પાલ્ગ્રેવ ફ્રાન્સિસ ટર્નર

January, 1999

પાલ્ગ્રેવ, ફ્રાન્સિસ ટર્નર (. 28 સપ્ટેમ્બર 1824, લંડન; . 24 ઑક્ટોબર 1897, લંડન) : આંગ્લ કવિ, કાવ્ય-સંપાદક અને વિવેચક. ઑક્સફર્ડ ખાતે અભ્યાસ કર્યા પછી શિક્ષણ તથા વહીવટી ક્ષેત્રે વિવિધ હોદ્દાઓ સંભાળ્યા. 1895માં ઑક્સફર્ડ ખાતે કવિતાના પ્રાધ્યાપકનું પદ સંભાળ્યું. તેમનાં કાવ્ય-પુસ્તકોમાં ‘ઇડિલ્સ ઍન્ડ સાગ્ઝ’ (1854), ‘હિમ્સ’ (1867), ‘લિરિકલ પોએમ્સ’ (1871), ‘ધ વિઝન્સ ઑવ્ ઇંગ્લૅન્ડ’ (1881) વગેરેનો સમાવેશ થાય છે; પરંતુ તે મુખ્યત્વે યાદ રહ્યા છે કાવ્ય-સંપાદક તરીકે. તેમના મિત્ર ટેનિસનની સહાય અને સલાહથી સંપાદિત કરાયેલ ‘ધ ગોલ્ડન ટ્રેઝરી’ (1861) એક અનન્ય પ્રકાશન બની રહ્યું. તેનાં અનેક પુનર્મુદ્રણ થયાં અને 1896માં તેની બીજી શ્રેણી પ્રગટ થઈ. વિદ્યાર્થીઓની અનેક પેઢીઓ આ કાવ્યસંચયનો અભ્યાસ કરી કવિતાના સંસ્કાર પામી છે. તેમની અન્ય કૃતિઓમાં ‘ધ પૅશનેટ પિલગ્રિમ’ (1858), ‘એસેઝ ઑન આર્ટ’ (1866) અને વ્યાખ્યાનોના ગ્રંથ રૂપે ‘લૅન્ડસ્કેપ ઇન પોએટ્રી’નો સમાવેશ થાય છે.

મહેશ ચોકસી