હોટલ-ઉદ્યોગ

પ્રવાસીઓ કે મુસાફરોને વિશ્રામ, ભોજન વગેરે સવલતો નિર્ધારિત કિંમતે પૂરી પાડવા માટેનો ઉદ્યોગ.

પ્રત્યેક હોટલની તેની શક્તિ-મર્યાદા અનુસાર સદગૃહસ્થોને સેવા આપવાની અને એમ કરતાં વાજબી વળતર મેળવવાની એની અધિકૃતતા વ્યાપકપણે સ્વીકારાયેલી છે. જ્યાં વળતર બાબત નિયંત્રણ ન હોય ત્યાં હોટલ પોતે પોતાનો દર નિશ્ચિત કરી શકે છે. તેમાં પ્રવાસીઓને વિના મૂલ્યે વિશ્રામ, ભોજન વગેરે સવલતો પૂરી પાડતી ધર્મશાળાઓ, મઠો, અતિથિગૃહો જેવી સેવા-સંસ્થાઓની સુવિધા કે સગવડોનો સમાવેશ થતો નથી. ક્લબો કે વિશિષ્ટ પ્રકારનાં વર્તુળો કે મંડળો સામાન્ય રીતે તેના કે તેની સાથે સંલગ્ન સંસ્થાઓના સભ્યોને તેમના નીતિનિયમો અનુસાર વિશ્રામ વગેરેની સવલતો પૂરી પાડે છે.

હોટલ એક વિશિષ્ટ પ્રકારનો વ્યવસાય છે. જેમાં તે અમુક વસ્તુઓ (tangible) તેમજ સેવાઓ (અમૂર્ત  intangible)  બંનેનું વેચાણ કરે છે. વળી બને તેટલી ઝડપથી નિર્ધારિત સમયાવધિમાં તે ક્રમાનુસાર જે તે જરૂરી વસ્તુ કે વસ્તુઓનું ઉત્પાદન અને તેમની પ્રસ્તુતિ કરે છે. (દા. ત., અલ્પાહાર, ભોજન, પીણાં વગેરેની.) ગ્રાહક સામાન્ય રીતે પોતાને મળેલી સવલતો ભોગવ્યા પછી તેનું નક્કી કરેલું વળતર ચૂકવે છે.

ગ્રાહકોના સામાનની સુરક્ષા દરેક હોટલની નૈતિક ફરજ ગણવામાં આવે છે, સિવાય કે વ્યવસ્થાપકોએ ગ્રાહકોને અગાઉથી આ બાબતમાં ચેતવ્યા હોય ! પોતાના કર્મચારીઓ દ્વારા ગ્રાહકના ગુમ થયેલ કે નુકસાન પામેલ સામાનની કિંમત ભરપાઈ કરવાની જવાબદારી જે તે હોટલની હોય છે. તેવી જ રીતે હોટલની સેવાઓનો ઉપયોગ કરી તેનું વળતર ચૂકવવાની ફરજ પણ જે તે ગ્રાહકની બને છે. વળતર નહિ ચૂકવનાર ગ્રાહક પાસેથી તેમનો સામાન વેચીને પણ હોટલ પોતાનું લેણું વસૂલ કરી શકે છે.

હોટલોએ દેશના, રાજ્યના તથા સ્થાનિક કાયદાઓ અને નિયમનો તેમજ સ્વાસ્થ્ય, સફાઈ, આગ, સલામતી વગેરેનાં વખતોવખત નક્કી કરાતાં ધોરણો પાળવાં આવશ્યક હોય છે.

