પાદાંગુલિ વિકૃતિ (talipes) જન્મજાત
January, 1999
પાદાંગુલિ વિકૃતિ (talipes), જન્મજાત : જન્મથી પાદ (foot) કે તેની આંગળીઓના આકારમાં વિકૃતિ હોવી તે. તે ઘણા પ્રકારની હોય છે અને તેમાંની કેટલીક વિકૃતિઓ તો વારસાગત ઊતરી આવે છે. કેડથી નીચે માણસને 2 પગ હોય છે, જેને અધ:ગાત્રો (lower extrimitas) અથવા lower limbs કહે છે. કેડથી ઢીંચણ સુધી જાંઘ, ઢીંચણથી ઘૂંટી સુધી નળો (leg) અને ઘૂંટીથી નીચે જમીન સાથે આડા પડેલા ભાગને પાદ (foot) કહે છે. પગના નળાવાળા ભાગમાં પાછળની બાજુ સ્નાયુઓ હોય છે. તેને પશ્વનળા સ્નાયુઓ (calf muscles) કહે છે. પાદ જમીન પર સપાટ ગોઠવાતા નથી પરંતુ તેનો વચલો ભાગ કમાનની રીતે ઉપર તરફ વળેલો હોય છે. તેથી પાછળ એડી (calcaneum) અને આગળ પાદાસ્થિઓ(metatarsal bones)નાં શીર્ષ અને પગનો અંગૂઠો અને આંગળીઓની ટોચ જમીનને અડકે છે, પરંતુ ઘૂંટીના સાંધાનાં અન્ય હાડકાં જમીનને અડકતાં નથી. શરીરની મધ્યરેખા (અંગૂઠા) તરફની પાદની કિનારી પરની કમાન ઊંચી હોય છે, જ્યારે બહારના ભાગ (નાની આંગળી) તરફની કમાન (બાહ્ય કમાન) સહેજ નીચી હોય છે. અંગૂઠાને નીચે તરફ વાળતો લાંબો સ્નાયુ પશ્વનળા(calf)માં હોય છે. તેને flexor hallucis longus સ્નાયુ કહે છે. તે મધ્યરેખાવર્તી ઊંચી કમાન(અંત:કમાન)ને વધુ ઊંચી કરે છે. પાદની કમાન ઝડપથી ચાલવા માટે કે દોડવા માટે કે કૂદવા માટે સ્પ્રિંગ-બોર્ડ જેવું પ્રારંભિક બળ પૂરું પાડે છે.
પાદને અંગ્રેજીમાં શાસ્ત્રીય રીતે pes કહે છે. તેની વિકૃતિને એડીપાદની વિકૃતિ (talipes) અથવા પાદાંગુલિવિકૃતિ કહે છે. તે વિવિધ પ્રકારની હોય છે. સારણીમાં તેમનાં નામ અને ટૂંકાં વર્ણન આપ્યાં છે.
જન્મજાત અશ્વ-બાહ્યકમાનસ્પર્શી પાદની વિકૃતિનું વર્ણન હિપૉક્રેટીસે કરેલું છે. આ વિકૃતિમાં પાદનો આગળનો ભાગ અને નાની આંગળી તરફની કમાનવાળો ભાગ જમીનને અડકે છે. તેને clubfoot પણ કહે છે. તેમાં ત્રણેય પરિમાણોમાં અને ઘણાબધા સાંધાઓમાં વિકૃતિ થાય છે અને તેથી તેની સારવાર મુશ્કેલ બને છે. વળી ઉંમર વધવાની સાથે વિકૃતિમાં વધારો થતો રહે છે. દર 1,000 જન્મતાં બાળકોમાંથી 1 અથવા 2ને તે થાય છે. તેનું કારણ નિશ્ચિત નથી. તે ઘણાં પરિબળો ધરાવતી વારસાગત વિકૃતિ છે, અને તેથી પ્રથમ કક્ષાના સંબંધીઓમાં તેનું પ્રમાણ 20 ગણું વધારે રહે છે. ક્યારેક તેની સાથે વામનતા (dwarfism) જોવા મળે તો તેને ફ્રીમૅન-શેલ્ડન સંલક્ષણ કહે છે. આ સંલક્ષણમાં બાળકની મોઢાની ફાડ નાની અને દોરીવાળા પર્સ જેવી હોય છે. દાઢી પર ખાડો હોય છે, નાક અને જીભ નાનાં હોય છે. તાળવું ઊંચું હોય છે તથા હાથ આંગળી તરફ વળેલા હોય છે. દર્દીને સ્નાયુરુજા (myopathy) થાય છે અને ખૂંધ નીકળે છે. ગર્ભાવસ્થા સમયની દેહસ્થિતિને કારણે તેમ થાય છે એવું મનાય છે, પણ ક્યારેક મસ્તિષ્કી લકવો (cerebral palsy) કે દ્વિભંજી મણકાફાડ (spina lifida) જેવા વિકારો પણ સાથે હોય છે.
