પંડ્યા, મોહનલાલ કામેશ્વર (જ. 21 જૂન 1872, કઠલાલ, જિ. ખેડા; અ. 14 મે 1935) : શરૂમાં ક્રાંતિકારી અને પછી ગાંધીવાદી સ્વાતંત્ર્યસેનાની. પ્રખર દેશભક્ત. તેમના પિતા કઠલાલના 30 એકર જમીન ધરાવતા સમૃદ્ધ ખેડૂત તથા શરાફ હતા. મોહનલાલ મુંબઈ યુનિવર્સિટીના ખેતીવાડીના સ્નાતક થયા.
ઈ. સ. 1902માં ગોંડલ રાજ્યમાં અને ત્યારબાદ વડોદરા રાજ્યમાં ખેતીવાડી ખાતામાં અધિકારી હતા. શ્રી અરવિંદ ઘોષ વડોદરાની કૉલેજમાં પ્રાધ્યાપક હતા ત્યારે તેમના તથા તેમના ભાઈ બારીન્દ્ર ઘોષના સંપર્કથી તેઓ ક્રાંતિકારી દેશભક્ત બન્યા. ગુજરાતમાં તે સમયે શરૂ થયેલા ક્રાંતિકારી જૂથમાં આણંદના નરસિંહભાઈ પટેલ, અમદાવાદના કૃપાશંકર પંડિત, કઠલાલના વકીલ પૂંજાભાઈ ભટ્ટ વગેરે સાથે મોહનલાલ પણ મહત્વનું સ્થાન ધરાવતા હતા. નરસિંહભાઈ પટેલે બંગાળી સાહિત્યમાંથી અનુવાદ દ્વારા ‘વનસ્પતિની દવાઓ’, ‘સાબુ બનાવવાની રીત’, ‘યદુકુળનો ઇતિહાસ’ વગેરે શીર્ષક ધરાવતી બૉંબ બનાવવાની રીત સમજાવતી પુસ્તિકાઓ તૈયાર કરી, જેમનો મોહનલાલે ગુપ્ત રીતે છપાવીને પ્રચાર કર્યો. અમદાવાદમાં 13 નવેમ્બર, 1909ના રોજ રાયપુર દરવાજા બહારથી વાઇસરૉય લૉર્ડ મિન્ટોની સવારી પસાર થતી હતી ત્યારે તેના ઉપર બે બૉંબ નાખવામાં આવ્યા હતા. તેમાં મોહનલાલ પંડ્યા તથા તેમના સાથીઓ વકીલ પૂંજાભાઈ ભટ્ટ, વસંતરાય વ્યાસ વગેરે મુખ્ય હતા, પરંતુ સરકાર ગુનેગારોને પકડી શકી નહોતી. પણ પછી ઉપર્યુક્ત ગુપ્ત સાહિત્યની પોલીસને જાણ થતાં અને પંડ્યા તેમાં સંડોવાયા હોવાની માહિતી મળતાં વડોદરાની સરકાર પર દબાણ કરી તેમને 1911માં નોકરીમાંથી બરતરફ કરાવવામાં આવ્યા.