આજની હોટલોની ભાવના ગ્રાહકોને વિશ્રામ અને ભોજન ઉપરાંત સંતોષજનક ને પ્રસન્નકર સેવાઓ ઉત્તમ રીતે આપીને તેમને વધુ ને વધુ આકર્ષવાની હોય છે. અદ્યતન હોટલ વસ્તુત: એક નગરની અંદર જાણે કે નગરરૂપ હોય છે. તેમાં ગ્રાહકને અલગ શયનકક્ષ, બેઠકકક્ષ, સ્નાનગૃહ (ગરમ-ઠંડું પાણી, ટુવાલ, નૅપ્કિન, સાબુ, શૅમ્પૂ વગેરે સહિત), કબાટો, અરીસા, મેજ, ટી.વી., ટેલિફોન, રેડિયો, કમ્પ્યૂટર, ફળફળાદિ, સુશોભન, પીણાં, રેફ્રિજરેટર વગેરેની સગવડ પૂરી પાડવામાં આવે છે. વળી હોટલમાં ઉપાહારગૃહ, આરામ-કક્ષ, મિજબાની-કક્ષ (Banquet), પીણાં લેવા માટેની અલગ વ્યવસ્થા, ટીવી-કક્ષ, તરણ-હોજ, રમતગમત-કક્ષ, સ્વાસ્થ્ય-કેન્દ્ર, મનોરંજન-કક્ષ, બૅન્ક, દફતર-વ્યવસ્થા, કીમતી ચીજવસ્તુઓ કે જણસો માટેનો સુરક્ષિત ખંડ (safe deposit vault), શૃંગાર-કક્ષ, પુસ્તકભંડાર, દવા, વસ્ત્રો અને ઝવેરાતની દુકાનો, પોસ્ટ-ઑફિસ, પરિવહન-સેવા (ટિકિટો, પ્રવાસ-વ્યવસ્થા, ડ્રાઇવર વગેરેને લગતી), ધોલાઈની સવલત જેવી અનેક સેવાઓ સુલભ કરવામાં આવે છે.

જૂના સમયથી મનુષ્યો વેપાર-ધંધો, વિદ્યા, ધર્મ, કલાકારીગરી વગેરે માટે પ્રવાસ-પર્યટન ને યાત્રા કરતા આવ્યા છે. આવી પ્રવાસ કે યાત્રા-પ્રવૃત્તિઓ પગપાળા; ઘોડા, બળદ, ઊંટ જેવાં પશુઓના બળથી ખેંચાતાં વાહનો દ્વારા કરવામાં આવતી હતી અને તે મહદ્ અંશે અમીર અને વ્યાપારી વર્ગ પૂરતી સીમિત રહેતી હતી. અમીરો પોતાના સમકક્ષોને ત્યાં અને વ્યાપારીઓ અને સામાન્ય વર્ગ ધર્મશાળાઓ અને મઠોમાં રહેવા-રોકાવાનું પસંદ કરતા હતા. ક્વચિત્ ભોજનની સવલત પણ ઉપલબ્ધ થતી હતી. પ્રવાસીઓ એવી સેવા બદલ ભેટ કે બક્ષિસ આપતા હતા. ધર્મસ્થાનોમાં યજમાનવૃત્તિ દ્વારા યાત્રાળુઓને વિશ્રામ, ભોજન વગેરે મળી રહે એવી પ્રથા પ્રચલિત હતી.

ઈ. પૂ. ચોથી સદીમાં ઑલિમ્પિયા, ગ્રીસમાં રમતવીરોના વિશ્રામ માટે બંધાયેલ અતિથિગૃહ ‘લિયૉનાડો’ (Leonado) તરીકે પ્રચલિત હતું. ઈ. સ. 800ના અરસામાં પશ્ચિમ યુરોપના રાજા શાર્લમેને (Charlemagne) પ્રવાસીઓને એક જ સ્થળ પર ત્રણ દિવસ સુધી વિના શુલ્ક વિશ્રામ-ભોજનની વ્યવસ્થા પૂરી પાડવા આદેશ બહાર પાડ્યા હતા.

મધ્યયુગમાં યુરોપમાં રાજાઓ, સામંતો વગેરે પોતાની રિયાસતોમાં વિશાળ ઓરડાઓમાં સમકક્ષ અમીરોને વિશ્રામ-ભોજનની વ્યવસ્થા વિના શુલ્ક પૂરી પાડતા હતા જ્યારે સામાન્ય પ્રવાસી કે યાત્રાળુ મઠોમાં વિશ્રામ મેળવતા હતા. ક્વચિત્ ભોજનની સવલત પણ ઉપલબ્ધ થતી હતી. આ સેવા બદલ સેવકોને તેમજ ધર્મસ્થાનોમાં બક્ષિસ કે દાન આપવાની પ્રણાલી હતી; પરંતુ મહત્તમ વિશ્રામ-સ્થાનોમાં સ્વચ્છતા કે સફાઈનો અભાવ રહેતો હતો. આ ઉપરાંત કેટલાંક કુટુંબો ઘરના એક ભાગમાં વિશાળ ઓરડાઓમાં પ્રવાસીઓ માટે વિશ્રામની સવલત પૂરી પાડતાં હતાં. સામાન્ય રીતે પ્રતિષ્ઠાહીન કુટુંબો દ્વારા ચલાવાતી આ વીશીઓ(INNS)માં સંખ્યાબંધ મુસાફરો એક જ ઓરડામાં રહેતા હતા. દરેક પલંગમાં બેથી ત્રણ માણસોએ સહશયન કરવું પડતું હતું. તેમાં પણ સફાઈ કે સ્વચ્છતાનો અભાવ રહેતો હતો. મહત્તમ વીશીઓ બંદરો પર ખલાસીઓ માટે બાંધવામાં આવતી હતી.

