પંતુલુ, કાશીનાધુની નાગેશ્વર રાવ (. 1 મે 1867, એલાકુરુ, ગુડિવાડા તાલુકો, કૃષ્ણા જિલ્લો; . 11 એપ્રિલ 1938, ચેન્નાઈ) : સ્વાતંત્ર્ય-સેનાની, પત્રકાર અને પ્રતિષ્ઠિત તેલુગુ સાહિત્યકાર. પ્રારંભિક શિક્ષણ વતન એલાકુરુમાં લીધા બાદ માધ્યમિક શિક્ષણ મછલીપટ્ટનમમાં મેળવ્યું. ક્રિશ્ચિયન કૉલેજ, ચેન્નાઈમાં ઉચ્ચશિક્ષણ મેળવ્યું.

કાશીનાધુની નાગેશ્વર રાવ પંતુલુ

વીસમી સદીના આરંભે ભારતમાં સ્વદેશી આંદોલન શરૂ થયું. તેમણે સપ્ટેમ્બર, 1908માં ‘આંધ્ર પત્રિકા’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું. એ જ રીતે ‘આંધ્ર પત્રિકા’ નામથી તેલુગુ દૈનિકનું પ્રકાશન આરંભ્યું. આ દૈનિકનો સૌપ્રથમ અંક 1 એપ્રિલ, 1914માં પ્રકાશિત થયો. આ વર્તમાનપત્ર ટૂંકા ગાળામાં ઘણું લોકપ્રિય બન્યું. આજે પણ તે લોકપ્રિય અને શક્તિશાળી દૈનિક છે. જાન્યુઆરી, 1924માં તેમણે ‘ભારતી’ પત્રિકાનું તેલુગુ પ્રકાશન આરંભ્યું, જે સાહિત્ય અને સંસ્કૃતિના ક્ષેત્રમાં તેમનું મહત્વનું યોગદાન બની રહી. 1926માં ‘આંધ્ર ગ્રંથમાળા’ નામે એક પ્રકાશન-સંસ્થા ઊભી કરી અને તેના દ્વારા લગભગ 20 જેટલા પ્રશિષ્ટ તેલુગુ ગ્રંથો પ્રકાશિત કર્યા. તદુપરાંત આ પ્રકાશન-સંસ્થા દ્વારા આધુનિક ગ્રંથોનું પુનર્મુદ્રણ કર્યું. આ તમામ પ્રકાશનો તેઓ સસ્તી કિંમતે વેચાણ માટે મૂકતા જેથી સૌને તે સુલભ બને. આ સાથે તેઓ ગ્રંથપ્રસારનું કામ કરતા. તેમના પ્રયાસોને કારણે આંધ્રપ્રદેશ 120 ગ્રંથાલયો શરૂ થયાં હતાં. પુસ્તકપ્રસાર અને વેચાણનું કામ તેઓ અદમ્ય ઉત્સાહથી કરતા, જેને કારણે તેઓ તે વિસ્તારના પુસ્તકાલય આંદોલનના જનક કહેવાયા. તેમના આ પ્રયાસોને અનુલક્ષીને 1935માં આંધ્ર યુનિવર્સિટીએ તેમને `કલા-પ્રપૂર્ણ'(ડૉક્ટર ઑવ્ લિટરેચર)ની પદવી એનાયત કરી હતી.

પુસ્તક-પ્રસારની કામગીરી સાથે ખાદી-પ્રસારને પણ તેમણે ધ્યેય બનાવ્યું હતું. તેમણે સમગ્ર આંધ્રપ્રદેશની ગરીબ પ્રજામાં ખાદી-ઉત્પાદનને વેગ પૂરો પાડી ગ્રામીણ કુટુંબોને સ્વાશ્રયી બનાવવાની પાયાની કામગીરી કરી હતી. આથી મુલાયમ ખાદીના ઉત્પાદનમાં આ રાજ્ય અગ્રેસર રહ્યું છે. ખાદી સાથે રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓમાં પણ તેઓ સક્રિય હતા. ‘મીઠાના સત્યાગ્રહ’માં તેમણે આ રાજ્યમાં અગ્રણી ભૂમિકા ભજવી હતી. 1924-1934ના દસકામાં તેઓ ચાર વાર આંધ્રપ્રદેશ કૉંગ્રેસ સમિતિના અધ્યક્ષ બન્યા હતા. પ્રદેશ-કૉંગ્રેસના તેઓ પ્રથમ પંક્તિના કાર્યકર હતા. ગાંધીજી તેમને આંધ્રપ્રદેશના ‘આધુનિક કર્ણ’ તરીકે ઓળખતા હતા. આંધ્રની પ્રજા તેમને ‘જનતાના દેશોદ્ધારક’ તરીકે ઓળખતી હતી.

1969માં તેમની સ્મૃતિમાં ભારત સરકારે 20 પૈસાની ટિકિટ પ્રકાશિત કરી હતી. આ રાષ્ટ્રવાદી કાર્યકરનું એ રીતે સમુચિત બહુમાન કર્યું હતું.

રક્ષા મ. વ્યાસ