પ્રથમપુરુષ કથનપદ્ધતિ (First Person Narration)

February, 1999

પ્રથમપુરુષ કથનપદ્ધતિ (First Person Narration) : નવલકથામાં પ્રયોજાતી કથનની વિશિષ્ટ પદ્ધતિ. મોટાભાગની નવલકથાઓ સીધી કથનપદ્ધતિથી લખાય છે. તેમાં લેખક પોતે જ વાર્તાકથન કરે છે. પોતે સર્વજ્ઞ હોય તે રીતે પાત્રપ્રસંગની ગોઠવણી કરીને લેખક વાર્તા કહેતો જાય છે. કેટલીક વાર વચ્ચે વચ્ચે સ્વગતોક્તિઓ, સ્વપ્નો, પત્રો, રોજનીશીના ટુકડા વગેરે મૂકીને પાત્રોના આંતરજીવનમાં ડોકિયું કરાવવાનો પ્રયત્ન થાય છે, પણ મોટાભાગે આખી વાર્તા તે પોતે જ કહે છે. તેમાં વાચક લેખકની આંગળી ઝાલીને આગળ ચાલતો જાય છે. તે વાર્તારસમાં ડૂબે છે ખરો, પણ પાત્રના આંતરિક અનુભવના અપરોક્ષ સાક્ષી કે સહભાગી થવાનું બનતું નથી. આ પ્રકારની કથનપદ્ધતિને સીધી કે તૃતીયપુરુષ કથનપદ્ધતિ (Third Person Narration) કહે છે.

વીસમી સદીના પ્રથમ ચરણના કેટલાક યુરોપીય નવલકથાકારોને આ સીધી કથનપદ્ધતિ પરંપરાથી જુદી અને તેથી તેમના મતે સાચી નવલકથાની રચનામાં અંતરાયરૂપ લાગી. વાચક અને પાત્રની વચ્ચેથી લેખકને અર્દશ્ય કરવાનો કીમિયો શોધવાનો તેમણે પ્રયત્ન કર્યો. વાસ્તવિક જીવનની બાહ્ય હકીકતોને બદલે આંતરસંવેદનાને નવલકથાના કેન્દ્રમાં સ્થાપવા તેઓ મથી રહ્યા હતા. આને માટે પાત્ર પોતે જ વાચક સમક્ષ આપવીતી કહે તો વધુ અસર પડે એમ તેમનું માનવું હતું.

હેન્રી જેમ્સ, માર્શલ પ્રૂસ્ત, જેમ્સ જૉઇસ વગેરેએ નવલકથાના હાડ તરીકે સ્થૂળ ઘટનાને બદલે સંવેદનાની ક્ષણો પસંદ કરેલી. 1913માં માર્શલ પ્રૂસ્તની નવલકથા ‘રિમેમ્બ્રન્સ ઑવ્ થિંગ્ઝ પાસ્ટ’ આઠ ભાગમાં પ્રગટ થઈ. બીજા જ વર્ષથી જેમ્સ જૉઇસની ‘ધ પોર્ટ્રેટ ઑવ્ ધી આર્ટિસ્ટ ઍઝ અ યંગમૅન’ ક્રમશ: પ્રગટ થવા લાગી. તે પછી બાર પ્રકરણરૂપ ભાગોમાં ડોરોથી રિચર્ડસનની ‘પિલ્ગ્રિમેજ’ (1915) પ્રગટ થવા લાગી. એ રીતે આંતરચેતનાપ્રવાહ(stream of consciousness)ને ઝીલવા મથતી આધુનિક યુરોપીય નવલકથાનો જન્મ 1913–15 દરમિયાન થયો. બાહ્ય વાસ્તવમાંથી આંતરવાસ્તવ તરફનું, સ્થળકાળના સ્થૂળ ચિત્રમાંથી ચિત્તનાં સંચલનો ઉપસાવતા આંતરિક વાતાવરણના નિરૂપણ તરફનું એ પ્રથમ પ્રસ્થાન. તે પ્રથમપુરુષ કથનપદ્ધતિના નવલકથામાં થયેલ વિનિયોગની ભૂમિકા બાંધી આપે છે.