ઈ. સ. 1282માં ફ્લૉરેન્સ, ઇટાલીમાં ફક્ત પ્રવાસીઓ માટે એક વિશ્રામગૃહ બાંધવામાં આવ્યું હતું. ત્યારબાદ ઈ. સ. 1312માં પૅરિસ, ફ્રાન્સમાં એક વિશ્રામગૃહ તૈયાર કરવામાં આવ્યું હતું. ઈ. સ. 1650માં પાસ્કલ નામના સદગૃહસ્થે લંડન અને પૅરિસમાં કૉફીગૃહો શરૂ કર્યાંની માહિતી ઉપલબ્ધ થાય છે. સ્વિટ્ઝર્લૅન્ડમાં લાકડાંનાં ઝૂંપડાં(chalets)માં પ્રવાસીઓને વિશ્રામની સવલત આપવામાં આવતી હતી. ઘોડાગાડીના કોચમાં પણ એવી સવલત આપવામાં આવતી હતી.

ઇંગ્લૅન્ડની રાણી ઇલિઝાબેથ પ્રથમના સમયમાં (ઈ. સ. 1533–1603) સામંતોની મિલકતો પર આકરો કરવેરો નાંખવામાં આવતાં તેમણે વિશ્રામ વગેરે સવલતો માટે ખર્ચ લેવાની શરૂઆત કરી હતી. ઇંગ્લૅન્ડમાં થયેલ ઔદ્યોગિક ક્રાંતિ(ઈ. સ. 1760–1830)એ ઉદ્યોગ, વ્યાપાર તેમજ પરિવહનના ક્ષેત્રે ગણનાપાત્ર પરિવર્તનનો આરંભ કર્યો હતો. ઉદ્યોગોની સ્થાપનાની સાથે રેલવે, રસ્તા અને સ્ટીમરોને કારણે પરિવહન-સેવા સરળ અને ઝડપી બની હતી. વ્યાપાર-ઉદ્યોગ અર્થે પ્રવાસનક્ષેત્રમાં ઠીક ઠીક વૃદ્ધિ થઈ હતી. મુસાફરો માટે પુરાણી વ્યવસ્થા અપૂરતી અને અસંતોષજનક નીવડતાં ઇંગ્લૅન્ડમાં વ્યાવસાયિક હોટલ-પ્રથાનો આરંભ થયો હતો.

આ સમયગાળા દરમિયાન યુરોપના બીજા દેશોએ પણ હોટલો બાંધવાની શરૂઆત કરી હતી. ઈ. સ. 1788માં નાનટેસમાં લગભગ 7500 પાઉન્ડને ખર્ચે 60 ઓરડાવાળી હોટલ બાંધવામાં આવી હતી.

અમેરિકન સંસ્થાનોમાં મહત્તમ વીશીઓ દરિયાકિનારે સ્થાપવામાં આવી હતી. અમેરિકાના સ્વાતંત્ર્યસંગ્રામ (ઈ. સ. 1776) પછી અમેરિકન પ્રજાના પ્રવાસના શોખને પરિણામે હોટલ-ઉદ્યોગનો વિકાસ થયો હતો. ઔદ્યોગિક ક્રાંતિના સમય સુધી યુરોપની હોટલો મહદ્ અંશે અમીર-વર્ગના એશઆરામ અને મનોરંજન પૂરતી સીમિત હતી; જ્યારે અમેરિકન હોટલો સામાન્ય પ્રવાસીઓના આનંદપ્રમોદ માટે હતી. વળી અમેરિકન પ્રજા હોટલોમાં જ નિવાસ પસંદ કરતી હતી. બીજા દેશોની સરખામણીમાં અમેરિકન નાગરિકો વધુ પ્રવાસ કરતા હતા.

