પ્રભુપાદ શ્રીલ સ્વામી

February, 1999

પ્રભુપાદ શ્રીલ સ્વામી (જ. 1 સપ્ટેમ્બર 1896, કલકત્તા; અ. 14 નવેમ્બર 1977, વૃંદાવન ) : આંતરરાષ્ટ્રીય કૃષ્ણભાવનામૃત સંઘ (ઇસ્કોન, International Society for Krishna Consciousness)ના સ્થાપક. વૈદિક તત્વજ્ઞાન, ધર્મસાહિત્ય અને ભારતીય સંસ્કૃતિ વિષયોના લેખક. તેમનું નામ અભયચરણ ડે હતું. ગૌરમોહન ડે તેમના પિતાનું નામ હતું. વૈષ્ણવ સંપ્રદાયનું અનુસરણ કરનારા પરિવારમાં જન્મ. પિતા કલકત્તામાં સોનીનો વ્યવસાય કરતા. 1912માં કલકત્તા યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષા તથા 1916માં તે જ યુનિવર્સિટીની બી.એ.ની પરીક્ષા અંગ્રેજી મુખ્ય વિષય સાથે પ્રથમ વર્ગમાં પસાર કરી. ત્યારપછી થોડો સમય મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે કામ કર્યું. આગળ અભ્યાસ કરવા માટે પરદેશ જવાની ઇચ્છા થઈ; પરંતુ કુટુંબની આર્થિક પરિસ્થિતિ અનુકૂળ ન હતી. ભારતીય વહાણવટા ઉદ્યોગનાં અગ્રણી સુમતિ મોરારજી પાસે તેમના કોઈ પણ માલવાહક જહાજમાં પ્રવાસની ગોઠવણ કરી આપવાની યાચના કરી, જેમાં સફળ નીવડ્યા. પરંતુ શ્રીલંકા જહાજ પહોંચ્યું ત્યાં સુધી દરિયાઈ માંદગી(sea sickness)થી પછડાયા અને આગળનો પ્રવાસ પડતો મૂકવો પડ્યો. આ માંદગી દરમિયાન શ્રીકૃષ્ણને સંબોધીને તેમણે લખેલાં કાવ્યો ખૂબ અર્થસભર છે.

તેઓ 1922માં પહેલી વાર શ્રીલ ભક્તિસિદ્ધાંત સરસ્વતી ગોસ્વામીને મળ્યા. ભક્તિસિદ્ધાંત ચોસઠ વૈદિક સંસ્થાઓના સ્થાપક તથા વિદ્વાન હતા. પ્રભુપાદે 1933માં તેમની પાસે વિધિસર દીક્ષા લીધી અને વૈદિક જ્ઞાનના શિક્ષણ માટે પોતાનું જીવન સમર્પણ કરવાની ખાતરી આપી. શ્રીલ પ્રભુપાદે ભગવદ્ગીતા પર ટીકા લખી અને ગૌડીય મઠો(વૈદિક સંસ્થાઓ)ને તેમનાં કાર્યમાં સહાય કરી. તેમણે 1944માં અંગ્રેજી ભાષામાં ‘બૅક ટૂ ગૉડ હેડ’ નામનું પાક્ષિક શરૂ કર્યું. તેઓ તેના સંપાદન, પ્રૂફ-વાચન અને વેચાણ માટે ઘણી મહેનત કરતા. એ સામયિક કદી બંધ પડ્યું નથી. તેમનાં જ્ઞાન તથા ભક્તિની કદર કરીને ગૌડીય વૈષ્ણવ સમાજે 1947માં તેમને ‘ભક્તિવેદાંત’ પદવી આપીને બહુમાન કર્યું. પ્રભુપાદ 1950માં પરિણીત જીવનમાંથી છૂટા થયા અને ચાર વર્ષ બાદ પોતાનો વધુ સમય અધ્યયન તથા લેખન વાસ્તે ફાળવવા તેમણે વાનપ્રસ્થાશ્રમ સ્વીકાર્યો. તેમણે વૃંદાવનમાં વસવાટ કરી, સાદું જીવન જીવી, અધ્યયન તથા લેખનમાં બધો સમય વિતાવ્યો. તેમણે 1959માં સંન્યાસ સ્વીકારી, રાધા-દામોદર મંદિરમાં ભાગવત પુરાણના અઢાર હજાર શ્લોકોનું ભાષાંતર તથા ભાષ્ય રચવાનું કામ શરૂ કર્યું. તેના ત્રણ ગ્રંથો પ્રગટ કર્યા બાદ, પ્રભુપાદ પોતાના ગુરુના આદેશને પરિપૂર્ણ કરવા 1965માં યુનાઇટેડ સ્ટેટ્સ ગયા. તેમણે ન્યૂયૉર્કમાં 1966ના જુલાઈમાં આંતરરાષ્ટ્રીય કૃષ્ણભાવનામૃત સંઘની સ્થાપના કરી. તેમના માર્ગદર્શન હેઠળ, આ સંસ્થા દશ વર્ષના સમયમાં તો સો આશ્રમો, મંદિરો, શાળાઓ અને ખેતીવાડીનાં ફાર્મનો વિશ્વવ્યાપી સંઘ બની ગયો.

