પ્રિન્સિપિયા મૅથેમૅટિકા

પ્રિન્સિપિયા મૅથેમૅટિકા : સર આઇઝેક ન્યૂટનનો વિખ્યાત ગ્રંથ. આ ગ્રંથ 1687માં પ્રથમ પ્રકાશિત થયો. 1709માં રોજ કૉટ્સના સહકારથી તૈયાર કરેલી બીજી આવૃત્તિ 1713માં પ્રસિદ્ધ થઈ. હેન્રી પેમ્બર્ટનના સહયોગથી ત્રીજી આવૃત્તિ 1726માં પ્રકાશિત થઈ. આ પછી આ ગ્રંથની અનેક આવૃત્તિઓ અને તે પરના અનેક વિવેચનગ્રંથો પ્રસિદ્ધ થયેલા છે. આ ગ્રંથ ‘મૅથેમૅટિકલ પ્રિન્સિપલ્સ ઑવ્ નૅચરલ ફિલૉસૉફી’ નામે ઓળખાય છે.

આ ગ્રંથમાં ન્યૂટનના ગતિના નિયમો તરીકે ખ્યાતિ પામેલા નિયમો, ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમો, પાર્થિવ અને અવકાશી પદાર્થોની ગતિનું યથોચિત અને ચોક્કસ રીતે વર્ણન યંત્રશાસ્ત્રના આધારે કરવામાં આવેલું છે.

આ ગ્રંથના પ્રથમ ભાગમાં ગણિતીય ર્દષ્ટિકોણથી ગતિશાસ્ત્રનો વિકાસ રજૂ કરેલો છે. ત્રીજા ભાગમાં ગતિશાસ્ત્રના ગણિતીય સિદ્ધાંતોનો ઉપયોગ જ્યોતિષશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રની સમસ્યાઓ ઉકેલવા માટે કરેલો છે. બીજા ભાગમાં અવરોધક માધ્યમોમાં પદાર્થોની ગતિ અંગેનું વિવરણ કરેલું છે. બીજા ભાગનો પ્રિન્સિપિયા મૅથેમૅટિકા ગ્રંથમાં સમાવેશ કરવાનો વિચાર ન્યૂટનને પાછળથી આવેલો એમ માનવામાં આવે છે. આ ગ્રંથને કારણે ન્યૂટનની કીર્તિ સર્વત્ર પ્રસરી. ત્યારબાદ લગભગ બસો વર્ષ સુધી વિજ્ઞાન-જગતમાં આ ગ્રંથે અબાધિત રીતે શ્રેષ્ઠત્વ ભોગવ્યું. આધુનિક વિજ્ઞાનના વિકાસની આ ગ્રંથથી જ શરૂઆત થઈ ગણાય છે.

શિવપ્રસાદ મ. જાની