આરંભમાં તો મકાનના એક વિશાળ કક્ષમાં સંખ્યાબંધ પ્રવાસીઓ માટે વિશ્રામની વ્યવસ્થા હતી. એક પલંગ પર બેથી ત્રણ મુસાફરોને સહશયન કરવું પડતું હતું. ક્વચિત્ ભોજનની સવલત પ્રસ્તુત કરવામાં આવતી હતી; પરંતુ પ્રક્ષાલન, સ્નાનની સવલત તેમજ સફાઈ-સ્વચ્છતાનો ભારે અભાવ વરતાતો હતો.

ઈ. સ. 1794માં ન્યૂયૉર્કમાં 73 કક્ષ ધરાવતી પ્રથમ વ્યાવસાયિક હોટલ ‘સિટી હોટલ’ની શરૂઆત કરવામાં આવી હતી. ઈ. સ. 1829માં બૉસ્ટનમાં બાંધવામાં આવેલ ‘ધ ટ્રેમોન્ટ હાઉસ’ (The Tremont House) નામની હોટલમાં દરેક મુસાફર માટે અલગ કક્ષની વ્યવસ્થા હતી. તે ઉપરાંત કક્ષમાં સાબુ સાથે પ્રક્ષાલનવ્યવસ્થા, તાળું મારવાની સવલત, સમૂહભોજનની સવલત તેમજ સેવકો અને સંદેશવાહકોની સેવા પૂરી પાડવામાં આવતી હતી. ત્યારબાદ રેલવે અને રસ્તાઓનો વિકાસ થતાં અને વાહનોમાં ગણનાપાત્ર વૃદ્ધિ થતાં પ્રવાસમાં ઠીક ઠીક વૃદ્ધિ થઈ હતી. મુસાફરોની સવલતોની અપેક્ષાઓમાં પણ વધારો થયો હતો. ઈ. સ. 1908માં બફેલો(Buffallow)માં સ્ટેટલર (Statler) નામની તે સમયની અદ્યતન હોટલ બાંધવામાં આવી હતી. તેમાં દરેક કક્ષમાં એક અલગ સ્નાનગૃહ, પાણીના નળ, પૂરા કદના અરીસા, બારણા પાસે વીજળીનાં બટનો, વિના શુલ્ક સમાચારપત્રો, સેવકો તેમજ સંદેશાવ્યવહારની સવલત વગેરે સ્વચ્છતા-સફાઈ સાથે આપવામાં આવતાં હતાં. ઈ. સ. 1927માં શિકાગોમાં 3000 ઓરડાવાળી વિશાળ ‘સ્ટિવન્સ હોટલ’ બાંધવામાં આવી હતી. ત્યારબાદ મૉસ્કો(રશિયા)માં 3000થી વધુ ઓરડાવાળી તે સમયની વિશ્વની સૌથી વિશાળ હોટલ અસ્તિત્વમાં આવી હતી. જ્યારે સિંગાપુરની ‘વેસ્ટ ઇન સ્ટેનફૉર્ડ’ (West Inn Stanford) તે સમયની સૌથી વધુ ઊંચાઈ ધરાવતી હોટલ ગણાતી હતી.

અમેરિકા હોટલ-ઉદ્યોગમાં વિશ્વમાં અગ્રેસર રહ્યું છે. તેના મુકાબલે યુરોપની હોટલો કદ અને સવલતોની દૃષ્ટિએ થોડી ઊણી ઊતરે છે. તેથી તે હોટલો ગ્રાહકને વ્યક્તિગત સેવા પૂરી પાડી સંતોષ આપવા સવિશેષ પ્રયત્નશીલ રહે છે.

