પ્રાગનો કિલ્લો : ચેક રાષ્ટ્રનાં ઐતિહાસિક સ્મૃતિચિહ્નો પૈકી મહત્વનો ગણાતો કિલ્લો. તે એની ભવ્યતા માટે પ્રસિદ્ધ છે; એટલું જ નહિ, તે રાષ્ટ્રની ઓળખનું પ્રતીક બની રહેલો છે. તે સમયભેદે દેશનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર, પ્રાગના ધર્મગુરુના મઠનું સ્થળ, રાજવીઓ તથા પ્રમુખોના કાર્યાલયનું સ્થળ છે. પ્રાગમાં આજ સુધીમાં અવારનવાર ઘટેલી મુખ્ય ઘટનાઓનો તે મૂક સાક્ષી બની રહેલો છે. આ કારણોએ દર વર્ષે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ તેની મુલાકાત લે છે અને તેનું વિશાળ પરિસર તથા તેના સ્થાપત્યની વૈવિધ્યભરી શૈલી જોઈને ચકિત થઈ જાય છે.

આજે ભવ્ય દેખાતો આ કિલ્લો નવમી સદીના મધ્યયુગી ઇતિહાસકાળ દરમિયાન એક નાનકડા કિલ્લા રૂપે બંધાયેલો, પરંતુ તે પછીના લાંબા ગાળા સુધી પૂરતાં નાણાંના અભાવે તેની જાળવણી માટે કોઈ પણ પ્રકારની મરામત થયેલી નહિ. છેક 1860ના દસકામાં ફ્રૅન્ઝ જૉસેફ પહેલાને તખ્તનશીન કરવા (તાજપોશી) માટે આ કિલ્લા પર પસંદગી ઊતરેલી, પરંતુ તાજપોશી થઈ શકી નહિ અને કિલ્લાની મરામત અને સજાવટનું કામ ખોરંભે પડી ગયેલું. ત્યારપછી 1918માં ચેક રાજ્ય અસ્તિત્વમાં આવ્યું; નવા પ્રજાસત્તાક ચેકના તત્કાલીન પ્રમુખ ટી. જી. મૅસારિકે આ કિલ્લાને પ્રમુખના નિવાસસ્થાન તેમજ રાષ્ટ્રની લોકશાહીનાં મૂલ્યોની જાળવણી માટેનું પ્રતીક બનાવવાની જાહેરાત કરી. આ લક્ષ્યને કેન્દ્રમાં રાખીને કિલ્લાના જીર્ણોદ્ધારની બાબતને અગ્રિમ મહત્વ આપવામાં આવ્યું. પ્રમુખ પોતે આ કાર્યના પ્રેરણાસ્રોત બની રહ્યા. તેમણે 1911થી પ્રાગ ખાતે સ્થપતિ તરીકે કામ કરતા સ્લોવેનિયાવાસી જોસિપ પ્લીનિક(Josip Pleenik)ને કિલ્લાના પુનર્નિર્માણનું કામ સોંપ્યું. 1920ના દાયકાની શરૂઆતમાં પ્લીનિકને સ્લોવેનિયાના પાટનગર લિયુબ્લિયાના(Ljubljana)માં પ્રાધ્યાપકની પદવી મળતાં જવું પડ્યું, તેથી તેના મદદનીશ અને વિદ્યાર્થી ઑટો  રૉથમેયરને કિલ્લાના પુનર્નિર્માણનું કામ ભળાવ્યું, પ્લીનિક પોતે પણ પ્રાગમાં કિલ્લાની દેખરેખ માટે અવારનવાર આવતો રહ્યો. પ્લીનિકે જીર્ણોદ્ધારના કામ પાછળ પંદર વર્ષ ગાળ્યાં. કિલ્લાને વ્યવસ્થિત આકાર અપાયો. પ્રમુખ મૅસારિકના નિવાસસ્થાન પૂરતા ભાગને માટે વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું અને તેને જરૂરી સગવડોથી સજ્જ કરવામાં આવ્યો.

પ્રાગનો કિલ્લો

1968માં અહીં રશિયાઈ આક્રમણ થયું અને કિલ્લાની ખાનાખરાબી શરૂ થઈ. અંદરની મૂલ્યવાન, સુંદર ચીજવસ્તુઓ તથા મોટાભાગનું રાચરચીલું ગાયબ થઈ ગયાં, પ્રમુખ મૅસારિકની પુત્રી એલિસનો સુંદર સજાવટવાળો ભાતીગળ બેઠકરૂમ શૌચાલયમાં ફેરવી દેવાયો. કિલ્લાના કેટલાક ભાગનું બાંધકામ અવ્યવસ્થિત કરી દેવાયું. રાજકીય ઊથલપાથલો દરમિયાન અજુગતા ફેરફારો થતા ગયા અને કિલ્લો સદીઓ જૂનો હોય એવો બની રહ્યો. ભોંયરાંની પરસાળોનાં પ્રવેશદ્વારો ચણી દેવાયાં. સ્થપતિ દ્વારા તૈયાર કરાયેલાં પક્ષીઓ માટેનાં વિશાળ પાંજરાં હઠાવી દેવાયાં. સેન્ટ વાઇટસ કેથીડ્રલ તેમજ અન્ય ઇમારતોની બારીઓને કાયમી બંધ કરી દેવાઈ. કિલ્લાના મિનારાઓ પરથી આખા પ્રાગ શહેરનું ર્દશ્ય જ્યાંથી દેખાતું હતું તે ભાગો દૂર કરી દેવાયા.

1989માં લોકશાહી માટેની ક્રાંતિ પછી નવા ચૂંટાયેલા પ્રમુખ વાત્સ્લાફ હાવેલના સત્તારૂઢ થયા બાદ આ કિલ્લાને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. તે સાથે સ્પૅનિશ હૉલ, રૉથમેયર હૉલ, રૂડૉલ્ફ ગૅલેરી જેવા વિભાગો પણ જાહેર જનતા માટે ખુલ્લા મુકાયા છે.

ગિરીશભાઈ પંડ્યા