પેથિડીન (મેપેરિડીન) : અફીણજૂથનું નશાકારક પીડાશામક (narcotic analgesic) ઔષધ. તે શાસ્ત્રીય રીતે એક ફિનાઇલ પિપરિડીન જૂથનું સંયોજન છે. તેની રાસાયણિક સંરચના નીચે મુજબ છે :
તે કેન્દ્રીય ચેતાતંત્રના પ્રકારના અફીણાભ-સ્વીકારકો સાથે જોડાય છે અને તે કેન્દ્રીય ચેતાતંત્ર તથા આંતરડામાંની ચેતાતંત્રીય પેશીઓ પર અસર કરે છે. કેન્દ્રીય ચેતાતંત્ર પરની તેની અસર મૉર્ફીન જેવી છે. તે મુખ્યત્વે પીડાશમન (analgesia) કરે છે. મોં વાટે આપ્યા પછી તે 15 મિનિટમાં તેની અસર દેખાડે છે અને 2 કલાકમાં અધિકતમ સ્તરે પહોંચે છે. ચામડી નીચે કે સ્નાયુમાં ઇન્જેક્શન આપવાથી દુખાવો 10 મિનિટમાં શમવા માંડે છે. પીડાશમનની ક્ષમતા 1 કલાક સુધી વધતી રહે છે અને તે 3થી 5 કલાક સુધી રહે છે. સામાન્ય રીતે તે મૉર્ફીન કરતાં વધુ પ્રમાણમાં ઘેન, સ્વર્ગસુખાભાસ (euphoria) અને શ્વસનનું અવદાબન (respiratory depression) કરે છે. મોં કરતાં ઇન્જેક્શન દ્વારા તે લગભગ બમણું અસરકારક રહે છે. કેટલાક દર્દીઓને દુ:ખાભાસ (dysphoria) પણ થાય છે. પેથિડીનની અન્ય અસરોમાં કીકીનું સંકોચાવું, ઊબકા કે ઊલટીની સંવેદના થવી, ધ્રુજારી આવવી, સ્નાયુતંતુપુંજ(fasciculli)માં સંકોચનો થવાં કે આંચકી આવી જવી વગેરેનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ચેતાતંત્રની ઉશ્કેરાટભરી આડઅસરોનું કારણ તેનો ચયાપચયી શેષ – નૉરમેપેરિડીન – છે. તેની હૃદય પરની અસર મૉર્ફીન અને અન્ય અફીણજૂથનાં દ્રવ્યો જેવી છે. તેના સ્નાયુમાંના ઇન્જેક્શનથી હૃદયના ધબકારનો દર વધતો નથી; પરંતુ નસ વાટે અપાતા ઇન્જેક્શનથી તે ઘણો વધી જાય છે. પેથિડીન દ્વારા થતા શ્વસનક્રિયાના અવદાબનને કારણે શરીરમાં અંગારવાયુનો ભરાવો થાય છે, જે મગજની આસપાસના મેરુ-મસ્તિષ્કી પ્રવાહી(cerebrospinal fluid, CSF)નું દબાણ વધારી દે છે. અરૈખિક સ્નાયુઓનું સંકોચન કરાવતી અસર અફીણજૂથનાં બીજાં ઔષધો જેવી છે, પરંતુ પ્રમાણમાં ઘણી ઓછી હોય છે, તેથી તે કબજિયાત કરતી નથી. પિત્તમાર્ગમાં મૉર્ફીન જેટલું દબાણ વધારે છે તેના કરતાં ઘણો ઓછો વધારો જોવા મળે છે. જોકે તે કોડીન કરતાં વધુ પ્રમાણમાં પિત્તમાર્ગનું દબાણ વધારે છે. જ્યારે તેનો ઔષધ તરીકે ઉપયોગ કરાય ત્યારે તે જઠરના ખાલી થવાના દરને ઘટાડીને અન્ય ઔષધોના અવશોષણને ઘટાડે છે. સગર્ભ-ગર્ભાશયનાં સંકોચનોને તે વધારે છે, પરંતુ તે પ્રસવ સમયે ખાસ વિશિષ્ટ તકલીફો સર્જતું નથી.
પેથિડીનનું બધા જ માર્ગેથી સારું અવશોષણ થાય છે, પરંતુ સ્નાયુમાં ઇન્જેક્શનો પછીના અવશોષણમાં ઘણી અનિયમિતતા રહે છે. 45 મિનિટમાં લોહીમાં ઉચ્ચતમ સપાટી જોવા મળે છે, પરંતુ ઘણી વખતે તે 1થી 2 કલાકે પણ જોવા મળે છે. તેનો ચયાપચય યકૃતમાં થાય છે અને તેનો અર્ધક્રિયાકાળ (half-life) 3 કલાકનો હોય છે. યકૃત-તંતુકાઠિન્ય(liver cirrhosis)ના દર્દીમાં તે વધી જાય છે. પેથિડીન મોં વાટે લેવાની ગોળીઓ, મિષ્ટ પ્રવાહી (syrup) કે ઇન્જેક્શન માટેના દ્રાવણ રૂપે મળે છે. ચામડીની નીચે કે સ્નાયુમાં ઇન્જેક્શન આપવામાં આવે તો તે સ્થાનિક ચચરાટ (સંક્ષોભન) કરે છે અને તેથી વારંવાર ઇન્જેક્શનો આપવાથી ત્યાં તંતુતા (fibrosis) ઉદભવે છે.