પ્રથમ વિશ્વયુદ્ધના અંત સુધી હોટલ-ઉદ્યોગના વહીવટ અને સંચાલન માટે શિક્ષણની કોઈ વ્યવસ્થા ન હતી. કાર્યકરોને કાર્યસ્થળ પર જ વ્યાવહારિક શિક્ષણ આપવામાં આવતું હતું; પરંતુ હોટલ-ઉદ્યોગના ગણનાપાત્ર વિકાસ અને પરદેશીઓના વસવાટ પર અંકુશ આવવાથી અનુભવી કામદારો અને વહીવટકર્તાઓની અછત પડવા લાગી હતી. તે સમયે અમેરિકન હોટલ ઍસોસિયેશનના પ્રમુખ ફ્રૅન્ક ડલી (Frank Dulley) અને જ્હૉન હોવી(John Howie)એ ચાર વર્ષના હોટલ-સંચાલનના અભ્યાસક્રમનું આયોજન કર્યું હતું, જે અમેરિકન હોટલ ઍસોસિયેશને મંજૂર કર્યું હતું. તેને પરિણામે અમેરિકાના પ્રથમ વ્યાવસાયિક હોટલ-અભ્યાસક્રમનો આરંભ ઈ. સ. 1922માં કૉર્નેલ યુનિવર્સિટી(Cornell University)માં કરવામાં આવ્યો હતો. તેની સફળતાને અનુલક્ષીને અનેક શિક્ષણસંસ્થાઓએ તેનું અનુસરણ કર્યું હતું. હાલમાં સ્વિટ્ઝર્લૅન્ડના હોટલ-સંચાલનના અભ્યાસક્રમો વિશ્વભરમાં સૌથી વધુ પ્રતિષ્ઠિત ગણાય છે.

ગ્રાહકોને સંતોષવા રસોઈ અને ખાનપાન-વ્યવસ્થાના શિક્ષણ-કાર્યક્રમો પણ વિશ્વભરમાં શરૂ કરવામાં આવ્યા છે.

અમેરિકામાં ન્યૂયૉર્કમાં પ્રખ્યાત ‘વૉલ્ડૉર્ફ એસ્ટોરિયા’ (Waldorf Astoria) અને ‘પિયરી’ (Pierre) નામની હોટલો બંધાઈ હતી. તે ઉપરાંત અમેરિકાનાં વિવિધ શહેરોમાં અને અન્ય સ્થળોએ પણ અનેક હોટલો અસ્તિત્વમાં આવી હતી અને વધુ હોટલોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તે જ સમયે (ઈ. સ. 1930માં) અમેરિકા ભયંકર મંદીમાં સપડાતાં હોટલ-ઉદ્યોગમાં પણ ભારે મંદી પ્રસરી હતી. દેશની આશરે 90 ટકા હોટલો ફડચામાં ગઈ હતી. જ્યારે નામાંકિત હોટલોએ મંદીના સમયમાં સાવચેતી માટે પડતર-ખર્ચ જેટલી આવક મેળવવા હોટલનો એક ભાગ ભાડાપટે આપવાનો નિર્ણય લીધો હતો.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લશ્કરમાં ભરતી કરવામાં આવેલ લાખો સૈનિકોના ગમનાગમનને પરિણામે તેમના વિશ્રામ-ભોજન માટે હોટલોની માગમાં ગણનાપાત્ર વૃદ્ધિ થઈ હતી. સૈનિકો અને અન્ય સેવકોને હોટલોની પરસાળમાં વિશ્રામ કરવાની ફરજ પડતી હતી. હોટલ-ઉદ્યોગની આ સમૃદ્ધિ યુદ્ધ-સમાપ્તિ પછી પણ ચાલુ રહી હતી. નવી વિશાળ હોટલો બાંધવા માટે આવશ્યક ભારે મૂડીરોકાણ કરવું જરૂરી બન્યું. એ રીતે મોટી હોટલો અને મોટેલોનો વિકાસ થયો. ઈ. સ. 1970 સુધીમાં અમેરિકામાં આશરે 61,000 મોટેલો કાર્યરત હતી. સમયાંતરે મોટેલોમાં ઓરડાની સંખ્યામાં પણ વધારો થતો ગયો. આરંભમાં આશરે 25 ઓરડા ધરાવતી મોટેલો પછી વિકાસ પામીને 100 ઓરડાવાળી થઈ. વિશાળ હોટલો અને મોટેલો વચ્ચેની સવલતોમાં પણ પછી વિશેષ તફાવત ન રહ્યો.

