પ્રતીક : સાહિત્યિક પરિભાષાની એક સંજ્ઞા. સાહિત્યના સંદર્ભમાં પ્રતીકના મુખ્ય બે અર્થ થાય છે : સાહિત્યિક પ્રક્રિયા તરીકેનો અને સાહિત્યિક મૂલ્ય તરીકેનો. ભાષાનો પ્રત્યેક શબ્દ પ્રતીક બની શકે, સાહિત્ય પોતે પણ પ્રતીક બની શકે. સાહિત્યના સંદર્ભમાં પ્રતીક એટલે સંબંધ સ્થાપવાની, વક્તવ્યની, અભિવ્યક્તિની વિશિષ્ટ રીત. સાહિત્યમાં કોઈ પણ શબ્દ ત્રણ રૂપે યોજી શકાય છે : પદાર્થ, કલ્પન અને પ્રતીક રૂપે. શબ્દ દ્વારા આપણે જે કહેવું હોય છે એ જ માત્ર કહીએ છીએ ત્યારે શબ્દ પદાર્થ હોય છે; એમાં કોઈ સંબંધ અભિપ્રેત નથી. શબ્દ દ્વારા આપણે જે કહીએ છીએ એથી કંઈક વિશેષ અથવા કંઈક ભિન્ન કહેવું હોય છે ત્યારે શબ્દ એ કલ્પન હોય છે. એમાં સંબંધ અભિપ્રેત છે. એમાં રૂપક આદિ અલંકાર હોય છે. એમાં અધ્યવસાનસંબંધ છે. કલ્પનમાં ઉપમાન અને ઉપમેય બંને ઉપસ્થિત હોય છે. પ્રતીકમાં ઉપમાન ઉપસ્થિત હોય છે અને ઉપમેય અનુપસ્થિત હોય છે. ઉપમેય અને ઉપમાન વચ્ચે કંઈક સામ્ય હોતું નથી, પણ બંને વચ્ચે કશોક સંબંધ હોય છે. આમ પ્રતીકમાં વિશિષ્ટ રીતે સંબંધ સ્થાપવામાં આવે છે.
પ્રતીકનું કાર્ય તો ભાવકને કવિના અનુભવની પ્રતીતિ કરાવવાનું હોય છે. પ્રતીક સર્જકની અનુભૂતિને વ્યક્ત કરવાનું માધ્યમ છે. એક ર્દષ્ટિએ સમસ્ત કલ્પનોત્થ સાહિત્ય એક વ્યાપક પ્રતીક જ છે. ડૉ. સુરેશ જોષીએ ‘પ્રતીકરચના’ નિબંધમાં પ્રતીકનું સર્જન કેવી રીતે થાય છે તે દર્શાવ્યું છે. વસ્તુ-વસ્તુ, લાગણી-લાગણી વચ્ચેના નવા સંબંધો, એમાંથી રચાતા નવા સંદર્ભો અને એને પરિણામે સિદ્ધ થતા અનુભૂતિના નવા આકારો કવિચિત્તની જે પ્રક્રિયાને કારણે સિદ્ધ થાય છે એ પ્રક્રિયાને સુરેશભાઈ પ્રતીકરચનાની પ્રક્રિયા તરીકે ઓળખાવે છે. ભાષા જ્યારે વ્યવહારના અસંદિગ્ધ અને સુનિશ્ચિત અર્થને ઉલ્લંઘીને સંકુલ લાગણીઓનાં અનેક પરિમાણોની દ્યોતક બને ત્યારે તે પ્રતીકાત્મક બને છે.
કેટલાંક પ્રતીકો પ્રકૃતિમાંથી લેવાય છે. તેમાં પ્રાકૃતિક પદાર્થોનાં પ્રસિદ્ધ લક્ષણો ને ગુણધર્મો આધાર તરીકે હોય છે; જેમ કે, સૂર્યપ્રકાશ, ઉષ્મા, ચૈતન્ય, જીવન, જ્ઞાન, સત્ય, સુખ, ઈશ્વર, પ્રતાપ, ઉદય, વિકાસની પરાકાષ્ઠા વગેરેનું પ્રતીક છે. અન્ય પ્રતીકો સાંસ્કૃતિક હોય છે; જેમ કે, સ્વસ્તિક, ચાંલ્લો, શ્રીફળ, ક્રૉસ વગેરે. પ્રતીકો બાહ્ય જીવનમાંથી અથવા તો આંતરિક જીવનમાંથી લેવાય. ધાર્મિક પ્રતીકોમાં તિલક, જનોઈ, માળા, ચીપિયો, ત્રિશૂળ, શિખા વગેરે આવે. આંતરિક જીવનનાં પ્રતીકોમાં તરંગદશા, સ્વપ્નાવસ્થા કે નશાની અર્ધચેતન અવસ્થામાંનાં પ્રતીકોનો નિર્દેશ કરી શકાય. ઉપરાંત વિશિષ્ટપણે કવિકલ્પિત પ્રતીકો પણ હોય; જેમ કે, ભગવદગીતાનો ઊર્ધ્વમૂલ અશ્વત્થ, નાવમાં ડૂબતી નદી વગેરે.
પ્રસાદ બ્રહ્મભટ્ટ