પ્રબુદ્ધ જીવન : જીવનઘડતરને લગતું જૂનું ગુજરાતી સામયિક. અસત્ય સામે પ્રતિકાર કરવા તથા સમાજઘડતરની વિવિધ પ્રવૃત્તિઓને વાચા તથા પ્રોત્સાહન આપવાના હેતુથી વિવેકશીલ વિચારક અને સુધારાના પ્રખર હિમાયતી, પરમાનંદ કુંવરજી કાપડિયાએ 1931ની પહેલી નવેમ્બરે ‘શ્રી મુંબઈ જૈન યુવક સંઘ’ના મુખપત્ર તરીકે મુંબઈથી ‘પ્રબુદ્ધ જૈન’ નામનું પાક્ષિક શરૂ કર્યું હતું. પરંતુ તેમણે 1953ના મે માસની પહેલીના રોજ એ પાક્ષિકને ‘પ્રબુદ્ધ જીવન’ નામ આપ્યું, કારણ કે એ નામ બિનસાંપ્રદાયિક લાગતું હતું. ‘પ્રબુદ્ધ જીવન’માં માત્ર જૈન સમાજને લગતાં જ નહિ, પરંતુ સમગ્ર માનવજીવનને સ્પર્શતાં લખાણો પ્રગટ થતાં હતાં. પરમાનંદભાઈનું ધ્યેય સમાજપરિવર્તન દ્વારા જીવનનું ઘડતર કરવાનું હોઈ વૈચારિક અભિગમને પોષક એવી વાચનસામગ્રી એમાં વિશેષ ભાવે રજૂ થતી. એક વિચારપત્ર તરીકે પત્રકારત્વમાં તેણે અગ્રગણ્ય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સમાજ, ધર્મ, રાજકારણ વગેરે વિશેની વિચારસામગ્રી એમાં નિખાલસતા અને નિર્ભયતાથી તટસ્થ ભાવે ને તર્કબદ્ધતાથી પીરસાતી હતી.
પરમાનંદભાઈએ પોતાનો જીવનદીપ 1971માં બુઝાયો ત્યાં સુધી તેનું તંત્રીપદ સંભાળ્યું.
તેમના અવસાન પછી ‘પ્રબુદ્ધ જીવન’ના તંત્રી તરીકેની સઘળી જવાબદારી સ્વ. કાપડિયા જેવા કર્મઠ ચીમનલાલ ચકુભાઈ શાહે સંભાળી લીધી, અને આ પાક્ષિકમાં વિવિધ વિષયોને સ્પર્શતાં તથા માનવજીવનને ઊર્ધ્વગામી બનાવે તેવાં લખાણો દર પખવાડિયે તેમાં આપતા. ચીમનલાલ શાહ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સ્પર્શતા પોતાના વિચારો પણ અવારનવાર આ પાક્ષિક દ્વારા વ્યક્ત કરતા.
‘પ્રબુદ્ધ જીવન’ના તંત્રી તરીકે ચીમનલાલે કેટલાક લેખોમાં પોતાના અંગત જીવનનાં સંવેદનો પણ વ્યક્ત કર્યાં છે. કેટલાક લેખોમાં એમણે તત્વચર્ચા કે ધર્મચર્ચા પણ કરી છે. વળી કેળવણીના ક્ષેત્ર સાથે તેઓ સંકળાયેલા હોઈ કેળવણી-ચિંતન પણ તેમના લેખોમાં મળે છે. બારેક વર્ષ સુધી તેમણે આ પાક્ષિકનું તંત્રીપદ સંભાળ્યું. એ પછી જાણીતા સાહિત્યકાર, વિચારક અને જૈન તત્વદર્શનના અભ્યાસી રમણલાલ ચીમનલાલ શાહ ‘પ્રબુદ્ધ જીવન’ના તંત્રી થયા. તેમણે ‘પ્રબુદ્ધ જીવન’ની એક આગવી પ્રતિભા ઉપસાવી. તેમના અભ્યસનીય લેખો સમાજસુધારણા માટે અત્યંત ઉપયોગી ગણાયા છે.
‘પ્રબુદ્ધ જીવન’ને એક પછી એક નિષ્ઠાવાન અને સમાજઉત્થાન માટે પ્રતિબદ્ધ એવા તંત્રીઓ પ્રાપ્ત થતા રહ્યા તે તેની સિદ્ધિ ને પ્રભાવકતાના સંદર્ભમાં ઉલ્લેખનીય બાબત છે.
મુકુન્દ પ્રા. શાહ