પ્રિયદર્શિકા : સ્થાણ્વીશ્વર/કનોજના વિખ્યાત સમ્રાટ હર્ષવર્ધન વિક્રમાદિત્ય(રાજ્યકાળ : ઈ. સ. 606–648)ની રચેલી પ્રણયરંગી નાટિકા. તેમાં વત્સદેશના પ્રખ્યાત પ્રેમી રાજા ઉદયનની પ્રણયકથા છે. નાટકના આરંભે વિષ્કમ્ભકમાં અંગદેશના રાજા ર્દઢવર્માનો કંચુકી જણાવે છે કે રાજા ર્દઢવર્મા પોતાની પુત્રી પ્રિયદર્શિકા રાજા ઉદયનને વરાવવા ઇચ્છતા હતા, તેથી તેમણે કલિંગરાજનું માગું પાછું ઠેલ્યું. એટલે કલિંગરાજે આક્રમણ કરીને ર્દઢવર્માને કેદ કર્યો. કંચુકી પોતે રાજકુમારી પ્રિયદર્શિકાને ભગાડી ર્દઢવર્માના મિત્ર રાજા વિન્ધ્યકેતુના આશ્રયે લઈ ગયો, પણ ત્યાં કોઈક આક્રમણકારીઓ વિન્ધ્યકેતુનો વધ કરી રાજકુમારીને લઈ ગયા. નાટકના પહેલા અંકમાં રાજા ઉદયન સમક્ષ સેનાપતિ વિજયસેન વિન્ધ્યકેતુ પરના વિજયી આક્રમણનો હેવાલ આપી યુદ્ધના પુરસ્કાર રૂપે તેની પુત્રીને લઈ આવ્યા છે તેમ જણાવે છે. રાજા રાજકુમારીને યોગ્ય કલાશિક્ષણ આપીને તેની વય વિવાહલાયક થયે પોતાને સ્મરણ કરાવવું એમ કહી રાણી વાસવદત્તા પાસે મોકલી આપે છે. બીજા અંકમાં રાજા અને વિદૂષક ધારાગૃહોદ્યાનની શોભા માણી રહ્યા છે. ત્યાં રાણીની અગસ્ત્યપૂજા માટે દાસી ઇન્દીવરિકા અને આરણ્યકા (=અરણ્યમાંથી મળી તેથી, રાજકુમારી પ્રિયદર્શિકા) ફૂલ ચૂંટવા આવે છે. દાસી આઘે શેફાલિકાનાં ફૂલ ચૂંટે છે. આરણ્યકા કમળ ચૂંટવા તલાવડીમાં ઊતરે છે ત્યાં ભમરાઓના ત્રાસથી બચવા મોં ઢાંકીને સખીને બોલાવે છે, એટલામાં રાજા પહોંચી જઈ એને રક્ષે છે. બંને પરસ્પર પ્રથમ દર્શનથી આકર્ષાય છે, પછી સખી આવે તેટલામાં રાજા દૂર સરી જાય છે. ત્રીજા અંકમાં રાણી વાસવદત્તા અને ઉદયનની પ્રણયકથાની સાંકૃત્યાયનીએ લખેલી નાટ્યરચના ભજવવાની છે. ગર્ભનાટકમાં રાણીનું પાત્ર આરણ્યકા ભજવે છે, જ્યારે વિદૂષકની યુક્તિથી રાજાના પાત્રમાં મનોરમાને બદલે રાજા પોતે ગોઠવાઈ જાય છે. છેવટે ભાંડો ફૂટતાં ખિજાયેલી રાણી આરણ્યકા અને વિદૂષકને કેદમાં નાખે છે. ચોથા અંકમાં રાણીનો માસો ર્દઢવર્મા કેદમાં છે તેને ઉદયને છોડાવવો જોઈએ એવા માતાના પત્રથી વાસવદત્તા મૂંઝાય છે, ત્યાં રાજા પોતે તેની સહાયથી લશ્કર મોકલ્યું જ છે એમ જણાવે છે. તરત સેનાપતિ ર્દઢવર્માની કુશલમુક્તિના સમાચાર લાવે છે. કંચુકી, વિન્ધ્યકેતુ પાસેથી રાજકુમારી ખોવાઈ ગઈ માટે ક્ષમા યાચતો પ્રવેશે છે ત્યાં આરણ્યકાએ ઝેર પીધાના સમાચાર આવે છે. ઉદયન વિષવિદ્યા જાણે છે. તે આરણ્યકાનું ઝેર ઉતારે છે; કંચુકી એને રાજકુમારી તરીકે ઓળખી કાઢે છે. વાસવદત્તા મસિયાઈ બહેનનો હાથ રાજાના હાથમાં સોંપે છે. રૂપક તરીકે ‘પ્રિયદર્શિકા’ સાધારણ રચના છે, એની શબ્દયોજના તથા પ્રસંગઘટના ઉપર કાલિદાસના ‘માલવિકાગ્નિમિત્ર’નો ઘણો પ્રભાવ છે. સંવાદો અતિસંક્ષિપ્ત, સરળ, ઘણી વાર ભાસનાં કહેવાતાં નાટકોનું સ્મરણ કરાવનારા છે. પાત્રાલેખન પણ સીધું અને પરંપરાનુસારી છે; જોકે ગર્ભાંકની યોજના સરસ છે, નાટિકાનો કાર્યવેગ સરળ અને અસ્ખલિત છે, ગદ્યપદ્યમાં સમાસયુક્ત પ્રશિષ્ટ શૈલીનાં લક્ષણો પ્રકટ થાય છે. છંદોની હથોટી ઘણી સારી છે. વર્ણનોમાં કવિત્વપૂર્ણ થોડીક વિગતોનો સંયમ તથા લાઘવપૂર્વક વિનિયોગ કરવાની કળા દેખાય છે. એકંદરે નાટિકા વાંચવી ગમે તથા ભજવાય તો કુતૂહલ જાળવી રાખે તેવી છે. રાજવીઓની  પ્રણયલીલાને આલેખતાં રંગીન દરબારી નાટકોનું પરંપરાગત સ્વરૂપ ઘડવામાં હર્ષની નાટિકાઓ ‘પ્રિયદર્શિકા’ તથા ‘રત્નાવલી’ – ના પ્રભાવનો ફાળો ઘણો મોટો છે.

રાજેન્દ્ર નાણાવટી