હૉલ પીટર (રેજિનાલ્ડ ફ્રેડરિક)

February, 2009

હૉલ પીટર (રેજિનાલ્ડ ફ્રેડરિક) (જ. 22 નવે. 1930, બરિ સેંટ એડમંડસ્, સફૉલ્ક, ઇંગ્લૅન્ડ) : જાણીતા બ્રિટિશ નાટ્યદિગ્દર્શક અને થિયેટર-મૅનેજર. બ્રિટનની વિશ્વવિખ્યાત નાટકકંપનીઓ રૉયલ શેક્સપિયર કંપની અને રૉયલ નેશનલ થિયેટરના પ્રણેતા. પર્સ સ્કૂલ, કેમ્બ્રિજમાં અભ્યાસ. રશિયન ભાષા પણ શીખ્યા. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણતી વેળા અવેતન (amateur) દિગ્દર્શક તરીકે અનેક નાટકો ભજવ્યાં અને ઈ. સ. 1953માં થિયેટર રૉયલ, વિન્ડસર ખાતે વ્યાવસાયિક દિગ્દર્શક તરીકે પદાર્પણ કર્યું.

ઈ. સ. 1954–55 દરમિયાન ઑક્સફર્ડ પ્લેહાઉસ ખાતે કાર્યરત રહ્યા. ઑગસ્ટ 1955માં આટર્સ થિયેટર  લંડન ખાતે સેમ્યુઅલ બૅકેટના વિખ્યાત નાટક ‘વેઇટિંગ ફૉર ગોદો’નું દિગ્દર્શન કરી તેમજ ઈ. સ. 1956–1959 દરમિયાન એ જ થિયેટરનું સુકાન સંભાળી પોતાના પુરોગામી દિગ્દર્શક એલેક કલુન્સની દરિયાપારના દેશોના પરભાષી નાટકોને અંગ્રેજીમાં પ્રથમ વાર ભજવવાની પરંપરા જાળવી રાખી.

સ્ટ્રેટફોર્ડ-અપોન-ઍવોન ખાતે આવેલા શેક્સપિયર મેમૉરિયલ થિયેટરમાં અતિથિ-દિગ્દર્શક તરીકે જોડાઈ શેક્સપિયરનાં પ્રસિદ્ધ નાટકો ‘લવ્ઝ લેબર લૉસ્ટ’ (1956), ‘સિમ્બરલીન’ (1957), ‘કોરિઓલેનસ’ અને ‘મિડ-સમર નાઇટ્સ ડ્રીમ’ (1959) સફળતાપૂર્વક ભજવ્યાં, જેના પરિણામે ઈ. સ. 1960માં માત્ર 29 વર્ષની ઉંમરે એ જ થિયેટરના કલાનિયામક (‘આર્ટિસ્ટિક ડિરેક્ટર’) તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. નિયામક બનતાંની સાથે જ તેમણે થિયેટરનાં રંગરૂપ બદલી નાખ્યાં. મંચની ડિઝાઇનમાં ફેરફાર કરી તેને પ્રેક્ષાગાર સુધી લંબાવ્યો. થિયેટરને રૉયલ શેક્સપિયર થિયેટરનું નવું નામ આપ્યું અને રૉયલ શેક્સપિયર કંપનીની સ્થાપના કરી. આગળ જતાં પીટર બ્રૂક અને મિશેલ સેન્ટ-ડેવિસ જેવા ખ્યાતનામ દિગ્દર્શકો તેમની સાથે કંપનીના સહનિયામક બન્યા. રૉયલ શેક્સપિયર થિયેટરે તેમના માર્ગદર્શન હેઠળ, પ્રતિભાશાળી દિગ્દર્શકો દ્વારા શેક્સપિયરનાં નાટકોને નવાં અર્થઘટનો સાથે ભજવવાની પરંપરા ઊભી કરી. પીટર હૉલે પોતે પણ શેક્સપિયરનાં ‘હેનરી સિક્સ્થ’ અને ‘રિચાર્ડ થર્ડ’ નાટકો પર આધારિત ‘ધ વૉર્સ ઑફ ધ રોઝીઝ’ નાટક ઈ. સ. 1963માં ભજવ્યું અને ડેવિડ વાર્નર સાથે ઈ. સ. 1965માં ‘હેમ્લેટ’ નાટક રજૂ કર્યું. ઈ. સ. 1966–67માં કંપનીના સૌજન્યથી તેમણે હેરોલ્ડ વિન્ટરનું વિખ્યાત નાટક ‘ધ હોમકમિંગ’ પણ ભજવ્યું.

