હૉલબર્ગ લુડવિગ ફ્રિહેર (બેરન) [Holberg Ludvig Friherre (Baron)]
February, 2009
હૉલબર્ગ, લુડવિગ ફ્રિહેર (બેરન) [Holberg, Ludvig Friherre (Baron)] (જ. 3 ડિસેમ્બર 1684, બૅર્ગન, નોર્મન્ડી; અ. 28 જાન્યુઆરી 1754, કૉપનહેગન) : સ્કૅન્ડિનેવિયન સાહિત્યકાર. નૉર્વે અને ડેન્માર્ક તેમને પોતાના સાહિત્યકાર તરીકે ઓળખાવે છે.
લુડવિગ ફ્રિહેર (બેરન) હૉલબર્ગ
બાળપણમાં માતા-પિતાનું અવસાન થતાં બૅર્ગનમાં સગાંવહાલાં સાથે રહ્યા. 1702માં આગને લીધે નગરનો ધ્વંસ થતાં, હૉલબર્ગ કૉપનહેગન યુનિવર્સિટીમાં ગયા. ત્યાં સ્નાતક થયા પછી માંદગીને લીધે નૉર્વેમાં પરત થવું પડ્યું. પછી તેઓ ફ્રેન્ચ ભાષાના ટ્યૂટર થયા. 1706માં લંડન અને ઑક્સફર્ડ ગયા. ફ્લૂટ અને વાયોલિન જેવાં વાદ્યોનું શિક્ષણ આપી પોતે બે વર્ષ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યો. અહીં તેમણે ‘ઇન્ટ્રોડક્શન ટુ ધ હિસ્ટરી ઑવ્ લીડિંગ યુરોપિયન નૅશન્સ’ લખવાનું શરૂ કર્યું. ડેન્માર્ક ગયા પછી, ઈ. સ. 1711 પછી તે પ્રસિદ્ધ થયું. આ પુસ્તકના પ્રકાશન દ્વારા તેમને અભ્યાસ અને પ્રવાસ માટે આર્થિક મદદ પ્રાપ્ત થઈ.
મોટે ભાગે પગપાળા પ્રવાસ કરી ઈ. સ. 1714માં યુરોપનાં મોટાં નગરોની મુલાકાત લીધી. ઈ. સ. 1716માં ડેન્માર્ક પરત થયા. તેમણે મૂળભૂત કાયદો અને હક્ક પર પુસ્તક પ્રકાશિત કર્યું. યુનિવર્સિટી ઑવ્ કૉપનહેગનમાં પ્રાધ્યાપક તરીકે નિમણૂક થઈ. 1720માં તેમને વક્તૃત્વ માટેના પ્રાધ્યાપક તરીકે બઢતી આપવામાં આવી.
હૉલબર્ગના હૃદયમાં કાવ્ય પડેલું હતું. ‘હાન્સ મિકેલસન’ તખલ્લુસથી લખવાનું શરૂ કર્યું. તે હાસ્યપ્રધાન સાહિત્ય હતું. ‘પેડર પાર્સ’ (1719, અંગ્રેજી અનુ. 1962) ડેનિશ ભાષાનું ગંભીર-હાસ્યપ્રધાન મહાકાવ્ય છે. 1722માં પ્રથમ ડેનિશ ભાષાની રંગભૂમિની કૉપનહેગનમાં સ્થાપના થઈ. હૉલબર્ગે એક પછી એક હાસ્યપ્રધાન નાટકોનું સર્જન કર્યું. ‘મોલિયેર ઑવ્ ધ નૉર્થ’ તરીકે તેમને નવાજવામાં આવ્યા. ‘ધ પોલિટિકલ થિંકર’, ‘જેપ ઑવ્ ધ હિલ’, ‘યુલિસીસ વૉન ઇથાશિયા’ અને ‘ઇરૅસ્મસ મૉન્તાનસ’ નોંધપાત્ર નાટકો છે. આમાં ડેનિશ રીતભાતનાં પાત્રો છે અને તેમાંનો કટાક્ષ વર્તમાન જમાનાને પ્રસ્તુત છે. કહેવાતા સાક્ષરો તેમના કટાક્ષનો ભોગ બન્યા છે. ઈ. સ. 1727માં રંગભૂમિ પરનું છેલ્લું નાટક ‘ફ્યુનરલ ઑવ્ ડેનિશ કૉમેડી’ તેમનું લખેલું છે. ઈ. સ. 1731માં પોતાનાં હાસ્યપ્રધાન નાટકોને પ્રસિદ્ધ કરી નાટ્યકવિ તરીકે હૉલબર્ગે પોતાની કારકિર્દી પૂરી કરી.
‘દ જર્ની ઑવ્ નીલ્સ ક્લિમ ટુ ધ વર્લ્ડ અન્ડરગ્રાઉન્ડ’ (1960, 1972) કાલ્પનિક મુસાફરીની કથા છે. 1747માં તેમને ઉમરાવપદ બક્ષવામાં આવ્યું હતું. માત્ર વૉલ્તેરના અપવાદ સાથે હૉલબર્ગ સમસ્ત યુરોપના સાહિત્યકાર બન્યા હતા.
વિ. પ્ર. ત્રિવેદી