પાંડ્ય રાજ્ય : દક્ષિણ ભારતના પૂર્વ કાંઠા પરનું પ્રાચીન રાજ્ય. પાંડ્યોએ દક્ષિણ ભારતના પૂર્વ કાંઠા પર રાજ્ય કર્યું. પાંડ્ય દેશમાં મદુરા, રમ્નાદ, અને તિનેવેલી જિલ્લાનો સમાવેશ થતો હતો. એની રાજધાની મદુરા હતી, જે વેપારનું મથક હતું. તે પછી કાયલ નગર વેપારનું કેન્દ્ર બન્યું.

પાંડ્ય રાજ્ય પ્રાચીન હતું. કાત્યાયને (ઈ. સ. પૂ. ચોથી સદી) પાણિનિની અષ્ટાધ્યાયીની ટીકામાં તેનો ઉલ્લેખ કર્યો છે. વાલ્મીકિરામાયણમાં પણ પાંડ્ય રાજધાનીની સંપત્તિનું વર્ણન મળે છે. મહાવંશમાં સિંહલના રાજકુમાર વિજયે એક પાંડ્ય રાજકુમારી સાથે બુદ્ધના નિર્વાણ પછી વિવાહ કર્યાનો નિર્દેશ છે. એ ઉપરાંત કૌટિલ્યના ‘અર્થશાસ્ત્ર’માં પણ પાણ્ડ્યકાવટક નામના એક પ્રકારના મોતીનો ઉલ્લેખ મળે છે. મેગૅસ્થનીસ નોંધે છે કે : પાંડ્ય જાતિનું શાસન સ્ત્રીઓ કરતી હતી. અશોકના શિલાલેખ નં. 2 અને 13માં પાંડ્યોનો ઉલ્લેખ એના સામ્રાજ્યની દક્ષિણ સીમાની બહાર સ્વતંત્ર જાતિના રૂપમાં થયો છે. હાથીગુફાના અભિલેખ(પંક્તિ 13)માં કલિંગના ખારવેલે પાંડ્ય રાજાને જીતીને એની પાસેથી ઘોડા, હાથી, રત્ન અને અસંખ્ય મોતી લીધાંનો નિર્દેશ છે. સ્ટ્રેબોના વૃત્તાંતમાં એક પાંડ્ય રાજાએ રોમન સમ્રાટ ઑગસ્ટસ સીઝરની પાસે લગભગ ઈ. સ. પૂ. 20માં દૂત મોકલ્યાનું જણાવાયું છે. પેરિપ્લસ ઑવ્ ધ ઇરિથ્રિયન સી અને ટૉલેમીની ભૂગોળમાં એની રાજધાની મદુરા અને એનાં નગરો તથા વેપારનાં કેન્દ્રોનો ઉલ્લેખ છે.

ઈ. સ. પૂ. સાતમી સદી સુધી પાંડ્ય રાજ્ય સંબંધી ઐતિહાસિક સામગ્રી નહિવત્ મળે છે. શિલપ્પદિકારમ્ અને સંગમ સાહિત્ય(ઈ. સ. પહેલી સદી)માં કેટલાક રાજાઓનાં નામ મળે છે; પરંતુ વધુ વિગતો મળતી નથી. આ રાજાઓમાંથી નેડુનજેલિયને તલૈયાલંગાનમ્ (તાંજોર જિલ્લો) નામના સ્થળે શત્રુઓના શક્તિશાળી જૂથને હરાવી કુળની પ્રતિષ્ઠા વધારી હતી. સંગમ સમય પછીની ત્રણ-ચાર સદીઓ અંધકારમય છે. ઈ. સ.ની છઠ્ઠી સદીના અંત અથવા સાતમી સદીના આરંભમાં કંડુગ્ગોએ કડભ્રોને પોતાના દેશની બહાર કાઢી પાંડ્ય શક્તિને પુનર્જીવિત કરી. પરંતુ આ રાજાના વિષયમાં વિશેષ માહિતી મળતી નથી. તેનો કે તેના પુત્ર મારવર્મા અવનિશૂલામણિનો પલ્લવવંશના સિંહવિષ્ણુ સાથે સંઘર્ષ થયો હોવાનું જણાય છે.

