પ્રજાસમાજવાદી પક્ષ : પ્રજાલક્ષી સમાજવાદને વરેલો પક્ષ. સ્થાપના : ઑગસ્ટ 1952. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ પક્ષમાં સમાજવાદી વિચારધારામાં વિશ્વાસ ધરાવતા કેટલાક યુવાન સભ્યોએ સમાજવાદી ચિંતન વિશે ભારતીય સંદર્ભમાં વિચારણા આરંભી. પરિણામે 1934માં કૉંગ્રેસની અંદર જ કૉંગ્રેસ સમાજવાદી જૂથની રચના કરવામાં આવી. જયપ્રકાશ નારાયણ, યૂસુફ મહેરઅલી, અચ્યુત પટવર્ધન, મીનુ મસાણી, અશોક મહેતા, એસ. એમ. જોશી, એન. જી. ગોરે, આચાર્ય નરેન્દ્રદેવ અને રામમનોહર લોહિયા જેવા યુવાનો કૉંગ્રેસ પક્ષમાં રૂઢિચુસ્તોનું વર્ચસ્ ખાળવા અને માર્કસવાદી વિચારો ફેલાવવા ઇચ્છતા હતા. તેઓ પ્રગતિશીલ ર્દષ્ટિએ કૉંગ્રેસની નીતિઓની છણાવટ ઇચ્છતા હતા. તેમને ગાંધી વિચારધારા ફિક્કી ને મોળી લાગતી હતી. તેમને અહિંસાની નીતિમાં શ્રદ્ધા નહોતી. વળી અંગ્રેજોનો વિશ્વાસ કરવા તેઓ તૈયાર નહોતા. બીજી બાજુ, દેશદાઝ અને કુરબાનીમાં માનતા આ યુવાનોને ભાંગફોડ કે હિંસા પ્રત્યે જરીકે નારાજી નહોતી. ‘હિંદ છોડો’ આંદોલન દરમિયાન 1942માં કૉંગ્રેસના આગેવાનોની ધરપકડ થઈ ત્યારે પક્ષનો દોર આ યુવા નેતાઓના હાથમાં આવ્યો અને કૉંગ્રેસ પક્ષમાં સમાજવાદી ઝોક શરૂ થયો. પરંતુ અન્ય નેતાઓ આ જૂથવાદ માટે તૈયાર ન હોવાથી 1946–47માં કૉંગ્રેસ અને સમાજવાદીઓ વચ્ચેની તિરાડ પહોળી થવા લાગી. અંતે, 1948ના ફેબ્રુઆરીમાં નાશિક મુકામે સમાજવાદી પક્ષની સ્થાપના કરવામાં આવી. 1951માં જૂનમાં પટણા મુકામે આચાર્ય કૃપાલાનીએ ‘કિસાન મજદૂર પ્રજા પક્ષ’ સ્થાપ્યો હતો. તે પક્ષે ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં લોકસભામાં માત્ર 7 અને વિધાનસભામાં 77 બેઠકો મેળવી સાવ નબળો દેખાવ કર્યો હતો. 1952ના ઑગસ્ટમાં સમાજવાદી પક્ષ અને કિસાન મજદૂર પ્રજા પક્ષ જોડાતાં પ્રજાસમાજવાદી પક્ષ અસ્તિત્વમાં આવ્યો.
પ્રજાસમાજવાદી પક્ષની વિચારધારાનાં મુખ્ય પાસાંઓ આ મુજબ હતાં : (1) કિસાનોને સંગઠિત કરી સમાજમાંથી સામંતશાહી વિશેષાધિકારો નાબૂદ કરવા. નેતાગીરીના સ્થાને પક્ષને માટે લોક-પાયો (mass base) તૈયાર કરવાનો તેનો ઇરાદો હતો. (2) રાષ્ટ્રવાદ, સમાજવાદ અને લોકશાહીનો સમન્વય કરી, સંસદીય ઢબે ગ્રામવિસ્તારોમાં રચનાત્મક પ્રવૃત્તિ વિકસાવવી અને ખેતપેદાશોની વૃદ્ધિને અગ્રિમતા આપી સહકારી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવું. (3) જમીનની ટોચમર્યાદા બાંધવી. ખેતપેદાશોના લઘુતમ ભાવ બાંધવા. પછાત વિસ્તારો અને જાતિઓના જીવનધોરણને ઊંચું લાવવું. ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવા, રુશવતખોરી વિરોધી ટ્રિબ્યૂનલની રચના કરવી તથા વહીવટી તંત્રનું વિકેન્દ્રીકરણ કરવું. (4) ઉત્પાદન-વૃદ્ધિ કરી તેની સમાન વહેંચણીની વ્યવસ્થા ઊભી કરવી. લોકશાહી વિકેન્દ્રીકરણ તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બિનજોડાણવાદની નીતિઓનો અમલ કરવો તેમજ વિદેશી રાષ્ટ્રોની વફાદારીનો અને સામ્યવાદના ફેલાવાનો વિરોધ કરવો.