અંગ્રેજી નવલકથાના પિતા તરીકે જાણીતા સૅમ્યુઅલ રિચર્ડસને ‘પામેલા’ (1740) અને ‘ક્લેરિસા’ (1748) નામની નવલકથાઓમાં ચેતન અને અવચેતનના સ્તર પર ચાલતા પાત્રના મનોવ્યાપાર પત્રલેખન દ્વારા નિરૂપવાનો પ્રયત્ન કરેલો છે, જે આધુનિક આત્મકથનાત્મક વલણના સંદર્ભમાં ધ્યાન ખેંચે છે. પત્રલેખન દ્વારા ગૂંથાતી નવલકથા(epistolary novel)ની પદ્ધતિ પ્રથમપુરુષ અને તૃતીયપુરુષ (third person) કથનપદ્ધતિની વચ્ચે આવે.

આંતરચેતનાપ્રવાહના નિરૂપણ માટે પત્રલેખન-પદ્ધતિ પ્રથમ સોપાનરૂપ હતી. પ્રથમપુરુષ કથનની પદ્ધતિ એ દિશામાં વિશેષ પ્રસ્થાનરૂપ છે.

પ્રથમપુરુષપ્રયોગવાળી નવલો જુદા જુદા હેતુથી પ્રવર્તે છે. ‘દૉન કિહોતે’ અથવા ‘ભદ્રંભદ્ર’માં બને છે તેમ, લેખકને બદલે સાન્કો પાન્ઝા કે અંબારામ જેવું પાત્ર વાર્તાના નાયક વિશે કથન કરે છે. પોતે છેડવા માગતા કોઈક અસાધારણ વિષયને અથવા અનુભવને પ્રમાણભૂતતા અર્પવા અથવા કશોક નવો પ્રયોગ કરવાના હેતુથી અથવા વાચકનું કુતૂહલ ઉત્તેજવા માટે અથવા વક્તવ્યને સર્વજનીન ભૂમિકા પર લાવીને મૂકવા માટે અથવા વાચક કથકની સાથે સંનિકટતા (intimacy) સાધી તેની ચેતનાનો પ્રત્યક્ષ સંસ્પર્શ પામે તે માટે – એમ અનેક ઉદ્દેશોથી પ્રેરાઈને લેખક આત્મલક્ષી કથનપદ્ધતિનો નવલકથામાં પ્રયોગ કરે છે. તેમાં છેલ્લો હેતુ તેને આધુનિકતા બક્ષનારો હોઈ વિશેષ મહત્વનો છે. આ ર્દષ્ટિએ આંતરચેતનાપ્રવાહના નિરૂપણના સંદર્ભમાં થતો ‘હું’નો પ્રયોગ મહત્વનો છે. તેમાં પાત્રો કશાકની શોધમાં આંતરચેતનામાં થઈને પ્રવાસ કરતાં હોય એવી છાપ પડે છે.

પરંપરાનુસારી નવલોમાં લેખક વાર્તા કહેતો જાય તેમ વસ્તુ વિકસતું જાય છે : પોતે પાત્ર વિશે બધું જ જાણતો હોય એમ વર્તે છે. નવી નવલકથામાંથી કથન કરતો લેખક અર્દશ્ય થાય છે. તેમાં પાત્ર સ્મૃતિનો ઉપયોગ કરીને પોતાના ભૂતકાળ સાથે વાચકનો સીધો સંબંધ બાંધી આપે છે. તેમાંથી ઘણી વાર વાર્તા કે વસ્તુનો પિંડ બંધાતો નથી. આછા તંતુ રૂપે વસ્તુ લટકે છે. વાચક જાતે જ એ તંતુને એકત્ર કરવાનો પ્રયત્ન કરે છે. આ પ્રકારની નવલકથામાં ઘટનાઓ અને ક્રિયાઓની વચ્ચે ઘૂમતી વ્યક્તિઓને બદલે સંવેદનો અને વિચારોનાં ચિત્રો રૂપે પાત્રો ઊપસતાં હોય છે.