બીજો પ્રબળ પાંડ્ય રાજા અરિકેસરી મારવર્મા (સાતમી સદીનો મધ્યભાગ) હતો, જે નેડુમરન્ મનાય છે. શરૂઆતમાં આ રાજા જૈન હતો; પરંતુ સંત તિરુજ્ઞાન સમ્બંદરના પ્રભાવથી પરમ શૈવ થઈ ગયો હતો. અરિકેસરી મારવર્મા અને એના ઉત્તરાધિકારીઓ – કોચ્ચડ્યન રણધીર (સાતમીથી આઠમી સદી), મારવર્મા રાજસિંહ પ્રથમ અને નેડુનજડયન વરગણ પ્રથમ(લગભગ ઈ. સ. 765થી 815)ના સમયમાં ચોળો, કેરળો, અન્ય પડોશી રાજ્યોની શક્તિ ઘટતાં પાંડ્ય રાજ્યનો ચારે દિશામાં વિસ્તાર થતો રહ્યો.

આ રાજાઓમાંથી નેડુનજિલિયનના પુત્ર અને ઉત્તરાધિકારી શ્રી-માર-શ્રી-વલ્લભે (ઈ. સ. 815થી 862) સિંહલના રાજાને હરાવી અને કુડમુકુ(કુમ્ભકોણમ્)માં પલ્લવો, ગંગો અને ચોળોના સંઘને તોડીને ખ્યાતિ પ્રાપ્ત કરી; પરંતુ પલ્લવો સાથેનો સંઘર્ષ અપરાજિતવર્માના સમય સુધી ચાલતો રહ્યો, જેણે ગંગરાજ પૃથ્વીપતિ પ્રથમ અને સંભવત: આદિત્ય પ્રથમ ચોળની સહાયથી ઈ. સ. 880માં કુંભકોણમની નજીક શ્રી-પુરમ્બીયમ્(તિરુપ્પુરમ્બિયમ્)ના યુદ્ધમાં પાંડ્ય નૃપતિ વરગુણવર્મા અથવા વરગુણ દ્વિતીય પર વિજય પ્રાપ્ત કર્યો. આ પરાજય ઉપરાંત પાંડ્યોને એક વધુ ફટકો એ પડ્યો કે મારવર્મા રાજસિંહ 2જાએ સિંહલના રાજાની સહાયથી ચોળોનું દમન કરવા માટે પરાંતક પ્રથમ (ઈ. સ. 907થી 1053) ઉપર આક્રમણ કર્યું; પરંતુ ત્યાં પરાજય પામ્યા ત્યારે વિજયી શત્રુએ પાંડ્યભૂમિ પર અધિકાર કરી લીધો. આમ પાંડ્યરાજ પોતાની સ્વતંત્રતા ખોઈ બેઠા અને તેમને ચોળ આધિપત્યમાં પ્રાય: ઈ. સ. 920થી તેરમી સદીના આરંભ સુધી રહેવું પડ્યું.

ઈ. સ. 1160માં જયવર્મા કુલશેખરના મદુરામાં રાજ્યારોહણ સાથે પાંડ્યોનું ભાગ્ય ફરી ચમક્યું. આ પછી એક સદી સુધી એમણે દક્ષિણ ભારતની રાજનીતિમાં પોતાનો પ્રભાવ કાયમ રાખ્યો. આ સમયને ‘દ્વિતીય પાંડ્ય સામ્રાજ્યનો યુગ’ કહે છે.

