પ્રિયપ્રવાસ (1914) : કવિશ્રી અયોધ્યાસિંહ ઉપાધ્યાય ‘હરિઔધ’નું ખડી બોલી હિંદીનું સર્વપ્રથમ પ્રબંધકાવ્ય. ‘પ્રિયપ્રવાસ’નું કથાનક ‘શ્રીમદ્ ભાગવત’માંથી લેવામાં આવ્યું છે. કુલ 17 સર્ગોમાં વિભાજિત વિરહકાવ્યનો મુખ્ય પ્રસંગ છે કૃષ્ણનું મથુરાગમન. કથાનકના સૂક્ષ્મ સૂત્રને કારણે કેટલાક વિદ્વાનો ‘પ્રિયપ્રવાસ’ને મહાકાવ્ય માનતા નથી. અહીં વિરહની વિવિધ ભાવદશાઓનું મુખ્યત્વે ચિત્રણ થયું છે.

કાવ્યના આરંભે કૃષ્ણને કંસ દ્વારા ધનુર્યજ્ઞમાં સામેલ થવાનું આમંત્રણ મળ્યું છે. આરંભના 7 સર્ગ સુધી કવિ કૃષ્ણના ભાવિ વિરહના વિચારમાત્રથી વ્યથિત નંદ-યશોદા, રાધા, વ્રજનાં ગોપ-ગોપિકાઓ અને વ્રજની પ્રકૃતિનું વર્ણન કરે છે. કૃષ્ણના ગયા પછી આઠમા સર્ગમાં સ્મૃતિઓ દ્વારા કૃષ્ણ-જન્મની ઘટનાનું આલેખન થયું છે. નવમા સર્ગમાં કૃષ્ણ, જ્ઞાન અને યોગ-માર્ગના ઉપાસક ઉદ્ધવને વ્રજવાસીઓને સાંત્વન આપવા મોકલે છે. દસમા સર્ગમાં યશોદાનું કરુણ કલ્પાંત અત્યંત મર્મસ્પર્શી છે. અગિયાર, બાર અને તેરમા સર્ગમાં કવિએ સ્મૃતિઓ દ્વારા કૃષ્ણનું લોકનાયકરૂપ ઉપસાવ્યું છે. ચૌદમા સર્ગમાં ઉદ્ધવ-ગોપી સંવાદનું વાક્ચાતુર્ય આકર્ષક છે. પંદરમા સર્ગમાં રાધાનું એક જુદું જ રૂપ જોવા મળે છે. રાધા કૃષ્ણની પત્ની છે અને એક સમાજસેવિકા પણ છે. એ પોતાની અંગત વ્યથાને હૃદયમાં ધરબીને મન, વચન અને કર્મથી સ્વજનોનાં દુ:ખ હળવાં કરવાનો પ્રયત્ન કરે છે. રાધાનું આ રૂપ તેના વ્યક્તિપ્રેમને વિશ્વપ્રેમની કક્ષાએ લઈ જાય છે.

‘પ્રિયપ્રવાસ’નાં રાધા-કૃષ્ણ આધુનિક યુગમાં નવજાગરણની ચેતનાના અગ્રદૂત થઈને અવતર્યાં છે. સઘન ભાવાભિવ્યંજના, યુગ-ચેતના, છંદોવૈવિધ્ય અને મૌલિક પાત્ર-પરિકલ્પનાની ર્દષ્ટિએ હરિઔધજીની આ રચના મહત્વપૂર્ણ છે.

બિંદુ ભટ્ટ