તેમણે 1968માં પશ્ચિમ વર્જિનિયામાં એક હજાર એકરથી વધારે વિસ્તાર ધરાવતી વસાહતમાં નવવૃંદાવન ઊભું કર્યું. મુંબઈમાં જૂહુના સમુદ્રકિનારે બે કરોડ રૂપિયાના ખર્ચે ભવ્ય મંદિર તથા અતિથિગૃહ સ્થાપવામાં આવ્યાં. તેમણે 1972માં ટેક્સાસ, ડલાસમાં ગુરુકુળ સ્થાપીને પ્રાથમિક તથા માધ્યમિક કક્ષાનું વૈદિક પદ્ધતિનું શિક્ષણ આપવાનું શરૂ કર્યું. ભારતમાં વૃંદાવનમાં ભવ્ય કૃષ્ણ-બલરામ મંદિર અને અતિથિગૃહ 60 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કર્યાં છે. ત્યાં ભવ્ય ગુરુકુળ પણ તૈયાર થયું છે. ગુજરાતમાં અમદાવાદ નજીક કઠવાડા ગામે સો એકરના ફાર્મની વસાહતમાં ગૌશાળા, ગુરુકુળ, હસ્ત-ઉદ્યોગની સગવડ તથા મંદિર પણ તૈયાર થઈ રહ્યું છે. ઉપરાંત, અમદાવાદના આમલી-બોપલ માર્ગ પર પણ ઇસ્કોનનું એક ભવ્ય મંદિર છે. વિશ્વભરમાં તેમણે 120 જેટલાં મંદિરોની સ્થાપના અને બાર વખત પ્રવચનો માટે પૃથ્વીપરિક્રમા કરી હતી.

પ્રભુપાદનું મહત્વપૂર્ણ પ્રદાન તેમના ગ્રંથો છે. તેમના ગ્રંથોનો યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાં પ્રમાણભૂત પુસ્તકો તરીકે ઉપયોગ થાય છે. તેમણે 70 જેટલાં મૌલિક અને અનૂદિત પુસ્તકો આપ્યાં છે. તે પુસ્તકો 28 જુદી જુદી ભાષાઓમાં અનુવાદો પ્રગટ કરીને લાખોની સંખ્યામાં વહેંચવામાં આવ્યાં છે. તેમણે હજારો પ્રવચનો આપ્યાં છે. તેમનાં પુસ્તકો પ્રગટ કરવા માટે 1972માં ભક્તિવેદાંત બુક ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી, જે ભારતીય ધર્મ તથા તત્વજ્ઞાનના ક્ષેત્રે વિશ્વમાં સૌથી વધારે ગ્રંથો પ્રકાશિત કરનાર સંસ્થા છે. ‘શ્રી ચૈતન્ય ચરિતામૃત’ નામે બંગાળી ગ્રંથનું તેમણે 17 ગ્રંથોમાં સટીક ભાષાંતર માત્ર દોઢ વર્ષમાં પૂર્ણ કર્યું હતું. તેમણે શ્રીમદભાગવતનું ભાષાંતર પૂરું કરવા,  નાદુરસ્ત તબિયત હોવા છતાં, પ્રથમ દશ સ્કંધના ત્રીસ ભાગો પોતે લખ્યા. વિશ્વમાં કૃષ્ણભાવનાના પ્રચાર દ્વારા તેમણે આધ્યાત્મિક ક્રાંતિ કરી. દશ હજારથી વધુ યુવક-યુવતીઓ તેમની છત્રછાયા હેઠળ શ્રીકૃષ્ણની ભક્તિમાં પ્રવૃત્ત થયાં.

ભગવાનના સંદેશને દુનિયાના દેશોમાં ફેલાવવા માટેના બેસુમાર પ્રયાસો પછી 81 વર્ષની ઉંમરે પ્રભુપાદે વૃંદાવનમાં દેહત્યાગ કર્યો. હવે આંતરરાષ્ટ્રીય કૃષ્ણભાવનામૃત સંઘ 300થી વધારે મંદિરો, ફાર્મહાઉસ, શાળાઓ વગેરે સમાવતો વિશ્વવ્યાપી સંઘ બન્યો છે. તે દુનિયાભરમાં લાખો અનુયાયીઓ ધરાવે છે. તેઓ હંમેશાં ‘હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે ! હરે રામ હરે રામ, રામ રામ હરે હરે !’ નો જપ કરતા જોવા મળે છે.

જયકુમાર ર. શુક્લ

બાળકૃષ્ણ માધવરાવ મૂળે