પ્રભાસક્ષેત્ર : ગુજરાતનું પુરાણ-પ્રસિદ્ધ અને અગ્રિમ સ્થાન ધરાવતું તીર્થક્ષેત્ર. સ્કન્દપુરાણનો સપ્તમ ખંડ ‘પ્રભાસખંડ’ કહેવાય છે, એના આરંભિક અધ્યાયોમાં પ્રભાસક્ષેત્રનું માહાત્મ્ય નિરૂપાયું છે. એમાં આ ક્ષેત્રનો વિસ્તાર બાર યોજનનો હોવાનું જણાવ્યું છે. સ્કન્દપુરાણના આ ખંડમાં પ્રભાસક્ષેત્રમાં આવેલાં અનેક દેવાલયો અને નાનાંમોટાં તીર્થસ્થાનોનું નિરૂપણ કરાયું છે. એ પરથી સ્કન્દપુરાણના આ ખંડની રચનાના સમયે પ્રભાસક્ષેત્ર જાહોજલાલી ધરાવતું હોવાનું સ્પષ્ટ થાય છે. પછી પ્રભાસક્ષેત્ર એની વ્યાપકતા ગુમાવી બેઠું; છતાં એના કેન્દ્રસ્થાને રહેલું પ્રભાસ પાટણ, સોમનાથ પાટણ કે વેરાવળ પાટણ તરીકે જાણીતું એ પ્રાચીન નગર હિંદુઓ તથા જૈનોના તીર્થ તરીકે સુપ્રસિદ્ધ છે. પ્રભાસ પાટણથી ઈશાનમાં બેએક કિમી. ઉપર આવેલ ‘નગરા’ના ટીંબામાં છેક હડપ્પાકાલથી માંડીને ક્ષત્રપકાલ સુધીના પુરાવશેષ પ્રાપ્ત થયા છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લામાં સમુદ્રતટ પર આવેલું પ્રભાસ પાટણ હીરણ અને સરસ્વતી નદીના સાગરસંગમ ઉપર આવેલું તીર્થનગર છે.
પ્રાગૈતિહાસિક કાલમાં મૃતસ્મર નામે પર્વત સરસ્વતી નદીના પ્રવાહને રોકતો હતો, કોઈ ભૌગોલિક પરિવર્તનના કારણે એ પર્વત બળી જતાં નદીને સમુદ્ર સુધી પહોંચવાનો મોકળો માર્ગ મળી ગયો એવી પુરાણકથા કોઈ ઐતિહાસિક તથ્ય ધરાવતી લાગે છે. સરસ્વતી નદી ગીરના ડુંગરામાંથી નીકળી દક્ષિણમાં પ્રાચીતીર્થ પાસે થોડીક પૂર્વગામિની બની પ્રભાસ પાસે હીરણ નદીમાં મળે છે. હીરણ (હિરણ્યા) નદી પણ ગીરમાંથી નીકળી સાગરમાં સંગમ પામે છે.
પ્રભાસનો સહુથી પ્રાચીન ઉલ્લેખ મહાભારતના આદિપર્વમાં મળે છે. અર્જુન વનવાસ દરમિયાન અપરાંતથી પ્રભાસ થઈ દ્વારકા જાય છે. યાદવાસ્થલીનો કરુણ પ્રસંગ તથા શ્રીકૃષ્ણનો દેહોત્સર્ગ પ્રભાસમાં દર્શાવેલ છે. દીર્ઘકાલીન અનુશ્રુતિની પરંપરા ત્યાં ભાલકા તીર્થ તથા દેહોત્સર્ગનું સ્થાન દર્શાવે છે. જૈન પરંપરા અનુસાર ત્યાં ચંદ્રપ્રભ તીર્થંકરનું દેરાસર ઘણો મહિમા ધરાવે છે.
‘પ્રભાસ’ નામ સૂચવે છે તેમ, એ મૂળમાં સૂર્યતીર્થ હતું. આગળ જતાં એ સોમેશ્વર કે સોમનાથ નામે શિવના તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામ્યું ને પ્રભાસ ‘દેવપત્તન’ કે ‘શિવપત્તન’ તરીકે ઓળખાયું. પૌરાણિક પરંપરા ‘સોમનાથ’ નામને સોમ (ચન્દ્ર) સાથે સાંકળે છે, પરંતુ ઐતિહાસિક ર્દષ્ટિએ એ શિવનો સત્તાવીસમો અવતાર મનાતા સોમશર્મા નામે પાશુપત આચાર્ય પરથી ‘સોમનાથ’ નામ પ્રયોજાયું લાગે છે. સોમશર્મા લકુલીશના પુરોગામી હતા. સોમનાથ મંદિર મૈત્રકકાલમાં બંધાયું લાગે છે. એ પછી એનો અનેક વાર વિધ્વંસ તથા જીર્ણોદ્ધાર થયો. વર્તમાન મંદિર સ્વાતંત્ર્યોત્તર કાલમાં નવનિર્માણ પામ્યું છે. સૌરાષ્ટ્રના સોમનાથની ગણના ભારતનાં દ્વાદશ જ્યોતિર્લિગોમાં થાય છે. આસપાસમાં ત્યાં બીજાં પણ અનેક પ્રાચીન દેવાલયો બંધાયાં છે.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી