પેરાસિટેમૉલ (એસિટિલઍમિનોફિનોલ) : દુખાવો અને તાવ ઘટાડતું ઔષધ. તે કોલસીડામર(coal-tar)જૂથના પીડાશામક (analgesic) ઔષધ તરીકે પણ ઓળખાય છે. તેનું શાસ્ત્રીય નામ એન-એસિટિલ-4-ઍમિનોફિનોલ છે. તેનો સૌપ્રથમ ઉપયોગ 1893માં ફોન મેરિંગે કર્યો હતો. તે અગાઉ વપરાતી એસિટાનિલિડ અને ફિનેસેટિન નામની દવાઓનું સક્રિય ચયાપચયી શેષદ્રવ્ય છે તેવું જાણમાં આવ્યા પછી 1949થી તે વ્યાપક વપરાશમાં છે.
રાસાયણિક સંરચના :
તેનું રાસાયણિક બંધારણ દર્શાવે છે કે તેમાંની ઍમિનોબેન્ઝિન સંરચના તેને તાવ ઉતારવાની ક્ષમતા આપે છે. તેમાં અન્ય રાસાયણિક મૂલાંકુરો (radicals) ઉમેરાવાથી ઍનિલીનની ઝેરી અસરો ઘટે છે, પણ તાવ ઉતારવાની ક્ષમતા યથાવત્ રહે છે. તેની દુખાવો ઘટાડવાની કે તાવ ઉતારવાની ક્ષમતા ઍસ્પિરિન જેટલી જ છે. તેની મુખ્ય મર્યાદા તે પીડાકારક સોજાથી થતા શોથ (inflammation) નામના વિકાર પર ખાસ કંઈ અસર ન હોવા અંગેની છે. તેનામાં પ્રતિશોથક્ષમતા (anti-inflammatory ability) કેમ નથી તે બરાબર સમજાયેલું નથી. સામાન્ય રીતે તેની કોઈ ખાસ ઝેરી કે આડઅસર નથી.
મોં વાટે લીધા પછી તે ઝડપથી લોહીમાં પ્રવેશે છે અને 30થી 60 મિનિટમાં તેનું લોહીમાંનું મહત્તમ સ્તર જોવા મળે છે. તેનો અર્ધક્રિયાકાળ (half life) 2 કલાક છે. તે શરીરનાં બધાં જ પ્રવાહીઓમાં લગભગ સમાન રૂપે પ્રસરે છે. 90 %થી 100 % દવા 24 કલાકમાં મૂત્રમાર્ગે બહાર નીકળી જાય છે. મૂત્રમાં બહાર નીકળે તે પહેલાં તેનો યકૃતમાં ચયાપચય (metabolism) થાય છે, જેમાં તે ગ્લૂકુરોનિક ઍસિડ (60 %), સલ્ફ્યૂરિક ઍસિડ (35 %) અને સિસ્ટિન (3 %) સાથે સંયોજાય છે. અન્ય સંયોજનો પણ બને છે, જેમાં એન-એસિટિલ-બેન્ઝો-ક્વિનોનિમિન મુખ્ય છે. ભારે માત્રામાં લેવાય કે યકૃતનો કોઈ રોગ હોય તો તે વધુ પ્રમાણમાં શરીરમાં એકઠું થાય છે. આ સંયોજન યકૃતમાંના ગ્લૂટાથિયૉનને વાપરી કાઢે છે અને તેથી યકૃતમાં સલ્ફિડ્રિલ જૂથનું પ્રોટીન વધુ બને છે અને અંતે યકૃતનો કોષનાશ (necrosis) થાય છે.
સારવારલક્ષી માત્રામાં જો આ ઔષધ વપરાય તો સામાન્ય રીતે કોઈ તકલીફ થતી નથી. ક્યારેક ઍલર્જીજન્ય શીળસ કે અન્ય સ્ફોટ (rash) થાય છે. ભાગ્યે જ કોઈક કિસ્સામાં લોહીના કોષોની સંખ્યા ઘટી હોય એવું નોંધાયું છે. પેરાસીટામૉલની ઝેરી અસરો તેની માત્રામાં થતા વધારાને સમાંતર હોય છે. તેની મુખ્ય ઝેરી અસર મૃત્યુ નિપજાવે એવો યકૃતીય કોષનાશ છે. ક્યારેક મૂત્રલ નલિકાકીય કોષનાશ (renal tubular necrosis) અને લોહીમાં ગ્લુકોઝ ઘટી જવાથી થતી ગાઢ બેભાનાવસ્થા પણ જોવામાં આવે છે. પેરાસિટેમૉલથી મેટ્હીમોગ્લોબિન બનતું નથી. જો એકસામટું 10થી 15 ગ્રામ પેરાસિટેમૉલ લેવાય તો યકૃતીય વિષાક્તતા (hepato-toxicity) થાય છે અને 20થી 25 ગ્રામની માત્રાએ સામાન્ય રીતે મૃત્યુ નીપજે છે. યકૃતીય ઝેરી અસર થાય ત્યારે ઊબકા, ઊલટી, અરુચિ અને પેટમાં દુખાવો થાય છે. તે 24 કલાકથી માંડીને 7 દિવસ સુધી રહે છે. 2થી 4 દિવસમાં યકૃતનું કાર્ય ઘટે છે અને ટ્રાન્સ-એમાઇનેઝ નામના ઉત્સેચકોનું પ્રમાણ વધે છે. ઝેરી અસરના શમન માટે રાહતદાયી સારવાર ઉપરાંત એન-એસિટિલ સિસ્ટિન નામના વિશિષ્ટ અને અસરકારક પ્રતિવિષદ્રવ્ય(antidote)નો ઉપયોગ કરાય છે. જઠરશોધન(gastric lavage)માં સક્રિયકૃત કોલસો વપરાતો નથી, કેમ કે તે પ્રતિવિષનું અધિશોષણ (adsorption) કરે છે. પેરાસિટેમૉલ ગોળીઓ તથા સ્નાયુમાં આપી શકાય તેવાં ઇન્જેક્શન રૂપે મળે છે અને તેની માત્રાને 4થી 6 કલાકે ફરીથી આપવી પડે છે. જ્યાં ઍસ્પિરિન ન આપી શકાય એમ હોય ત્યાં, તાવ અને દુખાવો ઘટાડવા માટે તેનો ઉપયોગ થાય છે. દુખાવો ઘટાડવાની તેની ક્ષમતા વધારવા માટે ઘણી વખત સાથે કોડીન પણ અપાય છે.
શિલીન નં. શુક્લ
સંજીવ આનંદ