પ્રાગ : મધ્ય યુરોપના ચેક પ્રજાસત્તાક રાજ્યનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌ. સ્થાન : 50° 05´ ઉ. અ. અને 14° 25´ પૂ. રે. આ શહેર એલ્બે (હવે લેબે) નદીની ઉપનદી વલટાવા(vltava)ના બંને કાંઠા પર 290.7 ચોકિમી. વિસ્તારમાં પથરાયેલું છે. પ્રાગ યુરોપની પ્રાચીન અને મધ્યકાલીન સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર અને વિદ્યાધામ ગણાતું આવ્યું છે. મધ્ય યુરોપનાં જૂનામાં જૂનાં રમણીય શહેરો પૈકીના એક તરીકે તેની ગણના થાય છે. જર્મન ભાષામાં તેને ‘પ્રાહ’ કહે છે. અહીં ઘણાં દેવળો આવેલાં હોવાથી તે ‘સો ઘૂમટવાળા શહેર’ તરીકે પણ ઓળખાય છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મોટા પાયા પરના નુકસાનમાંથી બચી જનારાં ગણ્યાંગાંઠ્યાં મધ્ય યુરોપીય શહેરોમાં તેનો પણ સમાવેશ થાય છે. પ્રાગ જેનું પાટનગર છે તે ચેક રાજ્ય મૂળ ચેકોસ્લોવાકિયાનો એક ભાગ હતું. ચેકોસ્લોવાકિયાનું રાજ્ય બે પ્રજાસમૂહો – ચેક (64%) પ્રજા અને સ્લોવાક (31%) પ્રજાથી બનેલું હતું. 1993થી તે બે અલગ સ્વતંત્ર રાજ્યો-ચેક અને સ્લોવાક-માં વિભક્ત થયેલું છે.
યુરોપની પ્રાચીન અને મધ્યકાલીન સંસ્કૃતિ તેમજ ઇતિહાસનું સ્મરણ કરાવતાં અનેક સ્થાપત્યો તથા ઇમારતો આ શહેરમાં જોવા મળે છે. વલટાવા નદીના બંને કાંઠાની આજુબાજુ વસેલા આ શહેરના બે વિભાગો ઘણા પુલોથી જોડાયેલા છે. આ પુલો પૈકીનો ઘણો જાણીતો બનેલો ચાર્લ્સ પુલ પથ્થરથી બાંધેલો છે. તેના પર નામી સંતોનાં બાવલાં શ્રેણીબદ્ધ રીતે ગોઠવાયેલાં નજરે પડે છે. અગાઉનું 180 ચોકિમી. વિસ્તાર ધરાવતું નદી અને ટેકરીઓથી છવાયેલું આ રમણીય નગર આજે તો વધુ વિસ્તરી ચૂક્યું છે. વલટાવા નદીના ડાબા કાંઠા પર આવેલી હ્રાડકેની નામે ઓળખાતી કૅસલ હિલ પર આવેલો પ્રાગનો કિલ્લો એક સમયે બોહીમિયન રાજવીઓનું નિવાસસ્થાન હતો. આ કિલ્લામાં કલાકારીગરીની અસંખ્ય ચીજવસ્તુઓનો ખજાનો રાખવામાં આવેલો છે. કિલ્લાનો એક ભાગ આજે ચેક ગણરાજ્યના પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન તરીકે ઉપયોગમાં લેવાય છે. આ ટેકરી પર સેન્ટ વાઇટસનું દેવળ પણ છે. ટેકરીના તળેટીભાગમાં જૂના વખતનાં ઘણાં સુંદર મહાલયો તેમજ અન્ય ઇમારતો હારબંધ ગોઠવાયેલાં છે. અહીંના એક ભાગમાં ‘માલા સ્ટ્રેના’ શેરી આવેલી છે. વલટાવા નદીના જમણા કાંઠા પર ટેકરીની આસપાસ પ્રાગનું ઐતિહાસિક દૃષ્ટિએ પુરાણું ગણાતું નગર વસેલું; આ પુરાણા નગરના ચોકમાં 1300–1400ના ગાળામાં બંધાયેલું નગરગૃહ તેમજ ટાઇનનું દેવળ પણ છે. આ નગરગૃહ સૈકાઓ સુધી સરકારી સ્થળ તરીકે ઉપયોગમાં લેવાતું રહેલું. દુનિયાભરનું મોટામાં મોટું ગણાતું રમતગમતનું મેદાન પ્રાગમાં આવેલું છે. અહીં એક પ્રખ્યાત ઘડિયાળ પણ છે, જેમાં 12 ધર્મગુરુઓનાં પૂતળાં ગોઠવેલાં છે, જે દર કલાકે ફરતાં રહે છે. ચોકની મધ્યમાં 15મી સદીની શરૂઆતના અરસામાં થઈ ગયેલા ધર્મસુધારક જૉન હસ(John Hus)નું સ્મારક આવેલું છે. ટાઇનનું દેવળ હસાઇટ સુધારકો તરીકે ઓળખાતા હસના અનુયાયીઓની પ્રવૃત્તિઓના કેન્દ્ર તરીકે ઉપયોગમાં લેવાતું રહેલું. અહીં ચાર્લ્સ ચોથાએ 1348માં યુનિવર્સિટીની સ્થાપના કરેલી. આજે તે યુરોપની જાણીતી અન્ય યુનિવર્સિટીઓની હરોળમાં મુકાય એવી બની રહી છે. આ યુનિવર્સિટીની ઘણી ઇમારતો આ જૂના નગરભાગમાં જ આવેલી છે. આ ઉપરાંત આ શહેર નૃત્ય, ચિત્રકામ, સંગીત જેવી કલાસંસ્થાઓનું પણ કેન્દ્ર ગણાય છે.
