પ્રબળતા (loudness) : કોઈ પણ અવાજની માત્રા કે તેના પ્રમાણનો માનવીના કાન દ્વારા મળતો અંદાજ. પ્રબળતા એ અવાજનું શારીરિક સંવેદન છે, જે આત્મલક્ષી (subjective) હોય છે. આની સરખામણીમાં ધ્વનિની તીવ્રતા (intensity) એ એક ભૌતિકરાશિ છે, જેને વૉટ/(મીટર)2 કે અન્ય એકમમાં માપી શકાય. કાન પર પડતા અવાજની તીવ્રતા વધુ હોય તેમ તે અવાજ વધુ પ્રબળ લાગે છે. પ્રબળતા ધ્વનિની આવૃત્તિ (frequency) પર એટલે કે તેના સ્વર (ઊંચાઈ, pitch) પર પણ આધાર રાખે છે. અવાજની ઊંચાઈ, પ્રબળતા અને તેની વિશેષતા (quality) – એ ત્રણેય જુદી જુદી બાબતો છે, જે આપણે કાનથી સાંભળીને તેઓની વચ્ચેનો તફાવત અનુભવી શકીએ છીએ. દા.ત., મચ્છરનો ગણગણાટ એ ઊંચી આવૃત્તિ(તીણા સ્વર)નો પણ ઓછી પ્રબળતાનો હોય છે; તો સિંહની ગર્જના એ વધુ પ્રબળતાવાળો અને નીચી આવૃત્તિવાળો ઘોઘરો (મંદ સ્વરનો) અવાજ હોય છે. ધ્વનિની પ્રબળતા આમ તો માનવીય અનુભૂતિ છે, છતાં એક સામાન્ય પ્રબળશક્તિ ધરાવતી વ્યક્તિને અનુલક્ષીને તેનો એકમ કે માપ નક્કી કરવામાં આવેલ છે, જેને સોન કહે છે.

આપણા કાન પર પડતા અવાજની તીવ્રતા 10–12 વૉટ/(મીટર)2 થી ઓછી હોય તો તે સાંભળી શકાતો નથી. તો તેથી વિરુદ્ધમાં, 1 વૉટ/(મીટર)2 જેટલી તીવ્રતાનો અવાજ ખૂબ જ પ્રબળ અને કાન ફાડી નાખે તેવો હોય છે અને તે પીડાકારક અનુભૂતિ કરે છે. આ બંને મર્યાદા વચ્ચેનો ગાળો ઘણો વિશાળ છે, તેથી ધ્વનિની તીવ્રતાના સ્તર(level)ને લઘુગણકીય (logarithmic) માપક્રમ પર નક્કી કરવાનું સુગમ પડે છે. પ્રમાણભૂત તીવ્રતાની સાપેક્ષે તીવ્રતાસ્તરના આ રીતે નક્કી કરેલા એકમને ડેસિબેલ કહે છે. તેના આધારે ધ્વનિની પ્રબળતાનો એકમ સોન એટલે કોઈ સામાન્ય શ્રોતાના બંને કાન પર પડતા 1000 હર્ટ્ઝ (Hz) આવૃત્તિના તથા 40 ડેસિબેલ (db) તીવ્રતા-અસર ધરાવતા ધ્વનિનું પ્રમાણ. આ માપક્રમ પર 2 સોન જેટલો અવાજ 1 સોનની સરખામણીએ બમણો પ્રબળ ગણાય. અગાઉ નોંધ્યા મુજબ, પ્રબળતાની અનુભૂતિ ધ્વનિની આવૃત્તિ પર પણ આધાર રાખે છે. આમ, 1 સોન પ્રબળતા 200 હર્ટ્ઝ પર આશરે 53 dbને અનુરૂપ તો 3000 હર્ટ્ઝ પર 35 dbને અનુરૂપ થવા જાય છે. ઘોંઘાટ પણ એક જાતની માનવીય સંવેદના છે, તેથી ઉપર્યુક્ત એકમ સોન ઘોંઘાટ-સ્તર(noise level)ના એકમ તરીકે પણ ઊપસતો જાય છે. વળી ખુદ ડેસિબેલને પણ ઘોંઘાટ-સ્તરના એક માપ તરીકે ગણવામાં આવે છે; જેમ કે, 120 db(કે વધુ)નો અવાજ ખૂબ જોરદાર તેમજ પીડાકારક બને છે.

પ્રબળતાને અન્ય એક એકમ ફોન(phon)માં પણ દર્શાવવામાં આવે છે.

કમલનયન ન. જોશીપુરા