ઈ. સ. 1970ના દશકા દરમિયાન વ્યાપાર-ઉદ્યોગનો ગણનાપાત્ર વિકાસ થતાં, વૈશ્વિકીકરણની ભાવના પ્રસરતાં, ગતિશીલ વાહનો અને આંતરમાળખાકીય સવલતોમાં વૃદ્ધિ થતાં પ્રવાસન-પ્રવૃત્તિમાં ઠીક ઠીક વૃદ્ધિ થઈ. આંતરરાષ્ટ્રીય પર્યટન-પ્રવાસો પણ સરળ બન્યા. હોટલોની માગમાં પણ વધારો થયો. આ હોટલ-ઉદ્યોગમાં મૂડીનું વળતર પણ ઊંચું હતું. આ તકનો લાભ લેવા નાણાકીય સંસ્થાઓએ હોટલ-ઉદ્યોગમાં મૂડીરોકાણને પ્રાથમિકતા આપી. સરળતાથી મળતા ધિરાણનો લાભ લેવા ઉદ્યોગ-સાહસિકોએ કૉર્પોરેટ ક્ષેત્રમાં ભારે મૂડીરોકાણ કરી નવી હોટલો બાંધવાનું આયોજન કર્યું; પરંતુ હોટલક્ષેત્રના બિનઅનુભવી સાહસિકોએ ભારે મૂડીરોકાણ કરી આયોજન કરતાં વધુ વિશાળ હોટલો બાંધી હતી. પરિણામે તે હોટલો આર્થિક દૃષ્ટિએ નિષ્ફળ પુરવાર થઈ. આ જ સમય દરમિયાન આર્થિક મંદી અને ઊર્જાની તંગીને કારણે પ્રવાસીઓમાં ગણનાપાત્ર ઘટાડો નોંધાયો. કેટલીય હોટલો નાણાકીય મુશ્કેલીમાં મુકાઈ, જ્યારે કેટલીક ફડચામાં ગઈ.

ભારે મંદીના સમયમાં નાણાસંસ્થાઓએ ફડચામાં ગયેલી હોટલોનો વહીવટ સંભાળ્યો હતો; પરંતુ તેમની પાસે હોટલ-સંચાલનના નિષ્ણાતોની અછત હતી; તેથી તેમણે કૉર્પોરેટ-સંસ્થાઓને તેનો વહીવટ સોંપવાનો નિર્ણય લીધો હતો. જ્યારે કેટલીક પ્રતિષ્ઠિત હોટલોએ માંદી હોટલોને નીચા ભાવે ખરીદી લઈ વિવિધ શહેરોમાં હોટલોની શૃંખલા (chain) તૈયાર કરવાનું આયોજન કર્યું. તેનો હેતુ જૂથ-સંચાલન દ્વારા કાર્યકુશળતાના અભાવ ને અપવ્યય તેમજ કાર્યના પુનરાવર્તનને દૂર કરવાનો હતો. આવી જૂથ-સંચાલનવાળી હોટલોએ ખરીદી, વેચાણ, નાણાકીય વહીવટ, કામદારો પાછળનો ખર્ચ, અનામત વગેરે ક્ષેત્રોમાં ગણનાપાત્ર કરકસર કરી ગ્રાહકોને વધુ સવલતો પ્રસ્તુત કરવાની ક્ષમતા બતાવી. કેટલીક જૂથ-હોટલો આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રમશ: વિસ્તાર કરતી રહી છે. તેમાં હિલ્ટન, શેરેટોન, હોટલ ઇન, પૅસિફિક, મેરિયોટ, હયાત, રમાદા વગેરે પ્રતિષ્ઠિત જૂથો ગણાય છે.

રજાઓ ગાળવા માટે સહેલાણીઓને આનંદપ્રમોદ મળે તે માટે દરિયાકિનારા પર, પર્વતો પર અને એવા અન્ય કુદરતી સૌંદર્યવાળાં તેમજ રમતગમતનાં સ્થળો તેમજ ઐતિહાસિક, ધાર્મિક વગેરે જગ્યાઓએ હોટલો બાંધવામાં આવી છે; પરંતુ આવાં સ્થળોએ કેટલીક તો મોસમી હોટલો પણ હોય છે. આવાં સ્થળોએ વસવાટ કરતાં કુટુંબો રજાઓ દરમિયાન સહેલાણીઓને વિશ્રામ ભોજનની સવલત પૂરી પાડી વધારાની આવકનું આયોજન કરે છે.