આજે પ્રાગનો મોટાભાગનો વ્યાવસાયિક વિસ્તાર નવા વિકસેલા શહેરવિભાગમાં કેન્દ્રિત થયેલો છે. શહેરનો નવો વિકસેલો ભાગ 19મી સદી દરમિયાન બંધાયેલો છે. તેનો વેનસેસલાસ ચોક (Wenceslas Square) ઘણો વિશાળ છે. તે હોટેલો, રેસ્ટોરાં અને દુકાનોથી ભરચક બની રહ્યો છે, ધંધાકીય રીતે તે ખૂબ જ વ્યસ્ત રહે છે. આ ચોકને એક છેડે રાષ્ટ્રીય સંગ્રહાલય આવેલું છે. તેની સામે સેન્ટ વેનસેસલાસનું બાવલું છે. પ્રાગમાં બીજાં ઘણાં સંગ્રહાલયો, પુસ્તકાલયો, થિયેટરો, ઑપેરાગૃહો અને સંસ્કારકેન્દ્રો પણ આવેલાં છે. શહેરના ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ ભાગમાં લોકોનાં નિવાસસ્થાનો, જ્યારે શહેરના પૂર્વ અને દક્ષિણ ભાગમાં કારખાનાં આવેલાં છે. આ શહેરમાં ચેક પ્રજાસત્તાક રાજ્યની અનેક કચેરીઓ, પરદેશ સાથેનાં સંકલિત વેપાર નિગમો, મંડળો, ધર્માચાર્યોનાં મધ્યસ્થ મથકો વગેરે આવેલાં છે.
ઉદ્યોગો : પ્રાગ ચેક રાજ્યનાં મહત્વનાં ગણાતાં ઔદ્યોગિક કેન્દ્રો પૈકીનું એક ગણાય છે. અહીં હવાઈ એંજિનો, મોટરો, મોટરસાઇકલો, બૉઇલર, ફાઉન્ડ્રી, ઔદ્યોગિક સાધનો, વૈજ્ઞાનિક પ્રયોગશાળાઓમાં ઉપયોગમાં લેવાતાં પ્રકાશીય (optical) સાધનો, યાંત્રિક ઓજારો, ઊંટડા, રાચરચીલું, ચામડાં, ડેરીની પેદાશો, ખાદ્યપ્રક્રમણ, મુદ્રણ, ફિલ્મ-ઉદ્યોગ વગેરેનો વિકાસ થયો છે.
લોકો : પ્રાગની વસ્તી 12,75,406 (2022) જેટલી છે. જ્યારે મેટ્રો શહેરની વસ્તી 27,09,418 (2022) છે. મોટાભાગની વસ્તી ચેક પ્રજાની છે. 1939–45ના બીજા વિશ્વયુદ્ધ પહેલાં શહેરની મોટાભાગની વસ્તી જર્મનોની હતી; વિશ્વયુદ્ધ બાદ તેમને પ્રાગમાંથી વિદાય કરી દેવાયા છે. આ શહેરમાં બહારના દેશમાંથી સ્થળાંતર કરીને આવતા લોકોને વસવા દેવા માટે અંકુશ મૂકવામાં આવેલો હોવાથી અહીંની વસ્તીમાં વિશેષ વૃદ્ધિ થઈ શકી નથી.