ઓગણીસમી સદીના નવલકથાકારોની નવલોમાં આંતરસૃષ્ટિનું નિરૂપણ જોવા મળે છે ખરું, પરંતુ એ લેખકોમાં પાત્રના વિચારનો વહેતો પ્રવાહ જોવા મળતો નથી. ઘણુંખરું લેખકે તેનો આપેલો હેવાલ જ હોય છે. વીસમી સદીમાં નવી નવલકથાના લેખકો પાત્રની આંતરચેતનાના સતતવાહી નિરૂપણ માટે આંતરિક એકોક્તિ (internal monologue) ભણી વળ્યા એ નવું પ્રસ્થાન છે. ચિત્તની સંવેદનાનો અનુભવ કરોળિયાના તંતુ જેવો અનંત હોય છે. તે જેમ હોય તેમ તત્ક્ષણ પાત્ર દ્વારા કહેવાતો હોય એવી ભ્રાંતિ આ લેખક ઊભી કરે છે તે એની કળા છે. 1925ના અરસામાં જેમ્સ જૉઇસની ‘યૂલિસીસ’ ‘લિટલ રિવ્યૂ’ નામના સામયિકમાં હપતે હપતે પ્રગટ થતી હતી તેની નવીન શૈલીનો સત્કાર કરતાં વર્જિનિયા વુલ્ફે એ કૃતિને  ‘જીવનની વધુ નજીક આવવાના પ્રયત્ન’ તરીકે ઓળખાવી હતી.

નવી નવલકથામાં સર્વજ્ઞ કથકને સ્થાને હેન્રી જેમ્સ, જૉસેફ કૉનરાડ અને મેલવિલ જેવા લેખકોએ ઊભું કરેલું પાત્રોનું મધ્યસ્થ માહિતીતંત્ર જોવા મળે છે. એમાં એક પાત્ર એવું પ્રગટ થાય છે, જે ટેલિફોન એક્ષચેન્જનું કામ કરે છે. તે બધા સંદેશા બહારની દુનિયામાંથી મેળવીને તે બધાને પોતાને સમજાયા હોય તે સ્વરૂપમાં ચેતનામાં ગાળીને વાચકને પહોંચતા કરે છે. આ માહિતીતંત્ર ઘણી વાર ખુદ લેખકની સાથે એકત્વ સાધે છે. ફ્લૉબેર જેવો લેખક તેની કથામાંથી સંપૂર્ણપણે બહાર નીકળી જાય છે અને જૉઇસ ઠંડે કલેજે નખ કરડતો એક બાજુ ઊભો રહે છે. આમ નવા જ પ્રકારની સંપ્રજ્ઞતા અને અલિપ્તતા ઊભી થતાં નવી નવલકથાનું બિંબ સ્પષ્ટ થાય છે. આત્મલક્ષી નવલકથામાં લેખક કળાકારનું તાદાત્મ્ય અને તાટસ્થ્ય સિદ્ધ કરી શકે નહિ તો નવલકથા લેખકની આત્મકથા બની રહે એ જોખમ રહેલું છે.

જૂની નવલકથામાં વાર્તા ગ્રહણ કરતી વખતે વાચક એકાદ પાત્ર સાથે તાદાત્મ્ય સાધી લે એટલા પ્રમાણમાં તે વાર્તામાં ખેંચાય છે. નવી નવલકથામાં કોઈ એક તબક્કે એક જ પાત્ર સાથે વાચકનો સંબંધ બંધાય છે અને તેની સાથે વાચક તાદાત્મ્ય સાધે છે. પછી બીજા પાત્ર સાથે વાચકનું ચિત્ત જોડાય છે. નવલકથાને અંતે વાચક અનેક મનુષ્યોની આંતરચેતનામાં ઊતરીને બહાર આવ્યો હોય એવો અનુભવ થાય છે. એ રીતે વાચકને પાત્રોના માનસિક અનુભવમાં પ્રત્યક્ષ સહભાગી બનવાની તક મળે છે. તેની આ વિશિષ્ટતા નવલકથાના સંવિધાનમાં નવું જ પરિમાણ ઉમેરે છે.

ઘણી વાર લેખક પ્રથમપુરુષની કથનપદ્ધતિ અખત્યાર કરવાને બદલે એકથી અધિક પાત્રોને એકબીજાં પર પ્રકાશ પાડે તે રીતે કથન કરતાં એટલે કે પાત્ર અને પ્રસંગને એક કે એકથી અધિક અંતરતમ ભૂમિકાઓના ભાવસંદર્ભમાં બતાવે છે. આ રીતિને હેન્રી જેમ્સ ‘પૉઇન્ટ ઑવ્ વ્યૂ’ કહે છે. જે ક્ષણથી પાત્રના ચિત્તની ભીતરમાં ઊતરીએ તે ક્ષણથી આપણે તેના ર્દષ્ટિબિંદુનો સ્વીકાર કરી લઈએ છીએ. કૉનરાડ ‘ચાન્સ’ નામની નવલકથામાં ચારેક પાત્રોનાં મુખમાંથી ગળાઈને આવતું હોય એ રીતે વસ્તુનું કથન કરે છે. આને કારણે પાત્ર અને પ્રસંગ અનેક પરિમાણોમાં પ્રગટ થઈને વિવિધ રંગોમાં ઊપસી આવે છે. તેનાથી નવલકથાના કથનમાં જીવંતતા અને વૈયક્તિક મુદ્રા અનોખી રીતે ઊપસી આવે છે.

વાસ્તવિકતાથી એક કદમ દૂર હોવાને કારણે પ્રકૃતિનું કળામાં થયેલું ચિત્રરૂપ પ્રતિનિધાન આકર્ષક લાગે છે. તે રીતે નવલકથાનો વિચાર કરીએ તો, લેખકે આપણને કહેલી વાત, આપણે જેને વાસ્તવિકતા કહીએ છીએ તેનાથી એક કદમ દૂર હોય છે. જ્યારે પાત્રના ર્દષ્ટિબિંદુ(point of view)થી વાર્તા કહેવાય ત્યારે તે વાસ્તવિકતાથી બે કદમ દૂર થયું એટલે વિશેષ આકર્ષણનો વિષય બને છે.

