પાલ્કની સામુદ્રધુની : દક્ષિણ ભારત અને ઉત્તર શ્રીલંકા વચ્ચે આવેલી બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રના મનારના અખાતને જોડતી ખાડી. બંગાળના ઉપસાગરનું પ્રવેશદ્વાર. સ્થાન 10o ઉ. અક્ષાંશ અને 79o 45′ પૂર્વ રેખાંશ. તેની લંબાઈ 137 કિમી. અને લંબાઈના સ્થાનભેદે પહોળાઈ 64 કિમી.થી 137 કિમી. જેટલી છે.
આ સામુદ્રધુની પ્રમાણમાં છીછરી છે અને તેમાં ઘણી નાની નદીઓનાં જળ ઠલવાય છે. તેમાં વચ્ચે નાના નાના ટાપુઓ આવેલા છે. તે મોટાં વહાણોની અવરજવર માટે અનુકૂળ નથી. ઉત્તર શ્રીલંકાનું વેપારી કેન્દ્ર ગણાતું જાફના તેના પર આવેલું મુખ્ય બંદર છે; અહીંથી શ્રીલંકા અને તમિળનાડુ વચ્ચે વેપાર ચાલે છે. દક્ષિણ તરફ રામેશ્વરમનો ટાપુ, આદમનો પુલ (શોએલ્સની સાંકળ) અને મનારનો ટાપુ આવેલા છે. સામુદ્રધુનીના નૈર્ઋત્ય ભાગને પાલ્કનો ઉપસાગર કહે છે.
ગિરીશ ભટ્ટ