍથેનાની કાષ્ઠમૂર્તિને સુવર્ણ અને હાથીદાંતથી સુશોભિત કરવામાં આવી. તેના સમયમાં પાર્થેનોનનું આરસનું ભવ્ય મંદિર બાંધવામાં આવ્યું.

તે શક્તિશાળી યોદ્ધો અને આદર્શવાદી રાજપુરુષ હતો. તેના અમલ દરમિયાન ઍથેન્સ સમૃદ્ધિ, સંસ્કૃતિ અને લશ્કરી સામર્થ્યની દૃષ્ટિએ શિખર પર હતું.

શિવપ્રસાદ રાજગોર