પ્રબોધચંદ્રોદય : સંસ્કૃત ભાષામાં લખાયેલું શ્રીકૃષ્ણમિશ્ર યતિનું રૂપકાત્મક નાટક. રચનાકાળ : અગિયારમી સદી. કે. એસ. શાસ્ત્રી દ્વારા તેનું સંપાદન કરાતાં ત્રિવેન્દ્રમથી 1936માં પ્રકાશિત થયું. વળી નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ દ્વારા પણ તેનું પ્રકાશન થયું છે.

એવી માન્યતા છે કે ચંદેલનરેશ મહારાજ કીર્તિવર્મા (1048–1116), ચેદીરાજ કર્ણ પર વિજય પ્રાપ્ત કરવામાં થયેલા રક્તપાતથી દુ:ખી થયા અને તેમની વૈરાગ્યની ક્ષણોમાં તેમના રાજકવિ શ્રીકૃષ્ણમિશ્ર યતિએ આ નાટક રચ્યું હતું, મહાભારતની જેમ આ નાટકમાં એક જ પરિવારનાં સારાં અને નરસાં એમ બે તત્વો વચ્ચેનો સંઘર્ષ આલેખવામાં આવ્યો છે.

વિષય-વસ્તુ : પુરુષ (પરમ તત્વ બ્રહ્મ) અને માયાનો મનસ્ નામનો એક પુત્ર થાય છે. મનસને પ્રવૃત્તિ અને નિવૃત્તિ નામની બે પત્ની હોય છે. પ્રવૃત્તિ થકી મહામોહ જન્મ લે છે અને તેના વંશવિસ્તાર રૂપે કામ, રતિ, દંભ, અહંકાર, ક્રોધ, લોભ વગેરેનો જન્મ થાય છે. નિવૃત્તિ દ્વારા વિવેકનો જન્મ થાય છે, અને તેનાં સંતોષ, ક્ષમા વગેરે સંતાનો જન્મ લે છે. વિશ્વની ઉત્તમ મુક્તિનગરી કાશી પર દંભના નેતૃત્વમાં મહામોહે અરાજકતા ફેલાવી છે. પરંતુ વિવેક અને તેની પત્ની ઉપનિષદ્ દ્વારા થનારી સંતતિ મહામોહનો નાશ કરશે એવી આકાશવાણીથી મહામોહ ચિંતિત છે. એક તરફ, તે બંનેનું મિલન ન થાય તે માટે મહામોહ પૂરી શક્તિથી લાગી ગયો છે ત્યારે બીજી તરફ શ્રદ્ધા અને ધર્મના પ્રયત્નોથી બંનેનું મિલન થાય છે. તેમને ત્યાં પ્રબોધ નામે પુત્ર અને વિદ્યા નામે પુત્રી જન્મ લે છે. ક્રોધિત મહામોહ વિવેક સાથે યુદ્ધ પોકારે છે. મહામોહ અને તેના સૈન્યને વિદ્યા ગળી જાય છે. હવે રાજ્ય પર વિવેકનો અધિકાર બને છે.

યુદ્ધમાં પત્ની પ્રવૃત્તિ અને પુત્ર મહામોહના મૃત્યુથી મનસ્ ખૂબ દુ:ખી થાય છે. વેદાન્તવિદ્યાનું જ્ઞાન થતાં તે બીજી પત્ની નિવૃત્તિ સાથે વાનપ્રસ્થ લે છે. બીજી બાજુ મહામોહે પૂર્વે નિયુક્ત કરેલી મધુમતીએ આદિ પિતા પુરુષ(બ્રહ્મા)ને પોતાના અધિકારમાં લીધેલા છે અને તેમાં માયા તેની સહાય કરે છે. તર્ક વારંવાર પુરુષને સમજાવે છે અને તેના બંધનથી મુક્ત કરાવે છે. બ્રહ્માના અંત:કરણને તત્વજ્ઞાન વડે વિદ્યા શુદ્ધ કરી મુક્ત કરે છે. આ કાર્યમાં શ્રદ્ધાની પુત્રી શાંતિ તેની સહાય કરે છે.

વિષ્ણુભક્તિ અને વૈષ્ણવ સંપ્રદાયની ર્દષ્ટિથી વેદાન્તનું મહત્વ બતાવવું તે આ રચનાનું મુખ્ય સાધ્ય છે. અધર્મનો નાશ થાય છે અને ધર્મનો જય થાય છે. છ અંકમાં વહેંચાયેલા આ નાટકમાં નાટ્યતત્વોની ઊણપ રહેવા છતાં તેનું મહત્વ ઓછું અંકાય તેમ નથી. પ્રસાદગુણપૂર્ણ શૈલી, વિભિન્ન અલંકારો અને છંદોથી સુશોભિત દાર્શનિક કથા-વસ્તુ ધરાવતું આ એક અનોખું રૂપકાત્મક નાટક છે.

આ નાટકની રચના કરવામાં લેખકે શ્રીઅશ્વઘોષ પાસેથી પ્રેરણા લીધી હોય તેમ લાગે છે. દર્શનનાં પારિભાષિક તત્વોને પાત્રના રૂપમાં ઢાળી અદ્વૈત વેદાંતનો પ્રચાર અને અન્ય દર્શનોનો – ખાસ કરીને બૌદ્ધ દર્શનનો વિરોધ કરતું આ નાટક અગિયારમી સદીમાં ખૂબ પ્રચલિત થયું. તેનાથી પ્રેરાઈને વેદાન્તદેશિકે ‘સંકલ્પસૂર્યોદય’ નામનું રૂપકાત્મક નાટક લખ્યું અને પછી રૂપકાત્મક નાટકોની એક પરંપરા પુરજોશમાં ચાલી. અંગ્રેજી, જર્મન વગેરે ભાષામાં આ નાટકના અનુવાદો થયા અને તેમાં પશ્ચિમી વિદ્વાનો, જેમ કે, ગોલ્ડસ્ટકર, ટેલર, મેક્ડોનલ, કીથ વગેરેનું યોગદાન નોંધપાત્ર છે. દસથી વધુ ટીકાઓ પણ આ નાટક પર લખાઈ છે. તેનાથી આ નાટકની પ્રસિદ્ધિનો ખ્યાલ આવે છે. શ્રીકૃષ્ણમિશ્ર યતિના અદ્વૈતવેદાંતના પ્રચુર જ્ઞાનને કારણે તેમના આ નાટકમાંથી કેટલાક શ્લોકોને શ્રીહર્ષ અને માધવાચાર્યે તેમની કૃતિઓમાં ઉદ્ધૃત કર્યા છે. આમ, ફક્ત એક નાટક જ નહિ, પરંતુ દર્શનશાસ્ત્રને લગતા એક ગ્રંથ તરીકે પણ આ નાટક મહત્વનું ગણાયું છે. એક પરંપરાગત માન્યતા મુજબ પોતાના શૃંગારિક સાહિત્યના શોખીન શિષ્યને તત્વજ્ઞાન આપવા માટે લેખકે આ નાટકની રચના કરેલી.

રવીન્દ્રકુમાર ગદાધર પંડા