જન્મસમયે કાયમી રહેતી વિકૃતિ સ્પષ્ટપણે દેખી શકાય છે. જન્મ પછીની દેહસ્થિતિને કારણે જો આવી વિકૃતિ થયેલી દેખાય તો હાથ વડે પગને સીધો કરતાં તે જતી રહે છે. આ વિકૃતિ છોકરીઓ કરતાં છોકરાઓમાં 3 ગણી વધારે થાય છે.
તેની સારવારમાં શસ્ત્રક્રિયાના પ્રકાર અને સમયગાળાને લઈને વિવિધ મત પ્રવર્તે છે. વ્યક્તિગત જરૂરિયાતને ધ્યાનમાં લઈને સારવાર અપાય છે. દરેક કિસ્સામાં પાદને યોગ્ય સ્થિતિમાં ખેંચીને પાટો બંધાય છે. માતા-પિતા દ્વારા દિવસમાં વારંવાર હળવેથી ખેંચીને પાદને સરખો કરવાની કોશિશ કરવા સૂચવાય છે. ક્યારેક બાહ્ય સ્થાપકો (splints) કે પ્લાસ્ટર બીબું (plaster cast) પણ વપરાય છે. જો આ પદ્ધતિ સફળ ન રહે તો 6 અઠવાડિયે શસ્ત્રક્રિયા કરવાનું સૂચવાય છે. 4 મહિનાથી વધુ ઉંમરના બાળકમાં ખેંચવાની અને પાટો બાંધવાની પદ્ધતિ સફળ થતી નથી. શસ્ત્રક્રિયા રૂપે બંધાઈ ગયેલી પેશીઓને મુક્ત કરવાની તથા પાદની આંગળી/અંગૂઠાને હલાવતા સ્નાયુઓના સ્નાયુબંધો(tendons)ને લંબાવવાની ક્રિયા કરાય છે. હાડકાં અને તેમની સંધિસપાટીઓ-(articular surfaces)ને ઈજા ન થાય તે ખાસ જોવાય છે. શસ્ત્રક્રિયા કર્યા પછી પણ પ્લાસ્ટર-પાટાનો ઉપયોગ કરાય છે. દર 2 અઠવાડિયે બાળકને બેહોશ કરીને પ્લાસ્ટર-પાટો બદલવામાં આવે છે. 6થી 8 અઠવાડિયે પ્લાસ્ટર-પાટો કાઢી નંખાય છે અને 2થી 6 મહિના માટે રાત્રિસમયના બાહ્ય સ્થાપકો વપરાય છે. દિવસે પાદને ટેકો આપે એવાં પગરખાં પહેરાવવવામાં આવે છે. તીવ્ર વિકૃતિવાળા વિકારમાં ઘણી વખત ફરીથી શસ્ત્રક્રિયાઓ કરવી પડે છે.