જયવર્મા કુલશેખરના ઉત્તરાધિકારી મારવર્મા સુંદર પાંડ્ય પ્રથમ (ઈ. સ. 1216થી 1238)ના શાસનકાળમાં ચોળોનાં રાજ્ય અને નગરોને લૂંટીને બાળવામાં આવ્યાં. મારવર્મા સુંદર પાંડ્ય બીજા (ઈ. સ. 1238થી 1251)ના સમયમાં ચોળ-પાંડ્ય-હોયસળ સંબંધ પૂર્વવત્ બની રહ્યા. બીજો નૃપતિ જયવર્મા સુંદર પાંડ્ય (ઈ. સ. 1251થી 1272) શક્તિમાન રાજા થયો. એણે પાંડ્યોની શક્તિને શિખર પર પહોંચાડી. એણે દક્ષિણમાં ચોળોની સત્તા નષ્ટ કરી; ઉપરાંત ચેરદેશ, કાંગુદેશ અને સિંહલને જીતી લીધા. એણે હોયસળ અને પલ્લવ-નરેશોને પણ હરાવ્યા. આમ આ વિજયોના ઉપલક્ષ્યમાં એણે ‘મહારાજાધિરાજ શ્રી પરમેશ્વર’નું બિરુદ ધારણ કર્યું. જયવર્મા સુંદર પાંડ્યના મૃત્યુ પછી ઈ. સ. 1271માં મારવર્મા કુલશેખરના હાથમાં સત્તા આવી. એણે ત્રાવણકોરદેશ (મલયનાડુ) અને સિંહલમાં વિજય મેળવ્યો. તેરમી સદીના અંતમાં વેનિસના યાત્રી માર્કો પોલોએ દક્ષિણની યાત્રા કરી અને પોતાના વૃત્તાંતમાં ત્યાંનાં રાજા, રાજસત્તા અને સાધારણ જનતાના જીવન પર સારો પ્રકાશ પાડ્યો છે. ત્યાંની સંપત્તિનું મોતી અને બહુમૂલ્ય રત્નોનું  તથા અન્ય વસ્તુઓના વ્યાપારનું પણ વર્ણન કર્યું છે. ઈ. સ. 640ના અરસામાં હ્યુ એન સંગ મલ-કૂટ(મલય)પ્રદેશની મુલાકાત લીધા બાદ લખે છે કે ‘સમુદ્રનાં મોતીઓનું મોટું મથક છે. તેના લોકો શ્યામ, કઠોર અને જુસ્સાદાર છે. તેઓ મિશ્ર ધર્મોના છે. સંસ્કૃતિ પ્રત્યે દુર્લક્ષ સેવે છે; પરંતુ વેપારમાં કુશળ છે. અહીંના ઘણા બૌદ્ધ વિહારો જીર્ણ અને ખંડેર હાલતમાં છે ને થોડા જ બૌદ્ધ સાધુઓ છે’.

મારવર્મા કુલશેખરના બંને પુત્રો વીરપાંડ્ય અને સુંદર વચ્ચે ગૃહક્લેશ થયો. કહેવાય છે કે મારવર્માને મારી નાખવામાં આવ્યો. સુંદરે અલાઉદ્દીન ખલજીની સહાય માંગી. સેનાપતિ મલિક કાફૂર માટે આ બંને ભાઈઓના ઝઘડા ફાયદાકારક નીવડ્યા. મલિક કાફૂરે ઈ. સ. 1310માં મદુરા પર આક્રમણ કર્યું, તેની બધી સંપત્તિ લૂંટી લીધી. થોડાં વર્ષો પછી ખુસરૂખાંના સેનાપતિપદે મોટી સેના મોકલી. બીજી તરફ ચેરરાજ રવિવર્મા તથા વારંગલના કાકતીયોએ પણ આ આક્રમણનો લાભ ઉઠાવ્યો. આ પ્રકારે ચારે બાજુથી ઘેરાયેલ દ્વિતીય પાંડ્ય સામ્રાજ્ય વિખેરાઈ ગયું.

રામજીભાઈ ઠા. સાવલિયા