હૉલ પીટર (રેજિનાલ્ડ ફ્રેડરિક)

ઈ. સ. 1968માં રૉયલ શેક્સપિયર કંપનીમાંથી છૂટા થઈ, સ્વતંત્ર દિગ્દર્શક તરીકે પ્રવૃત્ત રહી, વિન્ટરનાં અન્ય જાણીતાં નાટકો ‘લૅન્ડસ્કેપ ઍન્ડ સાઇલન્સ’ (1969) અને ‘ઑલ્ડ ટાઇમ્સ’ (1971) તથા અન્ય એક નાટક ‘વાયા ગેલેક્ટિકા’ ભજવ્યાં. રૉયલ ઑપેરા હાઉસ ખાતે એક વર્ષ માટે જોડાઈ ‘ઑપેરા’ ઉપર પણ હાથ અજમાવી જોયો.

ઈ. સ. 1973માં રૉયલ નૅશનલ થિયેટરમાં સર લૉરેન્સ ઑલિવિયરના અનુગામી બન્યા અને ‘સેટર ડે, સનડે, મનડે’ (1974), શેક્સપિયરનું ‘એઝ યુ લાઇક ઇટ’ (1974), મૉલિયરનું ‘મિશનથ્રોપ’ (1975), પિન્ટરનાં ‘નો મેન્સ લૅન્ડ’ (1973) અને ‘બિટ્રેયલ’ (1980), ઍલન અઇકબૉર્નનું ‘બેડરૂમ ફાર્સ’ (1977), માર્લોનું ‘ટમ્બરલેન’ (1976), પીટર શેફરનું ‘એમેડ્યૂઝ’ (1983) તથા ‘જ્યાં સીબર્ગ’ (1983) જેવાં એક એકથી ચઢિયાતાં નાટકો ભજવી પ્રશિષ્ટ અને સમકાલીન પ્રયોગશીલ નાટકો નવી જ શૈલીમાં રજૂ કરવાનું પોતાનું સ્વપ્ન સાકાર કર્યું. આ જ સમયગાળા દરમિયાન તેઓ આર્ટ કાઉન્સિલ ઑવ્ ગ્રેટ બ્રિટનના સભ્યપદે પણ રહ્યા.

સરકારે કલાપ્રવૃત્તિ માટેના જાહેર ભંડોળમાં કાપ મૂકતાં તેના વિરોધમાં કાઉન્સિલનું સભ્યપદ તેમજ નૅશનલ થિયેટર કંપની છોડ્યા પછી તેમણે પોતાની માલિકીની ‘પીટર હૉલ કંપની’ સ્થાપી વેસ્ટ એન્ડ ખાતે અને ઑલ્ડ વિક ખાતે નાટકો ભજવવાનું શરૂ કર્યું; જેમાં ‘ધ પિટિશન’ (1986), ‘વાઇલ્ડ હની’ (1986), ‘ઑરફ્યુસ ડિસેન્ડિંગ’ (1989), ચિચેસ્ટર ફેસ્ટિવલ ખાતે આયૉનેસ્કોના ‘રાઇનૉસર્સ’ પર આધારિત સંગીતપ્રધાન નાટક ‘બૉર્ન અગેઇન’ (1990), ‘ફૉર બબૂન્સ એડોરિંગ ધ સન’ (1992), ઑસ્કાર વાઇલ્ડનું ‘આઇડિયલ હસબન્ડ’ (1993), શેફરનું ‘એમેડ્યૂઝ’ (1999–2000), ડેવિડ હરેનું ‘આમીઝ વ્યૂ’ (2006) તથા નૉએલ કાવર્ડનું ‘ધ વૉરટેક્સ’(2007)નો સમાવેશ થાય છે.

ઈ. સ. 2000માં ડેનવર સેન્ટર ફૉર પર્ફૉર્મિંગ આર્ટ્સ ખાતે જ્હૉન બર્ટનનું ગ્રીક પુરાકથા ‘ટ્રૉજોન વૉર’ પર આધારિત દસ આંતર નાટકો અને પંદર કલાકની ભજવણી ધરાવતું મહાનાટ્ય ‘ટેન્ટેલસ’ રજૂ કરી, ઈ. સ. 2001માં વિશ્વના અન્ય દેશોમાં તેના પ્રયોગો કરી પીટર હૉલે પોતાના નામનો ડંકો વગાડ્યો.

