પ્રાઉટનો સિદ્ધાંત : વિવિધ તત્વોના પરમાણુઓ સંઘનિત (condensed) બનેલા છે તેવી વિલિયમ પ્રાઉટ દ્વારા 1815માં રજૂ કરાયેલી પરિકલ્પના. તે મુજબ (1) બધાં તત્વોના સાપેક્ષ પરમાણુભાર હાઇડ્રોજનના પરમાણુભારના પૂર્ણાંક ગુણાંક (integral multiple) છે, અને (2) મૂળ-દ્રવ્ય(primary matter)માં હાઇડ્રોજન પ્રાથમિક પદાર્થ છે. આ અનુસાર તત્વોના પરમાણુભાર પૂર્ણાંક સંખ્યા ધરાવે છે. આ પરિકલ્પના રજૂ થવાથી તત્વોના ચોક્કસ પરમાણુભાર મેળવવા માટેની રીતો શોધાવાનો પ્રારંભ થયો. આના પરિણામસ્વરૂપે પાછળથી આ સિદ્ધાંત અમાન્ય ઠર્યો. આધુનિક ઇલેક્ટ્રૉન સિદ્ધાંત દ્વારા આ પરિકલ્પનાને આંશિક પુષ્ટિ મળે છે તેવું કેટલાક રસાયણવિદો માને છે.
જ. પો. ત્રિવેદી