પ્રિયંવદા : ગુજરાતના સાક્ષર મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ નારીશિક્ષણના ઉદ્દેશથી ઈ. સ. 1885ના ઑગસ્ટથી શરૂ કરેલું માસિક. વાર્ષિક લવાજમ માત્ર એક રૂપિયો રાખીને શરૂ કરેલું ‘પ્રિયંવદા’ થોડા સમયમાં જ લોકપ્રિય બની ગયું. એના પ્રથમ અંકના પ્રથમ પાના પર માસિકનો ઉદ્દેશ સ્પષ્ટ રીતે સમજાવતાં લખ્યું છે, ‘‘ ‘પ્રિયંવદા’ પોતાની પ્રિય વદવાની રીતિથી સર્વને રંજન કરશે. પણ પોતાની સખીઓના તરફ તેની ર્દષ્ટિ વિશેષ રહેશે ખરી. તેમનાં કલ્યાણમાં, તેમનાં હૃદય સમજવામાં, તેમને સમજાવવામાં મુખ્ય પ્રયત્ન કરવો એ પોતાનો ધર્મ માનશે ખરી.’’

‘પ્રિયંવદા’માં સાહિત્ય, કેળવણી, આરોગ્ય, શરીરવિજ્ઞાન, સ્ત્રીઓના સાંસારિક પ્રશ્નો, સ્ત્રીઓની સામાજિક સ્થિતિ વગેરે વિશે લેખો આવતા. આમ તેમાં વિષયોનું વૈવિધ્ય જોવા મળતું. આ માસિકના પાંચમા અંકથી ‘ગ્રંથવિવેચન’ શરૂ થાય છે. સ્ત્રીને બાળઉછેર કરવાનો હોવાથી શરીરવિજ્ઞાનનું સામાન્ય જ્ઞાન હોવું જ જોઈએ એવા ઉદ્દેશથી તેના વિશેની લેખમાળા કોઈ ડૉક્ટરે અંગ્રેજી ઉપરથી લખેલી તે બે વર્ષ સુધી ‘પ્રિયંવદા’માં છપાઈ. આ સામયિક દ્વારા ‘ગુલાબસિંહ’ નવલકથા ગુજરાતને મળી.

‘પ્રિયંવદા’નો નફો આવે તે લોકહિતાર્થે વાપરવો તેવી પ્રતિજ્ઞા કરનાર મણિલાલ દ્વિવેદી દરેક નવા વર્ષના પ્રારંભે પત્રની નીતિ, લેખયોજના, સામયિકની વર્ષ દરમિયાની કામગીરીની સમીક્ષા વગેરે ‘વર્ષારંભે’ શીર્ષકથી તંત્રીનોંધમાં લખતા. આમાં વાચકોના પત્રોના જવાબ પણ આપતા. ‘પ્રિયંવદા’માં મોટાભાગે પોતે જ લખતા. લેખની નીચે લેખકનું નામ મૂકવાની પ્રણાલી જોવા મળતી નથી. પોતે ન લખ્યા હોય એવા લેખમાં ‘મળેલું’ એવો ઉલ્લેખ જોવા મળે છે.

આ સામયિકની ભાષા મણિલાલ દ્વિવેદીના સાહિત્યની ભાષાનું જ પ્રતિબિંબ ઝીલે છે. ‘પ્રિયંવદા’ની આવી સાક્ષરી ભાષા વિશે સ્ત્રી-વાચકો ફરિયાદ પણ કરતાં. આમ છતાં વાચકને સીધું ઉદબોધન કરવાની એમની શૈલીને લીધે તે લોકપ્રિય બન્યું. સામાન્ય રીતે મણિલાલ દ્વિવેદીની ભાષા તત્ત્વચર્ચા માટે પ્રયોજાતી હોવાથી પાંડિત્યસભર હોય છે. પરંતુ ‘પ્રિયંવદા’માં તેમણે નજર સમક્ષ સ્ત્રીવાચકો રાખેલાં હોવાથી ભાષાને સરળ અને સુગમ્ય બનાવવા ઉપરાંત વાચક સાથે સમરસ થઈ જાય તેવો ક્વચિત્ સ્ત્રૈણ લહેકો પણ ઉમેરાય છે અને સ્ત્રીવાચકોને  ઉદબોધન કરતા હોય તે રીતે લખે છે, ‘‘એક મારે નહિ લેવાદેવા રાજકાજની વાતો જોડે. પણ એની સંભાળ લેનારાં ક્યાં થોડાં છે ? એટલે મારે તે વાત લેવી સારી નહિ. ને બા, આપણું સ્ત્રીઓનું એ કામ પણ નહિ, આપણે તો આપણું ઘર એ આપણું રાજ્ય.’’

‘પ્રિયંવદા’ પ્રિય બોલતી, પણ તે સત્યના ભોગે નહિ. અપ્રિય કટુ બની રહે તો ભલે, પણ સત્ય વાત કહેતાં અચકાવું નહિ તે ‘પ્રિયંવદા’ની નીતિ હતી. કેવળ સ્ત્રીવર્ગને ઉદ્દેશીને આ સામયિક નહિ ચાલે તેની ખાતરી થતાં એમણે ઈ. સ. 1890માં ‘પ્રિયંવદા’ બંધ કર્યું અને તેનું ફલક વિસ્તારીને ‘સુદર્શન’ શરૂ કર્યું.

પ્રીતિ શાહ