તેમની રંગભૂમિક્ષેત્રે અપ્રતિમ સેવાઓ બદલ બ્રિટિશ સરકાર દ્વારા ઈ. સ. 1963માં તેમને ‘કમાન્ડર ઑવ્ ઑર્ડર’નો ખિતાબ તથા ઈ. સ. 1977માં ‘નાઇટ’નો ખિતાબ એનાયત કરવામાં આવ્યા. ઈ. સ. 1999માં બ્રિટિશ કલાક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરવા બદલ લોરેન્સ ઑલિવિયર ઍવૉર્ડથી તેમને નવાજવામાં આવ્યા.

ઈ. સ. 1964માં કેમ્બ્રિજ યુનિવર્સિટીના માનાર્હ ફેલો તરીકે અને ઈ. સ. 2000માં કિંગસ્ટન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે તેમની નિમણૂક થઈ.

શ્રેષ્ઠ દિગ્દર્શન માટે તેમણે અનેક ઇનામો પ્રાપ્ત કર્યાં; જેમાં ઈ. સ. 1981માં ‘ઓરેસ્ટિયા’ નાટક માટે તેમજ ઈ. સ. 1987માં ‘ઍન્ટની ઍન્ડ ક્લિયૉપેટ્રા’ નાટક માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો લંડન ઇવનિંગ સ્ટાન્ડર્ડ થિયેટર ઍવૉર્ડ, ‘વાઇલ્ડ ડક’ નાટકના દિગ્દર્શન માટે ઈ. સ. 1990માં લંડન ક્રિટિક્સ સર્કલ થિયેટર ઍવૉર્ડ (ડ્રામા થિયેટર ઍવૉર્ડ) મુખ્ય છે.

અમેરિકાના બ્રૉડવે ખાતે પોતાનાં નાટકો ભજવી ઈ. સ. 1967માં હેરૉલ્ડ પિન્ટરના ‘ધ હોમકમિંગ’ નાટક માટે તેમજ સન્ 1981માં પીટર શેફરના ‘એમેડ્યૂઝ’ નાટક માટે બ્રૉડવે ટૉની ઍવૉર્ડ પ્રાપ્ત કર્યો. ટૉની ઍવૉર્ડ માટે વિવિધ કૅટેગરીમાં તેઓ આઠ આઠ વાર નૉમિનેટ થયા; જેમ કે, 1958માં ‘ધ રોપ ડાન્સર’ નાટક માટે, ઈ. સ. 1972માં પિન્ટરના ‘ઑલ્ડ ટાઇમ્સ’ નાટક માટે, ઈ. સ. 1979માં આઇક બૉર્નના ‘બેડરૂમ ફાર્સ’ નાટક માટે, ઈ. સ. 1980માં પિન્ટરના ‘બિટ્રેયલ’ નાટક માટે, ઈ. સ. 1990માં શેક્સપિયરના ‘ધ મર્ચન્ટ ઑવ્ વેનિસ’ નાટક માટે, ઈ. સ. 1992માં જ્હૉન ગ્યુરેના ‘ફૉર બબૂન્સ એડૉરિંગ ધ સન’ નાટક માટે તથા ઈ. સ. 1996માં ઑસ્કાર વાઇલ્ડના ‘ધ આઇડિયલ હસબન્ડ’ નાટક માટે.

ઑબેરોન બુક્સ દ્વારા તેમની આત્મકથા ‘મેકિંગ ઍન એક્ઝિબિશન ઑવ્ માયસેલ્ફ’ પ્રગટ થઈ છે. ‘એક્સપોઝ્ડ બાય ધ માસ્ક’ અને ‘પીટર હૉલ્સ ડાયરીઝ’ તેમનાં અન્ય પ્રકાશનો છે.

હાલ તેઓ કિંગ્સ્ટન-અપોન-થેમ્સ ખાતે આવેલા ‘ધ રોઝ થિયેટર’ના નિયામક તરીકે કાર્યરત છે.

મહેશ ચંપકલાલ