પાસવાન, રામવિલાસ (જ. 5 જુલાઈ 1946, શાહરબાની, જિ. ખાગરિયા, બિહાર) : અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામત ફાળવવાની બાબતને વરેલા બોલકા દલિત નેતા અને સાંસદ. પિતા જામુન પાસવાન અને માતા રાજકુમારી પાસવાન. તેમણે ખાગરિયાની કોસી કૉલેજમાં અભ્યાસ કરી વિનયનની અનુસ્નાતક પદવી હાંસલ કરી તથા વિદ્યાર્થીકાળ દરમિયાન જ અગ્રણી વિદ્યાર્થી નેતા તરીકે ઊભરવા લાગ્યા. તેઓ બિહાર છાત્ર સંઘર્ષ સમિતિના સ્થાપક સભ્ય રહ્યા અને કાયદાના સ્નાતક બન્યા. પુત્ર રાજ્યની જાહેર સેવામાં જોડાય તેવી પિતાની ઇચ્છાને અવગણીને તેઓ રાજકારણમાં પ્રવેશ્યા. કર્પૂરી ઠાકુર જેવા નેતાને રાજકીય પિતા (godfather) બનાવ્યા તથા ત્રેવીસ વર્ષની નાની વયે 1969માં બિહાર વિધાનસભાના સભ્ય બન્યા.
1972માં કેંદ્રીય રાજકારણમાં તેમણે ઝુકાવ્યું અને સંયુક્ત સમાજવાદી પક્ષના મહામંત્રી બન્યા. 1974માં કેન્દ્રીય લોકદળમાં જોડાયા. 1972 અને ’73ની ચૂંટણીઓમાં પરાજિત થયા. 1975ના અરસામાં જયપ્રકાશ નારાયણે ‘સંપૂર્ણ ક્રાંતિ’ના અભિયાનની વાત કરી ત્યારે તેના સમર્થનમાં ઊભા રહ્યા, એ નિમિત્તે જેલયાત્રા કરી અને 1977ની સામાન્ય ચૂંટણીમાં બિહારના હાજીપુરા મતવિસ્તારની બેઠક પર જનતાપક્ષ તરફથી ઉમેદવારી કરી. આ ચૂંટણીમાં 4.24 લાખના વિક્રમસર્જક તફાવતથી તેમણે લોકસભાની બેઠક પર વિજય મેળવ્યો અને ચૂંટણીમાં અસાધારણ અગ્રિમતા (lead) મેળવવા બદલ ગિનિસ બુક ઑવ્ વર્લ્ડ રેકૉર્ડ્ઝમાં સ્થાન મેળવ્યું. 1979માં ચરણસિંઘના લોકદળમાં જોડાયા, અખિલ કેન્દ્રીય કિસાન સંમેલન ટ્રસ્ટના સભ્ય બન્યા. ચરણસિંઘ સરકાર તૂટ્યા બાદ લોકદળના સભ્ય તરીકે ચૂંટણી લડ્યા અને જીત્યા. આમ 1980, ’89, ’91, ’96 અને ’98માં વિવિધ પક્ષો હેઠળ ચૂંટણી જીત્યા અને કુલ છ વખત સાંસદ તરીકે ચૂંટાયા. લોકદળમાંથી તેમને કાઢી મૂકવામાં આવ્યા ત્યારે તેઓ જનતાદળમાં જોડાયા. પછીથી વિશ્વનાથ પ્રતાપસિંગના જૂથમાં અને તે પછી રાષ્ટ્રીય મોરચામાં જોડાયા. આ કારણથી તેમને ‘પક્ષપ્લવંગક’ (party hopper) તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્વનાથ પ્રતાપસિંગની સરકારે મંડલ પંચનો અહેવાલ અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો ત્યારે 1990માં તેઓ શ્રમ અને કલ્યાણ વિભાગના મંત્રી બન્યા. 1996માં તેઓ રેલવે-મંત્રી બન્યા. એ સમયે રેલવે અકસ્માતોનું પ્રમાણ વધી જતાં તેમની પર ટીકાની ઝડીઓ વરસી. રેલવે-મંત્રી તરીકે રેલવે પાસની છૂટે હાથે વહેંચણી કરીને તેના આધારે મુસાફરી કરનાર વર્ગ ઘણો બહોળો બનાવી દઈને આ હોદ્દાનો તેમણે અતિશય કુનેહપૂર્વક ઉપયોગ કરીને પોતાનો રાજકીય પાયો વિસ્તૃત બનાવ્યો. 1998ની ચૂંટણીમાં બિહારમાં જનતાદળને ભારે શિકસ્ત મળી ત્યારે તેના આ એકમાત્ર ઉમેદવાર હાજીપુર મતવિસ્તારમાંથી ચૂંટાઈ આવ્યા હતા. દૂરસંચાર વિભાગના મંત્રી તરીકે તેમણે આ વિભાગના કર્મચારીઓને ટેલિફોનની ભેટ અને ન્યૂનતમ દરથી ટેલિફોનની સગવડ પૂરી પાડી છે. આવાં કાર્યોને લીધે તે ‘લહાણી મંત્રી’ તરીકે જાણીતા બન્યા છે. 2001માં સંયુક્ત લોકદળમાંથી છૂટા પડી તેમણે અલગ દલિત મોરચો રચ્યો છે.
રક્ષા મ. વ્યાસ