સમાજવાદી પક્ષની આ નીતિઓના ઘડતરમાં આચાર્ય નરેન્દ્રદેવ, જયપ્રકાશ નારાયણ, અશોક મહેતા અને રામમનોહર લોહિયા જેવા એ સમયના યુવા નેતાઓએ નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી.
આ પક્ષની વિશેષતા એ હતી કે પક્ષના નીતિ-ઘડતરમાં તેણે ભારતીયતાની વિભાવનાને સ્થાન આપી, એક પ્રયોગ તરીકે સંસદીય વ્યવસ્થાને માન્ય રાખી હતી. વળી લોકશાહી અને સમાજવાદના સમન્વયનો પ્રયાસ પણ તેણે કર્યો હતો. વિકેન્દ્રીકરણની નીતિઓ અને ગાંધીવાદી પદ્ધતિઓમાં વ્યક્ત કરેલા વિશ્વાસને કારણે તે મૂળભૂત રીતે સમાજવાદી વ્યવસ્થાથી કે માર્ક્સપ્રણીત સમાજવાદથી નોખો પડે છે.
નીતિઓની ર્દષ્ટિએ માતબર અને પ્રજાને આકર્ષી શકે તેવા નેતાઓ આ પક્ષ ધરાવતો હોવા છતાં રાજકીય રંગમંચ પર તે મજબૂત બની શક્યો નહિ. તે માટે કેટલાંક કારણો જવાબદાર હતાં. પ્રથમ તો તેના નેતૃત્વમાં વ્યાપક વૈચારિક ભિન્નતા પ્રવર્તતી હતી. 1953ના ઑક્ટોબરમાં તેમના એક નેતા શ્રીપ્રકાશમ્ કૉંગ્રેસમાં જોડાતાં પક્ષને જબરો ધક્કો પહોંચ્યો. 1955માં લોહિયાની આગેવાની નીચેનું એક જૂથ છૂટું પડ્યું અને તેણે અલગ સમાજવાદી પક્ષ સ્થાપ્યો. પક્ષની અંદરના વ્યાપક મતભેદોને કારણે ઘણા આગેવાનો ધીરે ધીરે નિવૃત્ત થવાનું યા નિષ્ક્રિય બનવાનું પસંદ કરવા લાગ્યા. એ રીતે નેતાઓ વચ્ચે એકરાગ નહોતો. વળી પક્ષની નીતિઓના ઘડતરમાં વિધેયાત્મક વલણોનો અભાવ વર્તાતો હતો.
કૉંગ્રેસ પક્ષે પ્રજાસમાજવાદી પક્ષની મહત્વની નીતિઓ પોતાનામાં સમાવી લઈ 1954માં અવાડી મુકામે મળેલ અધિવેશનમાં ‘સમાજવાદી સમાજરચના’ અંગેનો ઠરાવ કર્યો. એથી આગળ વધીને 1957ના ઇન્દોર ખાતેના અધિવેશનમાં કૉંગ્રેસ પક્ષે પોતાના બંધારણમાં સુધારો કરી સમાજવાદી ઢબના સહકારી રાજ્યની સ્થાપનાનું ધ્યેય સ્વીકાર્યું. 1964ના ભુવનેશ્વર ખાતેના અધિવેશનમાં કૉંગ્રેસે પોતાના સમાજવાદને ‘લોકશાહી સમાજવાદ’નું નામાભિધાન કરી પ્રજા સમાજવાદી પક્ષની મુખ્ય અને મહત્વની નીતિઓ પોતાનામાં સમાવી લેતાં આ પક્ષનો પાયો હચમચાવી દીધો અને તેની નીતિઓને નિર્બળ બનાવી દીધી.
1963ના સપ્ટેમ્બરમાં પક્ષના એક મોભી અશોક મહેતા દેશના કેન્દ્રીય આયોજન પંચના ઉપાધ્યક્ષ બન્યા અને કેટલાક સાથીઓ સાથે પ્રજા સમાજવાદી પક્ષ છોડી કૉંગ્રેસમાં જોડાયા. પરિણામે પક્ષને મરણતોલ ફટકો પડ્યો.
1964માં પ્રજાસમાજવાદી પક્ષ અને સમાજવાદી પક્ષ વચ્ચે બિનશરતી જોડાણ થતાં સંયુક્ત સમાજવાદી પક્ષની સ્થાપના અંગે બોલાવવામાં આવેલ અધિવેશનમાં જ ભંગાણ પડ્યું અને તેમાંથી માત્ર પ્રજા સમાજવાદી પક્ષને સજીવન કરવામાં આવ્યો. તે પણ 1967ની સામાન્ય ચૂંટણીમાં રાષ્ટ્રીય સ્તરે લગભગ નાબૂદ થઈ ગયો.
રક્ષા મ. વ્યાસ