આ શહેરનાં ઘણાં નિવાસસ્થાનો ઓગણીસમી અને વીસમી સદી દરમિયાન બાંધવામાં આવેલાં છે. વીસમી સદીના મધ્યકાળ પછી સરકાર તરફથી પરાવિસ્તારોમાં ઘણી ઇમારતોનું બાંધકામ કરવામાં આવેલું છે; તેમ છતાં ઘણા લોકો શહેરના ગીચ વિસ્તારમાં રહેવાનું પસંદ કરે છે, તેથી શહેરમાં રહેઠાણના આવાસોની તંગી વરતાય છે.
ઇતિહાસ : ઉપલબ્ધ માહિતી અનુસાર પ્રાગની સ્થાપના 800–900ના અરસામાં થયેલી હોવાનું જણાય છે. ત્યારપછીથી તે મધ્ય યુરોપમાં મહત્ત્વના વેપારી મથક તરીકે વિકસતું ગયેલું છે અને પછીથી તે બોહીમિયન રાજવીઓનું સ્થાન બની રહેલું. તેમનો રાજ્યાભિષેક સેન્ટ વાઇટસના દેવળમાં થતો. મધ્યકાલીન ઇતિહાસમાં પવિત્ર ગણાતા રોમન સામ્રાજ્ય પર પણ જેની આણ વર્તાતી હતી તે ચાર્લ્સ ચોથાએ અહીં ઘણી ઐતિહાસિક ઇમારતો બંધાવેલી છે. 1348માં સ્થપાયેલી મધ્ય યુરોપની પ્રથમ યુનિવર્સિટી તેનું દૃષ્ટાંત છે. પંદરમી સદીના ગાળા દરમિયાન અહીં હસાઇટ ધાર્મિક સુધારણા શરૂ થયેલી, જેને પરિણામે થયેલાં ધર્મયુદ્ધોમાં પ્રાગને ઘણી તારાજી સહન કરવી પડેલ. પ્રૉટેસ્ટંટપંથી બોહીમિયનોએ રોમન કૅથલિક હબ્સબર્ગ (અથવા હપ્સબર્ગ) શહેનશાહની સામે બળવો કર્યો. તે પછીથી 1618માં ત્રીસવર્ષીય યુદ્ધ શરૂ થયું, પરંતુ આ બળવો નિષ્ફળ રહ્યો. હપ્સબર્ગે અને તે પછીના શહેનશાહોએ છેક 1918માં પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યાં સુધી અહીં રાજ્ય કર્યું. એ જ વર્ષે ચેકોસ્લોવાકિયાનું નવું રાષ્ટ્ર બન્યું અને તેના ઉદયની સાથે જ પ્રાગ તેનું પાટનગર બની રહ્યું.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન દળોએ પ્રાગનો કબજો મેળવ્યો. જર્મનોએ હજારો યહૂદીઓની તથા મોટાભાગના ચેક નાગરિકોની હત્યા કરી. બીજા વિશ્વયુદ્ધના અંત વખતે 1945માં પ્રાગમાં રશિયન લશ્કરે પ્રવેશ કર્યો. પ્રાગના સામ્યવાદી પક્ષે સોવિયેટ લશ્કરના સહકારથી 1948માં ચેકોસ્લોવાકિયાની સરકારનો કબજો લઈ લીધો.
1968માં ટૂંકા ગાળા માટે પ્રાગ ચેકોસ્લોવાકિયામાંના ઉદ્દામ મતવાદીઓની ચળવળના સુધારાનું કેન્દ્ર બની રહ્યું. સોવિયેટ નેતાઓથી તે સહન ન થતાં સોવિયેટ સંઘમાંથી તેમજ પૂર્વ યુરોપના સામ્યવાદી દેશોમાંથી આવેલા લશ્કરે પ્રાગમાં પ્રવેશી કબજો મેળવી લીધો. 1980–90ના દાયકામાં ચેકોસ્લોવાકિયા સામ્યવાદી અંકુશમાંથી મુક્ત બન્યું. 1993માં ચેકોસ્લોવાકિયા ચેક અને સ્લોવાકનાં બે અલગ અને સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થયું છે અને પ્રાગ ચેક રાજ્યનું પાટનગર રહ્યું છે.
ગિરીશ ભટ્ટ
ગિરીશભાઈ પંડ્યા