પ્રતિકણ (antiparticle) : વિરુદ્ધ વિદ્યુતભાર સિવાય, બધી જ રીતે સામાન્ય મૂળભૂત કણને મળતો આવતો કણ. ફોટૉન (પ્રકાશ અથવા વિદ્યુત-ચુંબકીય વિકિરણનો ઊર્જા-કણ) અને πo – મેસૉન (ઇલેક્ટ્રૉન કરતાં ભારે અને પ્રોટૉન કરતા હલકો વિદ્યુતભાર વિનાનો કણ) સિવાય પ્રત્યેક મૂળભૂત કણને પ્રતિકણ હોય છે. પ્રતિકણ બેરિયૉન આંક (B) ધરાવે છે. ન્યુક્લિયૉન અને ફર્મિયૉન ( , ,…… પ્રચક્રણ ધરાવતા કણ, અહીં છે. જ્યાં h પ્લાંકનો અચળાંક છે.) કણોને સામૂહિક રીતે બેરિયૉન તરીકે ઓળખવામાં આવે છે, જેનો ક્ષય થતાં મેસૉન કણનું ઉત્સર્જન થાય છે. પ્રતિકણ અસામાન્યતાનો (strangeness) આંક (S) ધરાવે છે. તે મૂળભૂત કણો સાથે સંકળાયેલ ક્વૉન્ટમ સંખ્યા છે; જેનું પ્રબળ અને વિદ્યુતચુંબકીય આંતરક્રિયામાં સંરક્ષણ થાય છે; પણ મંદ (weak) આંતરક્રિયામાં સંરક્ષણ થતું નથી. પ્રતિકણ સમપ્રચક્રણ (isospin) ક્વૉન્ટમ-સંખ્યા (I3) ધરાવે છે; જે કણના જેટલું જ મૂલ્ય પણ વિરુદ્ધ સંજ્ઞા ધરાવે છે. સમપ્રચક્રણ એ મૂળભૂત કણ સાથે સંકળાયેલ ક્વૉન્ટમ-સંખ્યા છે.
ફોટૉન અને πo– મેસૉન પોતે જ પોતાના પ્રતિકણો છે.
ઇલેક્ટ્રૉન ઋણ એકમ વિદ્યુતભાર ધરાવે છે. તેના પ્રતિકણને પૉઝિટ્રૉન કહે છે. તે બધી જ રીતે ઇલેક્ટ્રૉન જેવો જ કણ છે, સિવાય કે તે ધન એકમ વિદ્યુતભાર ધરાવે છે.
સામાન્ય કણો જે રીતે સંયોજાય છે તે રીતે પ્રતિકણો પણ સંયોજાય છે; જેમ કે ન્યૂટ્રૉન અને પ્રોટ્રૉન સંયોજાતાં ડ્યુટેરૉન રચે છે તેમ પ્રતિ- ન્યૂટ્રૉન અને પ્રતિપ્રોટૉન સંયોજાઇ પ્રતિડ્યુટેરૉન રચે છે. ઉચ્ચ-ઊર્જા કણ-પ્રવેગકો (particle accelerator) વડે, પ્રતિકણો જેવા કે પૉઝિટ્રૉન, પ્રતિન્યૂટ્રૉન અને પ્રતિપ્રોટૉન પેદા કરી શકાયા છે.
સામાન્ય કણ અને પ્રતિકણ અથડાય ત્યારે બંને વિલય (annihilate) પામી ઊર્જા અથવા બીજા કણો પેદા કરે છે. આ વિશ્વમાં સામાન્ય કણોની સંખ્યા ઘણી મોટી છે, જ્યારે પ્રતિકણોની સંખ્યા નહિવત્ છે; માટે જ આ વિશ્વમાં પ્રતિદ્રવ્ય (antimatter) જોવા મળતું નથી. મહાવિસ્ફોટ (big-bang) દરમિયાન સામાન્ય કણો મોટી સંખ્યામાં અને પ્રતિકણો અલ્પ સંખ્યામાં પેદા થયા હોવા જોઈએ.
પ્રહલાદ છ. પટેલ