પ્રથમ પ્રતિશ્રુતિ (1968) : બંગાળી કથાલેખિકાની યશદા નવલકથા. આશાપૂર્ણાદેવીની આ નવલકથાને ભારતીય જ્ઞાનપીઠે 1967થી 1969ના સમયગાળામાં પ્રગટ થયેલા ભારતીય સાહિત્યના શ્રેષ્ઠ પુસ્તક માટેના એવૉર્ડ માટે પસંદ કરેલી. તે ઉપરાંત આ નવલકથા માટે તેમને રવીન્દ્ર પુરસ્કાર તથા બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયનો સુવર્ણચંદ્રક પણ મળેલા. આનું નાટ્યરૂપાંતર દૂરદર્શન પરથી હપતાવાર પ્રસારિત થયેલું.
‘પ્રથમ પ્રતિશ્રુતિ’ની નાયિકા સત્યવતી અન્યાય સામે ઝૂઝનાર સ્પષ્ટવક્તા રામકલીની પુત્રી છે. એેનામાં પિતાના બધા ગુણો ઊતર્યા છે. સમજણી થઈ ત્યારથી આસપાસ સ્ત્રીઓની દુર્દશા તથા એમની પર ત્રાસ ગુજારાતો જોયાં અને ત્યારથી જ એણે અન્યાય સામે સંઘર્ષ કરવાનો એની રીતે પ્રયત્ન કર્યો. એનાં બાળપણમાં લગ્ન થયેલાં. ઘરના બહુ રૂઢિચુસ્ત લોકો એમ માનતા કે છોકરીઓને ભણાવાય નહિ. એથી એણે છાનીછૂપી રીતે ભણવા માંડ્યું. પિતા સિવાય બીજાએ વિરોધ કર્યો, પણ એ મક્કમ હતી.
બારમે વર્ષે સાસરે ગઈ. ત્યાં પણ એની સાસુ એને દબાવવા ગઈ; પણ એણે સામનો કર્યો. સસરાના અવૈધ સંબંધ માટે એને મોં પર સંભળાવ્યું. એને બે છોકરાઓ થયા. એ બંને ભણવા જેવા થયા, ત્યારે એણે પતિ નવકુમારની જોડે કલકત્તા જવાનું ઠરાવ્યું. એના પિયરમાં એમના કુટુંબી શિક્ષક હતા તેમનું ઘર તેણે ભાડે રાખ્યું, ને પતિની નોકરીનું પણ ઠરાવ્યું; અને એ રીતે તેઓ કલકત્તાવાસી થયાં. એ વખતે સાસુ-સસરાએ અજાણ્યાની જેમ તેમની આગળ વર્તન કર્યું.
કલકત્તામાં એનાં બાળકોને શિક્ષક ભણાવવા આવતા. તેની પાસે એ પણ ભણવા બેસતી. એમની જોડે પતિનો મિત્ર નિતાઈ પણ રહેવા આવ્યો. તેણે એના શિક્ષક જોડેના સંબંધ વિશે નવકુમારને ભંભેરવા માંડ્યો. સત્યવતીએ ઘર બદલ્યું, ને નિતાઈ માટે વીશીમાં વ્યવસ્થા કરી. નવા મકાનમાલિકને ત્યાં જે નોકરાણી હતી તે એના પિયરની હતી. તેની જુવાન છોકરી પર માલિકના છોકરાઓએ કુર્દષ્ટિ કરી એટલે એ નોકરાણીએ આત્મહત્યા કરી. એ વખતે પતિની ઇચ્છા વિરુદ્ધ એની છોકરી સુહાસને એણે ઘરમાં રાખી, ને એને શાળામાં દાખલ કરી.
સત્યવતીની માનું મૃત્યુ થતાં એના પિતા કાશી રહેવા ગયા.
સત્યવતીએ એક બાળકીને જન્મ આપ્યો. એનું નામ સુવર્ણલતા રાખ્યું. સત્યવતીએ પણ શાળામાં નોકરી લીધી. એ એનાં સંતાનો સારું ભણે, દેશસેવા કરે એવાં સ્વપ્નાં જોવા લાગી.
એવામાં સત્યવતી માંદી પડી. એણે એ વખતે નવકુમાર પાસે વચન માગ્યું કે સુવર્ણલતાને સોળ વર્ષ પહેલાં નહિ પરણાવે.
નિતાઈની સાળીને સાસરિયાંઓએ રિબાવી રિબાવીને મારી નાંખી, ત્યારે એની બહેને પોલીસમાં ફરિયાદ નોંધાવવાની ના પાડી છતાં એણે પોલીસમાં ફરિયાદ નોંધાવી.
બધાંના આગ્રહને વશ થઈ છોકરીનાં લગ્ન માટે એ તૈયાર થઈ. લગ્ન એના સાસરાના ગામમાં કરવાનાં હતાં. એટલે કલકત્તામાં જે વિધિ કરવાનો હતો તેની તૈયારી કરવા એ કલકત્તામાં હતી અને નવકુમાર સુવર્ણલતાને લઈ ગામ ગયો. ત્યાં નવકુમાર દસ દિવસ માટે રોકાવાનો હતો, પણ મહિનો થયો છતાં પાછો ન આવ્યો. એવામાં એને તરત ગામ આવવા તાર મળ્યો. એની બળદગાડી જ્યારે ગામ પહોંચી ત્યારે લગ્નવિધિ પતી ગયો હતો અને કન્યાવિદાયની તૈયારી થતી હતી. પહેલાં તો એ હેબત ખાઈ ગઈ. પણ તરત જ સ્વસ્થ થઈ એણે પિતાની સાથે કાશીમાં રહેવાનો નિર્ણય કર્યો. વરકન્યાને મળ્યા વગર બધાંની વિનંતી છતાં એણે ચાલવા માંડ્યું.
નવકુમારે માફી માંગીને કહ્યું, ‘જે થઈ ગયું તે થઈ ગયું. એનો ઉપાય નથી તો શા માટે ?…’ ત્યારે એણે જવાબ આપ્યો, ‘હવે બાકીની જિંદગી ઉપાય છે કે નહિ તેનો વિચાર કરીશ.’ આમ, સત્યવતી એ નારીને થતા અન્યાયની સામેના વિદ્રોહનું પ્રતીક છે.
ચન્દ્રકાન્ત મહેતા