પ્રજાસત્તાક દિન : સ્વતંત્ર ભારતનું બંધારણ જે દિવસથી અમલમાં આવ્યું તે દિવસ. 26 જાન્યુઆરી, 1950ના દિવસે ભારત પ્રજાસત્તાક બન્યું અને તેથી પ્રતિવર્ષ તે દિવસ ભારતના રાષ્ટ્રીય પર્વ તરીકે ઊજવવામાં આવે છે. ડિસેમ્બર 1926માં લાહોર ખાતે પંડિત જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસનું અધિવેશન યોજવામાં આવ્યું હતું. આ અધિવેશનમાં પસાર કરેલા ઠરાવમાં જણાવેલું : જો બ્રિટિશ સરકાર 26 જાન્યુઆરી, 1930 સુધી ભારતને ઉપનિવેશી રાજ્ય(dominian state)નો દરજ્જો ન આપે તો ભારત સ્વયં પોતાને એક સ્વતંત્ર દેશ તરીકે જાહેર કરશે. 26 જાન્યુઆરી, 1930 સુધી બ્રિટિશ સરકારે આ દિશામાં કોઈ કદમ ન ઉઠાવતાં કૉંગ્રેસે આ દિને પૂર્ણ સ્વતંત્રતા હાંસલ કરવાના સંકલ્પની ઘોષણા કરી અને તે ધ્યેયની પ્રાપ્તિ માટે સક્રિય આંદોલનની શરૂઆત કરી. આ દિવસથી ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ ત્યાં સુધી 26 જાન્યુઆરીને સ્વતંત્રતા-દિન તરીકે ઊજવવામાં આવતો હતો.

15 ઑગસ્ટ, 1947ના રોજ ભારત આઝાદ થતાં, આ દિનને સ્વતંત્રતા-દિન તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું; પરંતુ તે પૂર્વે 13 ડિસેમ્બર 1946ના રોજ બંધારણસભામાં પંડિત જવાહરલાલ નેહરુએ રજૂ કરેલ ઉદ્દેશો અને હેતુઓના ઠરાવ અન્વયે ભારતને ‘સ્વતંત્ર સાર્વભૌમ પ્રજાસત્તાક’ દેશ તરીકે જાહેર કરવાનું સૂચન કરવામાં આવ્યું. બંધારણસભાએ 26 નવેમ્બર, 1949ના રોજ નવા બંધારણને સ્વીકૃતિ બક્ષી તથા તેને કાયદાનું સ્વરૂપ અર્પ્યું. 26 જાન્યુઆરી, 1950ના રોજ અમલમાં આવેલ આ બંધારણના આમુખમાં ભારતને એક ‘સાર્વભૌમ, લોકશાહી પ્રજાસત્તાક’ તરીકે ઘોષિત કરવામાં આવ્યું.

ભારતના પાટનગર દિલ્હીમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય પરેડ અને શોભાયાત્રાની એક ઝલક

આથી પ્રતિવર્ષ 26 જાન્યુઆરીનો દિવસ દેશભરમાં ‘પ્રજાસત્તાક પર્વ’ તરીકે ઊજવવામાં આવે છે.

નવનીત દવે