વડોદરા રાજ્યની નોકરીમાંથી બરતરફ થયા બાદ તેઓ 1911થી 1915 સુધી સૌરાષ્ટ્રમાં અજ્ઞાતવાસમાં રહ્યા. પોલીસતંત્રે તેમને પકડવા પ્રયાસો કરવા છતાં તેમાં સફળતા મળી નહોતી. આ ગુપ્તવાસ દરમિયાન તેમણે ‘કર્મવીર ગાંધી’ તથા ‘ગોખલે’ ભાગ 1 અને 2 મળી ત્રણ પુસ્તકો લખ્યાં. બ્રિટિશ સરકારે આ ત્રણેય પુસ્તકો જપ્ત કર્યાં. ગાંધીજી 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા બાદ, પંડ્યા એમના પ્રભાવ હેઠળ આવ્યા અને 1917થી ગાંધીજીના તથા વલ્લભભાઈ પટેલના મહત્વના સાથીદાર બન્યા. 1917માં તેમણે અને તેમના મિત્ર શંકરલાલ પરીખે ગોધરામાં ભરાયેલ ગુજરાત રાજકીય પરિષદમાં હાજરી આપી. એ વરસે અતિવૃષ્ટિને લીધે ચોમાસું નિષ્ફળ ગયું હોવાથી ખેડા જિલ્લામાં મહેસૂલ મુલતવી રાખવા માટે ખેડૂતોની 22,000 સહીઓ સાથે મોહનલાલ પંડ્યા તથા શંકરલાલ પરીખે સરકારને અરજી કરી. ખેડા સત્યાગ્રહનો ઉદભવ મોહનલાલ પંડ્યા તથા શંકરલાલ પરીખથી થયો. ખેડા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ સતત ગામડાંઓમાં ફરીને ખેડૂતોને મક્કમ રહેવાનું સમજાવતા હતા. આ લડતથી વલ્લભભાઈ પટેલના તેઓ ઘનિષ્ઠ મિત્ર બન્યા.
માતર તાલુકાના નવાગામના ખેડૂતે તેના ખેતરમાં ઉગાડેલી ડુંગળી જપ્ત કરવાનો હુકમ સરકારે કાઢ્યો; પરંતુ હુકમમાં તે ખેતરનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો, તેથી ગાંધીજીની રજા લઈને મોહનલાલે બીજા માણસોની મદદથી ખેતરમાંથી ડુંગળી ખોદી કાઢી. તેથી તેમને અને બીજા બે જણને વીસ દિવસની અને બાકીનાને દસ દિવસની સજા થઈ. પંડ્યા અને તેમના સાથીઓ ગુજરાતમાં જેલની સજા પામનાર પહેલા સત્યાગ્રહીઓ હતા. લોકોએ આદરપૂર્વક તેમને ‘ડુંગળીચોર’નો ખિતાબ આપ્યો હતો ! 1923માં થયેલા નાગપુર ઝંડા સત્યાગ્રહમાં મોહનલાલ પંડ્યાની આગેવાની હેઠળ ગુજરાતમાંથી 75 સ્વયંસેવકોને મોકલવામાં આવ્યા હતા. ત્યાં તેમની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યા. બોરસદ તાલુકામાં બહારવટિયાઓનો ત્રાસ હોવાથી સરકારે વધારાની પોલીસટુકડી મૂકીને તે માટેનો ખર્ચ વસૂલ કરવા વેરો નાખ્યો. ત્યારે વલ્લભભાઈ પટેલે રવિશંકર મહારાજ અને મોહનલાલ પંડ્યાને ગામડાંઓમાં ફરીને વાસ્તવિક હકીકતો મેળવવાનું કામ સોંપ્યું હતું. તેમણે તપાસ કરીને વલ્લભભાઈને હેવાલ આપ્યો કે પોલીસો ગુપ્ત રીતે બહારવટિયાઓને મદદરૂપ થતા હતા. ત્યારબાદ બોરસદ સત્યાગ્રહ દરમિયાન પંડ્યાને વલ્લભભાઈએ મહત્વનું પ્રચારકાર્ય સોંપ્યું હતું. 1924માં મોહનલાલ બારૈયાઓમાં સુધારાનું કાર્ય કરતા હતા. 1928ના બારડોલી સત્યાગ્રહમાં પણ તેમણે સત્યાગ્રહી તરીકે ઘણી મહત્વની કામગીરી બજાવીને લોકોનો જુસ્સો ટકાવી રાખ્યો હતો. તેમણે બારડોલી તાલુકાના આદિવાસીઓના ઉત્કર્ષનાં કાર્યો તરફ વધુ ધ્યાન આપવા માંડ્યું હતું. સવિનય કાનૂનભંગની ચળવળ દરમિયાન તે 1930 અને 1932માં જેલમાં ગયા હતા. ખેડા, બોરસદ અને બારડોલી સત્યાગ્રહમાં સરદાર પટેલની સફળતામાં મોહનલાલ પાયાની ઈંટ સમાન હતા.
જયકુમાર ર. શુક્લ