સારણી : પાદાંગુલિ વિકૃતિના કેટલાક પ્રકારો
ગુજરાતી નામ | અંગ્રેજી/શાસ્ત્રીય નામ | વર્ણન | |
1. | અશ્વીય પાદ અથવા ટોચસ્પર્શી પાદ | pes અથવા talipes equinus (tipfoot) | ઘોડાની માફક પાદનો આગળનો છેડો (આંગળાની ટોચ અને પાદસ્થિતિનાં શીર્ષ) જમીનને અડે અને એડી-વાળો ભાગ ઊંચો થઈ ગયેલો હોય. |
2. | એડીસ્પર્શી પાદ | pes અથવા talipes- calcaneous | ફક્ત એડીવાળો ભાગ જમીનને સ્પર્શતો હોય અને પાદનો અન્ય ભાગ ઉપર તરફ ઊંચકાયેલો રહે. |
3. | બાહ્યકમાન-સ્પર્શી પાદ | pes અથવા talipes varus, pes abductus | બહાર (નાની આંગળી તરફની) કમાન જમીનને અડે તેવી રીતે વાંકો વળેલો પગ |
4. | અંત:કમાન-સ્પર્શીપાદ | pes અથવા talipes valgus, pes abductus,
pes pronatus |
અંદરની (અંગૂઠા તરફની) કમાન જમીનને અડે તેવી રીતે વાંકો થયેલો પગ |
5. | અશ્વ-બાહ્ય-કમાન સ્પર્શી પાદ | pes અથવા talipes equinovarus | પગનો આગળનો ભાગ તથા નાની આંગળી તરફની
બહારની કમાન જમીનને અડે તેવી વિકૃતિ |
6. | અશ્વ-અંત:કમાન- સ્પર્શી પાદ | pes અથવા talipes equinovalgus | પગનો આગળનો ભાગ તથા અંગૂઠા તરફની અંદરની કમાન જમીનને અડકે તેવી વિકૃતિ. |
7. | એડી-બાહ્યકમાન-
સ્પર્શી પાદ |
pes અથવા talipes calcaniovarus | એડી તથા બહારની કમાન જમીનને અડે. |
8. | એડી-અંત:કમાન-
સ્પર્શી પાદ |
pes અથવા talipes calcaniovalgus | એડી તથા અંદરની કમાન જમીનને અડે. |
9. | ઊર્ધ્વકમાનીય
પાદ |
pes અથવા talipes
cavus, arcuatus plantaris, hollow foot, cross-foot, claw-foot |
ઊંચી કમાનવાળો પાદ |
10. | સપાટ-પાદ | flat foot, pes અથવા talipes planus, splay foot, platypodia | પાદમાં કમાન ન હોવાથી આખો પાદ જમીનને સ્પર્શે. |
પાદઅંગુલિઓની બીજી પણ કેટલીક વિકૃતિઓ થાય છે, જેમ કે જન્મજાત ઊંચી વળી ગયેલી આંગળીઓ, વાંકી વળેલી ચોથી અને પાંચમી આંગળીઓ, પાસપાસે નીચે આંગળીઓ એકબીજા સાથે ચોંટેલ હોય, કોઈ એક આંગળી અવિકસિત રહે કે કોઈ એક આંગળી મોટી થઈ જાય અથવા વધારાની આંગળીઓ ઊગેલી હોય. ક્યારેક ઘૂંટીનાં હાડકાં એકબીજાં સાથે ચોંટેલાં હોય છે. ક્યારેક ટેલસ નામનું હાડકું ઊભું થયેલું હોય તો હોડકાના આકારનો પાદ થાય છે, જેમાં મધ્ય ભાગ જમીનને અડકે અને એડી અને આંગળીઓ ઊંચી રહે છે. પગનો અંગૂઠો આંગળીઓ તરફ વળેલો હોય છે. ક્યારેક તેને અંગુલિવર્તી અંગુષ્ઠ (hallux valgus) કહે છે. ક્યારેક બીજી, ત્રીજી અને ચોથી આંગળી જાણે હથોડી હોય તેમ વળેલી હોય છે. તેમાં આંગળીના છેલ્લા વેઢા દ્વારા વજનનું વહન થાય છે. તેના જેવી જ રીતે વળેલી આંગળીઓવાળી સ્થિતિમાં આંગળીઓના છેલ્લા વેઢા દ્વારા નહિ, પણ ફક્ત ટોચ વડે વજનનું વહન થાય તો તેને ગીધપાદાંગુલિતા(claw toe)ની વિકૃતિ કહે છે. ક્યારેક તેની સાથે ઊર્ધ્વકમાની પાદ અને અંગુલિવર્તી અંગુષ્ઠની વિકૃતિઓ પણ જોવા મળે છે. મોટાભાગની આ પ્રકારની પાદાંગુલિઓની વિકૃતિઓમાં સારવાર રૂપે શસ્ત્રક્રિયા, પ્લાસ્ટર-પાટા તથા બાહ્ય સ્થાપકોનો ઉપયોગ કરાય છે.
