પાસ્કલનો નિયમ (Pascal’s Law)

January, 1999

પાસ્કલનો નિયમ (Pascal’s Law) : ભૌતિકવિજ્ઞાનનો એક નિયમ, જે દર્શાવે છે કે કોઈ બંધ પાત્રમાં રહેલ પ્રવાહી (confined fluid) ઉપર બાહ્ય દબાણ લગાડવામાં આવે તો બધી દિશાઓમાં એકસમાન રીતે દબાણનું પ્રેષણ (transmit) થાય છે. આમ બંધ પાત્રમાં રહેલા પ્રવાહી ઉપર લગાડવામાં આવેલું બાહ્ય દબાણ એકસરખી તીવ્રતાથી પ્રવાહીમાં પ્રસારિત થાય છે અને તેના દ્વારા પાત્રની દીવાલો ઉપર એકસરખી રીતે અસર થતી જણાય છે. દીવાલો ઉપર લંબ દિશામાં આ દબાણને કારણે બળ લાગે છે, જેનું મૂલ્ય દીવાલો ઉપરના કોઈ પણ સ્થાને લીધેલ એકમ ક્ષેત્રફળની સપાટી ઉપર અચળ હોય છે. આ રીતે બંધ પાત્રમાં રહેલ કોઈ પ્રવાહી(દ્રવ)ની નાની સપાટી ઉપર લગાડેલ બાહ્ય દબાણ મોટી સપાટી ઉપર મોટું દબાણ ઉત્પન્ન કરે છે. ક્ષેત્રફળોનો યોગ્ય ગુણોત્તર ગોઠવીને દ્રવસ્થિતિવિજ્ઞાન(hydrostatics)નો એક અગત્યનો પ્રયોગ સાબિત કરી શકાય છે કે, નાના બળનું પ્રવાહીમાં પ્રેષણ કરવાથી મોટા વજનને ટેકવી શકાય છે. નાની તેમજ મોટી સપાટી ધરાવતા દટ્ટાઓ (પિસ્ટનો) વાપરવામાં આવ્યા હોય તેવા પ્રકારની હાઇડ્રૉલિક સંરચનાઓ હાઇડ્રૉલિક પ્રેસ અથવા જૅકમાં જોવા મળે છે. હાઇડ્રૉલિક દબાણ આપવા માટે અને હાઇડ્રૉલિક જૅક વસ્તુને ઊંચકવા માટે વપરાતાં સાધનો છે. ઉપરાંત આ પ્રકારની હાઇડ્રૉલિક પ્રણાલીઓ હાઇડ્રૉલિક બ્રેકમાં, વાહનોમાં પાવર-સ્ટિયરિંગમાં તેમજ નિયંત્રણ-પ્રણાલીઓમાં ઉપયોગી છે.

ફ્રેંચ વૈજ્ઞાનિક બ્લેઝ પાસ્કલે (Blaise Pascal) (1623-1662) 1647માં આ નિયમ આપ્યો હતો. તેમણે ઇવાનજેલિસ્તા તોરિચેલ્લી-(Evangelista Torricelli)ના પારાનો સ્તંભ ધરાવતા બેરૉમિટરનો ઉપયોગ કરીને દર્શાવ્યું કે ઊંચાઈ વધવા સાથે દબાણમાં ઘટાડો થાય છે તથા એક બિંદુ આગળનું વાતાવરણીય બળ બધી દિશામાં સરખું દબાણ કરે છે. સ્થિત પ્રવાહી(static fluid)માં આ બળ સમગ્ર પ્રવાહીમાં ધ્વનિની ઝડપે પ્રસારિત થાય છે અને તેની દિશા સપાટીને કાટખૂણે હોય છે. આ સિદ્ધાંતનો ઉપયોગ વાહનોમાં વપરાતાં વાતિલ (pneumatic) ટાયરો, બલૂન, ફુગ્ગા તેમજ અન્ય સાધનોમાં જોવા મળે છે. પાસ્કલે ઇન્જેક્શન માટેની સિરિન્જ તેમજ હાઇડ્રૉલિક પ્રેસની શોધ કરી હતી.

દ્રવસ્થિતિવિજ્ઞાનમાં સ્થિર પ્રવાહીનો અભ્યાસ કરવામાં આવે છે. પ્રવાહી ગતિશીલ ન હોવાને કારણે અપરૂપણ પ્રતિબળો (shear stresses) લાગતાં નથી અને તેથી કોઈ એક બિંદુએ પ્રતિબળની આંતરિક અવસ્થા ફક્ત દબાણના કારણે જ જાણી શકાય છે. ગુરુત્વાકર્ષણ હેઠળ સમતુલ્ય અવસ્થામાં કોઈ પણ આકારના પાત્રમાં રહેલા પ્રવાહીનું દબાણ કોઈ પણ સમક્ષિતિજ આડછેદ(horizontal cross-section)માં એક સમાન હોય છે. પ્રવાહીમાં દબાણનો ફેરફાર ઊંચાઈ કે ઊંડાઈ વધવા કે ઘટવાની સાથે થાય છે. પ્રવાહીનો સંગ્રહ કરવાની ટાંકી, હાઇડ્રૉલિક પ્રેસ, બંધ (dam), પ્રવાહીની અંદરનાં બોગદાં (tunnels) તથા દબાણમાપક યંત્રોમાં દ્રવસ્થિતિવિજ્ઞાનના સિદ્ધાંતો ઉપયોગી છે.

મિહિર જોશી