પેથિડીનની મુખ્ય આડઅસરો મોર્ફીન જેવી જ છે, પરંતુ કબજિયાત અને પેશાબનો અટકાવ ભાગ્યે જ થાય છે. તેવું જ ઊબકા અને ઊલટીની બાબતમાં છે. કેટલીક અસરો માટે ઔષધસહ્યતાની સ્થિતિ સર્જાય છે. જેને કારણે તેની તે અસર ઉત્પન્ન કરવા લાંબા ગાળે માત્રા(dose)માં વધારો કરવો પડે છે. વધુ માત્રા કે વારંવાર અપાતાં ઇન્જેક્શનો પછી ધ્રુજારી, સ્નાયુતંતુઓના પુંજોમાં સંકોચનો (fasciculations) અથવા સ્નાયુફરકાટ (muscle twitchings), વિસ્ફારિત કનીનિકાઓ(કીકીનું પહોળું થવું), અતિસક્રિય પરાવર્તી ક્રિયાઓ (hyperactive reflexes) તથા ક્યારેક આંચકી (ખેંચ, convulsions) જોવા મળે છે. આ પ્રકારના સ્નાયુઓના અતિઉત્તેજનથી થતા વિકારો નૉરમેપેરિડીન નામના ચયાપચયી શેષદ્રવ્યને કારણે હોય છે. યકૃત કે મૂત્રપિંડના વિકારોમાં નૉરમેપેરિડીનનો શરીરમાં ભરાવો થાય છે અને તેથી આ પ્રકારની ઝેરી અસરો વધુ જોવા મળે છે. અફીણજૂથની દવાઓના પ્રતિવિષ (antidote) તરીકે વપરાતાં રસાયણો તેની આંચકીકારી ઝેરી અસરોને અવરોધે છે, જ્યારે પેથિડીનને એક્એમાઇન ઑક્સિ-ઉત્સેચક અવદાબક (monoamineoxidase inhibitor) ઔષધો સાથે વાપરવામાં આવે ત્યારે કાં તો શ્વસનક્રિયાનું તીવ્ર અવદાબન થાય છે અથવા તો ઉત્તેજના (excitation), લવારી (delirium), અતિજ્વર (hyperpyrexia) તથા સંગ્રહણન (convulsions) થાય છે; જેમાં અનુક્રમે શ્વાસોચ્છવાસની ક્રિયા ઘટી જાય છે અથવા ચેતાતંત્ર ઉત્તેજિત થાય છે અને ક્રમશ: લવરી, તાવ ને આંચકી જોવા મળે છે. તેને આ બે પ્રકારની દવાઓ વચ્ચેની આંતરક્રિયા અથવા ઔષધીય આંતરક્રિયા (drug interaction) કહે છે. ત્રિચક્રી ખિન્નતારોધકો (tricyclic antidepressants) અને ક્લૉરપ્રોમેઝિન સાથેની તેની આંતરક્રિયાને કારણે શ્વસનક્રિયામાં અવદાબન થાય છે; પરંતુ તેવું ડાયાઝેપામ સાથે જોવા મળતું નથી. પ્રોમિથાઝિન કે ક્લૉરપ્રોમેઝિન સાથે પેથિડીન અપાય તો ઘેન વધે છે. પરંતુ ફીનોબાર્બિટોન કે ફેનિટોઇન સાથે આપવામાં આવે ત્યારે પેથિડીનની અસર ટૂંકી થાય છે, પરંતુ નૉરમેપેરિડીનનું ઉત્પાદન વધવાથી આડઅસરો વધે છે. પેથિડીન અને ઍમ્ફિટેમાઇન સાથે આપવામાં આવે તો પેથિડીનની પીડાશમનક્રિયા વધુ અસરકારક બને છે. લાંબા સમયના ઉપયોગ પછી પેથિડીનની અસર ઘટે છે (ઔષધ-સહ્યતા) અને જો તેને એકદમ આપવાનું બંધ કરાય તો ટૂંકા ગાળા માટેની શારીરિક તકલીફો ઝડપથી ચાલુ થાય છે, જેને ઔષધવિયોગિતાનાં લક્ષણો (withdrawal symptoms) કહે છે.
પેથિડીનનો મુખ્ય ઉપયોગ પીડાશમન છે. તેથી જ્યાં જ્યાં પીડાશમન માટે મૉર્ફીન વપરાય છે ત્યાં તે વાપરી શકાય છે. પરંતુ તેનો ક્રિયાકાળ ઓછો હોવાથી કૅન્સરના દુખાવાની સારવારમાં તે ઓછી ઉપયોગી રહે છે. મોં વાટે આપવાથી તે ઓછી કબજિયાત કરે છે માટે મોં વાટે મૉર્ફીન કરતાં પેથિડીન વધુ ઉપયોગી બની શકે. તેની ઝેરી અસરોને ઘટાડવા માટે નેલૉક્સોન નામનું પ્રતિવિષ ઉપયોગી છે. ખાસ કરીને પ્રસૂતિ વખતે જો પેથિડીન વપરાયું હોય તો માતા અને બાળકની શ્વસનક્રિયાનું અવદાબન થાય છે, જે નેલૉક્સોન વડે કાબૂમાં આવે છે.
શિલીન નં. શુક્લ
સંજીવ આનંદ