સપાટ પાદ (flat foot) : જ્યારે મધ્યરેખા તરફની અથવા અંગૂઠા તરફની પાદની કમાન ન હોય ત્યારે તેને સપાટ અથવા ચપટો પાદ કહે છે. બાળકોમાં ચરબીને કારણે ક્યારેક તેવી વિકૃતિ થયેલી છે તેવું લાગે છે, પરંતુ તેને આંગળીઓ પર ઊભા રહેવાનું કહેવાથી એડીઓના અંદર તરફના વળવા સાથે ચપટા પાદનો વિકાર નથી તેવું જાણી શકાય છે અથવા તેને અંગૂઠાને ઉપર તરફ ઉઠાવવાનો કહેવાથી પાદતલ તંતુપડ(plantar facia)માં તણાવ કરાવીને તેને સ્પષ્ટપણે જોઈ શકાય છે.
ચપટો પાદ બે પ્રકારનો હોય છે, ચલનશીલ (mobile) અને અક્કડ (rigid). ચલનશીલ ચપટા પાદની વિકૃતિમાં કોઈ તકલીફ થતી નથી, અને તેની સારવારની જરૂર પડતી નથી, પરંતુ ક્યારેક અંત:કમાન સ્પર્શન(valgus)નો વિકાર વધુ પડતો તીવ્ર હોય તો સારવાર કરવી પડે છે. તેને માટે એડીના હાડકાને કાપવાની શસ્ત્રક્રિયા કરાય છે અને તે સમયે પાદની આંગળી તરફની કિનારી લંબાવવા માટે અસ્થિનિરોપ (bone graft)રૂપ હાડકાની કરચો મૂકવામાં આવે છે. ચલનશીલ ચપટા પાદની વિકૃતિમાં શસ્ત્રક્રિયાનું મહત્વ ઓછું છે. અક્કડ ચપટા પાદની વિકૃતિઓમાં દુખાવો થાય છે. અને તેમાં શસ્ત્રક્રિયાની જરૂર પડે છે. વિશિષ્ટ ખૂણાઓથી એક્સ-રે-ચિત્રણો લઈને વિકૃતિ અંગે પૂરેપૂરી સમજ મેળવાય છે. સામાન્ય રીતે આરામ કરવાથી દુખાવો ઘટે છે. દર્દીને બેહોશ કરીને યોગ્ય પ્રકારનો ઢીંચણથી નીચે અને આખા પાદનો પ્લાસ્ટર-પાટો અપાય છે. 6 અઠવાડિયાં પછી બાહ્યસ્થાપકોનો ઉપયોગ કરાય છે. 14 વર્ષથી નીચેની વ્યક્તિમાં અસ્થિદંડ કાપી કાઢવાની અને મોટી ઉંમરે સાંધાને જોડી દેવાની શસ્ત્રક્રિયા કરાય છે. મોટી ઉંમરે અન્ય વિકારોમાં પણ ચપટા પાદની વિકૃતિ થાય છે.
ઊર્ધ્વકમાની અથવા ગીધપાદ (clawfoot) : મોટેભાગે તે કોઈ ચેતાકીય (neurological) વિકારથી થાય છે. ક્યારેક અજ્ઞાત કારણોસર પણ તે જોવા મળે છે. બાળકની વૃદ્ધિ સાથે વિકૃતિઓ વણસે છે. જરૂર પડ્યે હાડકાના ટુકડા કાપવાની અને સ્નાયુબંધ(tendons)ને લંબાવવાની શસ્ત્રક્રિયા કરાય છે.
શિલીન નં. શુક્લ
દીપક પ. રાઠોડ
જ્યોતીન્દ્ર પંડિત