પાંડે, કમલાકાન્ત (જ. 11 ડિસેમ્બર 1926, વારાણસી) : વિશ્વના ટોચના વનસ્પતિજનીનવિજ્ઞાની. તેઓ ભારતના એવા પ્રથમ કૃષિ-સ્નાતક હતા કે જેમણે લંડન એક્ઝિબિશન સ્કૉલરશિપ મેળવી હતી. વનસ્પતિજનીનવિજ્ઞાન ઉપર સંશોધનો કરવા તેમણે જૉન ઇનેસ ઇન્સ્ટિટ્યૂટ, લંડનમાં પ્રવેશ મેળવ્યો હતો અને 1954માં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી ન્યૂઝીલૅન્ડ ગયા હતા. 1966માં લિનિયન સોસાયટી ઑવ્ લંડનના ફેલો તરીકે તેમની પસંદગી થઈ. 1970માં લંડન વિશ્વવિદ્યાલયે તેમને ડી.એસસી.ની ઉપાધિ આપી બહુમાન કર્યું. તેમણે બહુમૂલ્ય સંશોધનો અને પ્રવિધિ દ્વારા પ્રાણીઓમાં પૃષ્ઠવંશી ઉદ્વિકાસનો સિદ્ધાંત રજૂ કર્યો. હાલમાં તેઓ ન્યૂઝીલૅન્ડમાં આવેલ જિનેટિક્સ યુનિટ, ડિપાર્ટમેન્ટ ઑવ્ સાયન્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ સાથે સંલગ્ન છે.
તેમણે વનસ્પતિ-સંવર્ધન (plant breeding) ક્ષેત્રે વનસ્પતિ-ઉછેર માટે ક્રાંતિકારી પ્રવિધિની શોધ કરી. આ પ્રવિધિ દ્વારા ઊછરેલા છોડના વરિત (selected) અને વિશિષ્ટ જનીનોનું અન્ય વનસ્પતિમાં આરોપણ કરી શકાય છે. તેમણે વનસ્પતિના જનીનસંકુલ(gene complex)ને તોડવા નાભિકીય વિકિરણોનો ઉપયોગ કરી ઇચ્છિત જનીનોનું અલગીકરણ કર્યું.
તેમણે સૌપ્રથમ વાર દર્શાવ્યું કે એસ-જનીન દ્વારા વનસ્પતિના સામર્થ્યનું નિયમન કરી અન્ય જાતિની વનસ્પતિ સાથે તેનું સંકરણ કરાવી શકાય છે. તેમણે આ એસ-જનીન ઉપર વિસ્તૃત અભ્યાસ કર્યો અને શોધી કાઢ્યું કે તે એક જનીન-સમૂહ છે. આ અધિ-જનીન (super gene) સપુષ્પ વનસ્પતિના ઉદ્વિકાસ માટે અત્યંત મહત્વનું છે અને વનસ્પતિની પ્રજનન-કાર્યશૈલીના સંબંધે તે વિશિષ્ટ રસાયણો ઉત્પન્ન કરી તેનું નિયમન કરે છે.
પાંડેએ એસ-જનીનની ક્રિયાવિધિ(mechanism)માં ફેરફાર લાવવા વિકિરણ-પ્રવિધિનો ઉપયોગ કર્યો અને વનસ્પતિની પ્રજનન-વર્તણૂકમાં ફેરફાર લાવી શકાયો.
જન્મે ભારતીય, છતાં ન્યૂઝીલૅન્ડના નાગરિક કમલાકાન્ત પાંડે જેવા વિશ્વપ્રસિદ્ધ વૈજ્ઞાનિક માટે ભારત ગૌરવ અવશ્ય લઈ શકે.
બળદેવભાઈ પટેલ