પાલ્મે, ઓલેફ (જ. 30 જાન્યુઆરી, 1927, સ્ટૉકહોમ, સ્વીડન; અ. 28 ફેબ્રુઆરી 1986 સ્ટૉકહોમ) : સ્વીડનના વિશ્વશાંતિના હિમાયતી, અગ્રણી મુત્સદ્દી તથા ભૂતપૂર્વ વડાપ્રધાન. 1950ના દાયકાની શરૂઆતનાં વર્ષો દરમિયાન જ તેઓ સોશિયલ ડેમોક્રૅટિક પક્ષના સક્રિય સભ્ય બન્યા હતા. તેઓ સ્વીડનની સોશિયલ ડેમોકૅટિક પાર્ટીના અગ્રિમ નેતા હતા (1968-76 તથા 1982). 1958માં તેઓ સ્વીડનની સંસદમાં ચૂંટાઈ આવ્યા. વડાપ્રધાન (1946-68) ટાગે એર્લાન્ડરની સરકારમાં તેઓ 1963માં ખાતા વિનાના મંત્રી તરીકે જોડાયા. 1965માં તેમણે સંદેશાવ્યવહાર ખાતાના મંત્રી તરીકે હોદ્દો સંભાળ્યો તથા 1967માં શિક્ષણ તથા ધાર્મિક બાબતોના મંત્રી બન્યા. 1968માં તેઓ વડાપ્રધાન તરીકે નિયુક્ત થયા. વિયેટનામ યુદ્ધમાં અમેરિકાની નીતિની તેમણે આકરી ટીકા કરી અને તે યુદ્ધ દરમિયાન અમેરિકન લશ્કરમાંથી ભાગી આવેલા સૈનિકોને પોતાના દેશમાં આશ્રય આપ્યો. આને લીધે સ્વીડન અને અમેરિકા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં તંગદિલી ઊભી થઈ.
44 વર્ષના સળંગ શાસન પછી 1976માં સોશિયલ ડેમોક્રૅટિક પક્ષનો દેશની ચૂંટણીમાં પરાજય થયો. ત્યારપછી પણ પાલ્મેએ પક્ષમાં સક્રિય ભૂમિકા ભજવી. તેમના નેતૃત્વ હેઠળ સોશિયલ ડેમોક્રૅટિક પક્ષનું શાંતિવાદી વલણ ચાલુ રહ્યું. 1979-80 વચ્ચે તેમણે ‘નૉર્ડિક કાઉન્સિલ’ના પ્રમુખ તરીકે હોદ્દો સંભાળ્યો. તથા નિ:શસ્ત્રીકરણ અને સલામતી અંગેના સ્વતંત્ર કમિશન(જિનીવા કમિશન)ના અધ્યક્ષ તરીકે કામગીરી અદા કરી. ઈરાન-ઇરાક યુદ્ધમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ વતી મધ્યસ્થી તરીકેની ભૂમિકા તેમણે અસરકારક રીતે ભજવી. સપ્ટેમ્બર, 1982ની દેશની સામાન્ય ચૂટણીમાં સોશિયલ ડેમોક્રૅટિક પક્ષનો વિજય થતાં તેમની નેતાગીરી નીચે પક્ષે બીજી વાર પુન: સત્તા સંભાળી. તેમની નવી સરકારે સમાજવાદી આર્થિક નીતિઓને ફરીથી અમલમાં મૂકવાના પ્રયાસો આદર્યા.
તેમની હત્યા એ એક વણઊકલેલ કોયડો રહ્યો છે.
નવનીત દવે