પ્રાણીપૂજા : માનવ-સંસ્કૃતિના વિકાસમાં અગ્નિ, ખેતી, ચક્ર અને શઢવાળી નાવ – એ ચાર મહત્વની શોધ ગણાય છે. આ ચાર શોધોને કારણે માનવજીવનમાં ક્રાંતિકારી આર્થિક પરિવર્તન આવ્યું. ખેતીની શોધના કારણે ખોરાકની શોધમાં આદિ માનવ જે ભટકતું જીવન ગુજારતો હતો તે સ્થાયી જીવન ગુજારવા લાગ્યો. ખેતીને કારણે તે પશુઓને પાળવા લાગ્યો. ખોરાક માટે જે પશુઓનો તે શિકાર કરતો હતો તે પશુઓ ખેતીને કારણે તેનાં મિત્રો બની ગયાં. સમાજશાસ્ત્રીઓ કહે છે કે ખેતી સંસ્કૃતિનું પ્રથમ સ્વરૂપ હતું. આદિ માનવને સમજાઈ ગયું હતું કે પશુની મદદ વિના ખેતી થઈ શકવાની નથી, તેથી તે પશુઓને પાળવા લાગ્યો. સમય જતાં પશુઓનું મહત્વ તેને એટલું બધું અગત્યનું લાગ્યું કે તે તેમને દેવ માનીને તેમની પૂજા કરવા લાગ્યો. જગતની બધી સંસ્કૃતિઓમાં તેની પ્રાથમિક કક્ષાએ પશુપૂજાનો સ્વીકાર થયેલો જોવા મળે છે. ભારતમાં ગાય, વૃષભ(બળદ), સિંહ, વાઘ, ઊંટ, કાચબો, ગરુડ, મોર, ઉંદર, નાગ ઇત્યાદિ પ્રાણીઓની પૂજા કરવામાં આવે છે. વિદ્વાનોનો એક મત એવો છે કે આ પ્રાણીઓ અનાર્યોના દેવ હતા અને આર્યોએ તે સૌ પ્રાણીઓને પોતાના દેવનાં વાહન બનાવી દીધાં. ઉદાહરણ તરીકે શિવનો નંદી, વિષ્ણુનું ગરુડ, બ્રહ્માનો હંસ, કાર્તિકેયનો મોર, ગણેશનો મૂષક (ઉંદર), મહિષાસુરમર્દિની દેવીનો સિંહ, અંબાજીનો વાઘ, સરસ્વતીનો મોર ઇત્યાદિ. સમય જતાં દેવદેવીઓનાં આ વાહનોની પણ પૂજા થવા લાગી.
ઇજિપ્તની પ્રાચીન સંસ્કૃતિમાં પણ વૃષભ, ગાય, મગર, બાજ, હંસ, ઘેટું, બકરો, બિલાડી, કૂતરો, મરઘો, શિયાળ, સાપ વગેરેની પૂજા થતી હતી. એ પ્રમાણે જગતની બીજી સંસ્કૃતિઓમાં તેની પ્રાથમિક કક્ષાએ પશુપૂજા પ્રચારમાં હતી. આમ પશુપૂજા એ સંસ્કૃતિનું પ્રારંભિક મહત્વનું પાસું છે.
ચીનુભાઈ નાયક