પ્રતિકાર : આક્રમણ ખાળવા માટેનો સામો ઉપાય. તેમાં સામાન્ય રીતે બંને પક્ષો બળનો ઉપયોગ કરતા હોય છે. જ્યારે કોઈ એક રાજ્ય બીજા રાજ્યના પ્રદેશને બળપૂર્વક પડાવી લેવાનો પ્રયાસ કરે છે અથવા જ્યારે કોઈ એક દેશ બીજા કોઈ સ્વતંત્ર અને સાર્વભૌમ દેશની અખંડતા અને સાર્વભૌમતાને પડકારી તેના પ્રદેશ પર જબરદસ્તીથી કબજો મેળવવાનો પ્રયાસ કરે છે ત્યારે આવા હુમલાખોરના આક્રમણનો ભોગ બનેલું રાજ્ય અથવા દેશ સામેથી જે લશ્કરી કાર્યવહી કરે છે તેને પ્રતિકારની અથવા પ્રતિકારાત્મક કાર્યવહી કહેવામાં આવે છે.

પોતાની સાર્વભૌમતા અને અખંડિતતાનું રક્ષણ કરવાની દરેક સ્વતંત્ર રાજ્ય કે દેશની કાનૂની તથા નૈતિક ફરજ હોય છે. આંતરરાષ્ટ્રીય કાયદાઓ પણ આક્રમણનો ભોગ બનેલા રાજ્ય કે દેશનો પ્રતિકાર કરવાનો હક માન્ય કરે છે. ઑક્ટોબર 1947માં પાકિસ્તાને કાશ્મીરને પચાવી પાડવા માટે તે રાજ્ય પર આક્રમણ કર્યું, જે અઘોષિત યુદ્ધ હતું. તેની સામે કાશ્મીરના તે વખતના શાસકોએ ભારતની મદદથી જે કાર્યવાહી કરી તે પ્રતિકારાત્મક સ્વરૂપની હતી. રાષ્ટ્રસંઘના ઘોષણાપત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય શાંતિ જાળવી રાખવા માટે જરૂરી પગલાં લેવાની જવાબદારી સલામતી સમિતિને સોંપવામાં આવેલ છે. આંતરરાષ્ટ્રીય વિવાદો શાંતિપૂર્ણ વાટાઘાટો દ્વારા ઉકેલાય તે ઇચ્છવાજોગ હોવા છતાં ઘણી વાર તેમ ન પણ બને ત્યારે વિશ્વશાંતિ માટે અન્ય કેટલાંક પગલાં લેવાની સત્તા રાષ્ટ્રસંઘના ઘોષણાપત્ર દ્વારા સલામતી સમિતિને આપવામાં આવી છે અને તે અંગેના સલામતી સમિતિના નિર્ણયો દરેક સભ્ય દેશ માટે બંધનકર્તા હોય છે; દા.ત., સલામતી સમિતિ પોતે પહેલ કરીને કોઈ વિવાદ અંગે તપાસ કરી તેના નિરાકરણ માટેનાં સૂચનો કરી શકે છે; પરંતુ વિવાદ ઊભો કરનાર દેશ સલામતી સમિતિએ સૂચવેલ ઉપાયોનો અસ્વીકાર કરે તો સલામતી સમિતિ પોતાના સભ્ય દેશોને આવા દેશ સાથેના વ્યાપારી સંબંધો તોડી નાંખવાની સૂચના આપી શકે છે તથા તે દેશની સરકાર સાથેના રાજદ્વારી સંબંધોનો વિચ્છેદ કરવાનું સૂચન પણ કરી શકે છે. આનાથી પણ વિશ્વશાંતિ પર તોળાઈ રહેલ ખતરાનો અંત ન આવે તો સલામતી સમિતિ તેના સભ્ય દેશોને પોતાનાં લશ્કરી દળો રાષ્ટ્રસંઘના નેજા હેઠળ ફાળવવા અને જરૂર પડે ત્યારે તેનો પ્રતિકારાત્મક કાર્યવહી માટે ઉપયોગ કરવા સુધીનાં સીધાં પગલાં લઈ શકે છે; દા.ત., જૂન, 1950માં ઉત્તર કોરિયાના દક્ષિણ કોરિયા પરના આક્રમણને ખાળવા માટે રાષ્ટ્રસંઘની સલામતી સમિતિએ રાષ્ટ્રસંઘના નેજા હેઠળ તે વિસ્તારમાં લશ્કરી દળો મોકલવાનો ઠરાવ કર્યો હતો. પરિણામે આ દળોએ 1950–53 દરમિયાન દક્ષિણ-પૂર્વ એશિયામાં શાંતિની પુન:સ્થાપના માટે લશ્કરી કાર્યવહી હાથ ધરી હતી. શાંતિ સ્થાપવાના આવા જ હેતુ માટે સલામતી સમિતિએ 1960માં કાગો (લીઓપૉલ્ડ વિલે; હવે ઝાઇર) ખાતે અને 1964માં સાયપ્રસ ખાતે લશ્કરી દળો મોકલ્યાં હતાં. 1966માં સલામતી સમિતિએ ર્હોડેશિયા (હવે ઝિમ્બાબ્વે) સામે આર્થિક પ્રતિબંધોની જાહેરાત કરી હતી. 1978માં દક્ષિણ લેબનૉનના આંતરવિગ્રહનો અંત લાવવા માટે શાંતિ દળો મોકલવાનો ઠરાવ કર્યો હતો. 1991માં ઇરાકે કુવૈત ઉપર કરેલ આક્રમણને પરાસ્ત કરવા માટે રાષ્ટ્રસંઘના નેજા હેઠળ વ્યાપક લશ્કરી અભિયાન હાથ ધરાયું હતું. આ બધાં પગલાં પ્રતિકારાત્મક પ્રકારનાં ગણાય. ભારતે 1962માં ચીન સામે, 1965માં અને 1999માં પાકિસ્તાન સામે જે લશ્કરી કાર્યવાહી કરી તે પણ પ્રતિકારાત્મક સ્વરૂપની હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે