પ્રવરપુર : દખ્ખણમાં વાકાટક વંશના રાજાઓનું પાટનગર. વાકાટક વંશની જ્યેષ્ઠ શાખાના રાજા દામોદરસેન ઉર્ફે પ્રવરસેન બીજા(ઈ. સ. 420–450)એ પ્રવરપુર નામના નવા નગરની સ્થાપના કરી હતી. પાછળથી આ નગરને તેણે પોતાની રાજધાની બનાવી. વર્ધા જિલ્લામાં વર્ધાથી 6 કિમી. દૂર ધામ નદીના કિનારા પર આવેલ પવનાર નામનું ગામ પ્રાચીન પ્રવરપુર હોવાનું ત્યાંથી પ્રાપ્ત અવશેષો પરથી જાણી શકાયું છે. પ્રવરસેન બીજાએ પોતાની માતા પ્રભાવતી ગુપ્તાના આદેશાનુસાર પ્રવરપુરમાં રામચંદ્રજીનું ભવ્ય મંદિર બનાવી એને શિલ્પોથી અલંકૃત કરાવ્યું હતું. વર્ધામાં વિનોબા ભાવેના આશ્રમની નજીક ખોદકામ કરતાં કેટલાક શિલાપટ્ટો મળી આવ્યા હતા; જેમાં રામજન્મ, વનવાસગમન, ભરતમિલાપ, સુગ્રીવ–વાલિયુદ્ધ વગેરે રામચરિત્રના વિવિધ પ્રસંગો કોતરાયેલા નજરે પડે છે. આ પરથી ઉક્ત મંદિર આ સ્થળે હોવાનું માની શકાય.

રામજીભાઈ ઠા. સાવલિયા