પંપ (જ. ઈ. સ. 902, વેંગિમંડલ; અ. ઈ. સ. 975) : કન્નડના આદિમહાકવિ. પંપ જૈન ધર્માનુયાયી હોવા છતાં એ વૈદિક ધર્મના પણ અનુરાગી હતા. પંપે કન્નડમાં જૈનસાહિત્યની રચના કરી. ત્યારથી કન્નડ સાહિત્યમાં જૈનયુગ શરૂ થયો એમ કહેવાય છે. પંપયુગનો પર્યાય જૈન સાહિત્યયુગ બની ગયો છે. એમના મહાભારતના કથાનકને આધારે રચેલાં બે કાવ્યો તે ‘આદિપુરાણ’ (ઈ.સ. 941/942) અને ‘વિક્રમાર્જુનવિજય’. આ બીજું કાવ્ય ‘પંપભારત’ તરીકે પણ ઓળખાય છે. એ કાવ્યો ચંપૂ-શૈલીમાં લખાયાં છે. અને ત્રણ સદીઓ સુધી એમનાં એ કાવ્યોને આદર્શરૂપ માનીને અન્ય અનેક ચંપૂકાવ્યો રચાતાં રહેલાં.
પંપની કાવ્યપ્રતિભાથી પ્રભાવિત થઈને ચાલુક્ય રાજા અરિકેસરીએ એમને રાજકવિની પદવી આપી હતી. એમણે એમની કૃતિ ‘આદિપુરાણ’ને ધાર્મિક તથા ‘વિક્રમાર્જુનવિજય’ને લૌકિક કૃતિ કહી છે. ‘આદિપુરાણ’ કાવ્ય એમણે ત્રણ મહિનામાં અને ‘વિક્રમાર્જુનવિજય’ છ મહિનામાં રચ્યાં હતાં. ‘આદિપુરાણ’ જિનસેનાચાર્યકૃત સંસ્કૃત ‘પૂર્વપુરાણ’ના આધારે રચાયલું પ્રથમ તીર્થંકર આદિનાથનું જીવનચરિત્ર છે; જ્યારે ‘વિક્રમાર્જુન-વિજય’ મહાભારતના કથાનકને આધારે લખાયેલું એમના આશ્રયદાતા અરિકેસરીનું ચરિત્ર છે. અર્જુનને વિજય મળે એટલા માટે ઇન્દ્ર કર્ણ પાસેથી અમોઘ શસ્ત્ર દાનમાં માગી લે છે. તેને આધારે અરિકેસરીનાં પરાક્રમોને એમાં વર્ણવી એની અર્જુન જોડે સરખામણી કરી છે. એમનાં એ બંને કાવ્યો કન્નડ સાહિત્યની પ્રારંભિક તેમજ શ્રેષ્ઠ રચના મનાય છે અને તેથી જ એમના સમયથી શરૂ થતો બસો વર્ષનો યુગ પંપયુગ કહેવાય છે.
પંપ સંસ્કૃત, પ્રાકૃત ઉપરાંત આયુર્વેદ, કાવ્યશાસ્ત્ર, ખગોળ, વ્યાકરણ, સંગીત, નૃત્યકલા, ગણિત તથા યુદ્ધકળા જેવી અનેક વિદ્યાઓમાં પારંગત હતા.
ચન્દ્રકાન્ત મહેતા