નવલકથાનું આત્મલક્ષી તરેહ ભણી પ્રયાણ યુરોપમાં વીસમી સદીના બીજા દાયકામાં થયું. ગુજરાતમાં તેની અસર લગભગ પચાસ વર્ષ પછી થઈ. સુરેશ જોષીએ ‘છિન્નપત્ર’માં તેનો પ્રથમ પ્રયોગ કર્યો. તેમાં ‘હું’ના મુખમાં મૂકેલાં કોમળ–માર્મિક સંવેદનો તેના આંતરિક વિશ્વની ઝાંખી કરાવે છે; પણ તેમાંથી નવલકથાનું પુદગલ બંધાતું નથી. નવી દિશા તરફનું સૂચન તેમાંથી મળે છે. મધુ રાયે ‘ચહેરા’ અને ‘સભા’માં ‘હું’નો પ્રયોગ કર્યો છે. તેમાં એક જ પાત્રના ર્દષ્ટિબિંદુમાંથી સમગ્ર વાર્તાના પ્રસંગો અને પાત્રોને પસાર થતાં બતાવ્યાં છે. પાત્રની ચેતનાના રંગમાં વાર્તાનો પ્રત્યેક તંતુ રંગાયેલો દેખાય છે. ‘સભા’માં આ શૈલી કુતૂહલને ઉત્તેજવા સાથે વાર્તાને ઍન્ટિરોમૅન્ટિક – પ્રતિકવિતાઈ વળાંક આપે છે. રાવજીની ‘ઝંઝા’ આ પ્રકારની નવલોમાં શ્રેષ્ઠ છે. ડાયરીને કથનનું માધ્યમ બનાવીને અત્યંત સ્વાભાવિક રીતે વાચકને તે નાયકના અનુભવનો સીધો સંનિકટ (intimate) સ્પર્શ કરાવે છે. વાર્તારસમાં વિક્ષેપ પાડ્યા વગર આદિથી અંત સુધી નાયકની આંતિરક જાગૃતિ (awareness) નવલકથાના સમગ્ર પટ પર છાઈ જાય છે. એવો બીજો પ્રયત્ન ‘ફેરો’માં થયેલો છે. તેમાં રાધેશ્યામ શર્માએ અત્યંત મર્યાદિત પટ પર નાયકની પાસે વસ્તુકથન કરાવ્યું છે. સંકેન્દ્રિત (concentrated) સ્વરૂપમાં રજૂ થવાને કારણે આ લઘુનવલમાં પ્રથમ ક્ષણથી જ કથકનો વાચક સાથે વિશ્રંભસંબંધ બંધાઈ જાય છે. અમુક અંશે એવું જ વલણ જ્યોતિષ જાનીની નવલકથા ‘ચાખડીએ ચઢીને ચાલ્યા હસમુખલાલ’માં જોવા મળે છે. અલબત્ત, એમાં ‘હું’ નથી. લેખક પોતે જ કથા કહે છે; પરંતુ વાર્તાનો મોટો ભાગ નાયકના આત્મસંભાષણમાં રોકાયેલો છે. લેખક વચ્ચે-વચ્ચે વિગતોના સાંધણ પૂરતું જ ડોકિયું કરે છે.

મુકાબલે ચઢિયાતા કલાપોતવાળી આ શૈલીની નવલો હિન્દીમાં ઠીક-ઠીક લખાયેલી છે; દા.ત., ‘શેખર એક જીવની’, ‘હમ તીનોં’, ‘બહતા હુઆ પાની’ વગેરે. રવીન્દ્રનાથની ‘ઘરે બાહિરે’ પણ આ પ્રકારની નવલકથા ગણી શકાય. તેમાં પાત્રના ચિત્તમાં ચાલતાં મંથનો આત્મછલના, ભ્રાંતિ અને સંઘર્ષમાં ગળાઈને નિરૂપાયેલાં છે. વિમલા, નિખિલ અને સંદીપ – ત્રણેય પાત્રોના આંતરજીવનને તેમાંથી કલાત્મક ઉઠાવ  મળે છે. પાત્રનું પરિવર્તન સપાટી પરનું નહિ પણ હૃદયને વલોવી નાખે તેવા આત્મસંઘર્ષમાંથી નીપજે છે, જે કવિના અંતર્મુખ કલાફલકનો નિર્દેશ કરે છે. આનો અર્થ એ નહિ કે 1905માં લખાયેલી આ નવલકથા આંતરચેતનાપ્રવાહના નિરૂપણમાં પહેલ કરે છે; પણ કથાવસ્તુ ભાવના અને પાત્રાલેખનની ર્દષ્ટિએ તે પરંપરાથી ભિન્ન શૈલીની નવલકથા છે એ દેખીતું છે.

આત્મકથનાત્મક પદ્ધતિમાં આંતરચેતનાના પ્રવાહને ધારણ કરવાની અને એ રીતે વાચકને જીવનની સંનિકટ લઈ જવાની શક્તિ તેની સફળતાનું નિર્ણાયક તત્વ ગણાય.

ધીરુભાઈ ઠાકર