બીજા વિશ્વયુદ્ધ પછી રેલવે, રસ્તા, હવાઈ મથકોનો ગણનાપાત્ર વિકાસ તેમજ વાહનોના ઉત્પાદનમાં ગણનાપાત્ર વૃદ્ધિને પરિણામે હોટલ-ઉદ્યોગે ઠીક ઠીક વિકાસ સાધ્યો છે. હોટલોનું તેમના સ્થળ અને સેવાની સવલતો અનુસાર વર્ગીકરણ કે તારાંકન કરવામાં આવે છે. પ્રચલિત વર્ગીકરણની કેટલીક માહિતી નીચે સંક્ષિપ્તમાં પ્રસ્તુત કરવામાં આવી છે :

(1) વ્યાપારી હોટલો (Commercial Hotels) : આરંભમાં વ્યાપારીઓને જ પ્રાથમિકતા આપતી આ હોટલો સામાન્ય રીતે ઉચ્ચ અધિકારીઓ, વ્યાવસાયિકો તેમજ પ્રવાસ કરતાં કુટુંબોને સવલતો પૂરી પાડે છે. તેમાં અલગ કક્ષમાં સ્નાનગૃહ, ટેલિવિઝન, રેડિયો, ટેલિફોન ઉપરાંત કૉફીગૃહ, ભોજનકક્ષ, પીણાં માટે આરામગૃહ, ધોલાઈ, દવા વગેરેની સવલત આપવામાં આવે છે. મોટાં શહેરોમાં મનોરંજન માટેની પણ વ્યવસ્થા કરાતી હોય છે. વળી હોટલમાં વાહનો રાખવાની સવલત પણ ઉપલબ્ધ હોય છે. આ સેવા મોટેલોની સાથે હરીફાઈ કરવા માટે રાખવામાં આવે છે. કેટલીક હોટલો દીવાન-કમ-શયનકક્ષની સવલત પૂરી પાડે છે. તેનો દિવસ દરમિયાન દફતર અને રાત્રે શયનકક્ષ તરીકે ઉપયોગ કરી શકાય છે.

(2) રિસૉ(ઝૉ)ર્ટ પ્રકારની હોટલો (Resort Hotels) : કુદરતી સૌંદર્યસ્થાનો હોય, ઐતિહાસિક તેમજ ધાર્મિક સ્થાનો હોય કે રમતગમતનાં સ્થળો હોય ત્યાં બાંધવામાં આવેલ હોટલોને રિસૉર્ટ પ્રકારની હોટલો તરીકે ઓળખવામાં આવે છે. તેનો ઉપયોગ મહદ્ અંશે મોસમ અનુસાર કરવામાં આવે છે. તેમાં કેટલીક વાર ગ્રાહકો માટે મનોરંજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. આ સ્થળોએ નિવાસ કરતાં કુટુંબો મોસમ દરમિયાન મકાનના એક ભાગમાં વિશ્રામ-ભોજનની સવલત પૂરી પાડી પોતાની આવકમાં વૃદ્ધિ કરે છે.

(3) નિવાસી હોટલો (Residenticl Hotels) : કુટુંબના રહેઠાણ માટે જ બાંધવામાં આવેલી આવી હોટલો અમેરિકામાં જોવા મળે છે. તેમાં વસવાટ કરતાં કુટુંબો માટે ભોજન, પીણાં, રમતગમત, સ્વાસ્થ્ય, સફાઈ, ધોલાઈ, મનોરંજન વગેરેની પણ સવલત મહદ્ અંશે સુલભ કરી આપવામાં આવે છે.

(4) મોટેલ (Motel) : બીજા વિશ્વયુદ્ધ દરમિયાન શહેરની હોટલોમાં કક્ષની ઉપલબ્ધિને અભાવે શહેર બહારના વિસ્તારોમાં તેમજ અંતરિયાળ પ્રદેશોમાં મોટેલોનો વિકાસ થયો હતો. આરંભમાં તેમનો ઉપયોગ રાત્રિવિશ્રામ માટે થતો હતો; પરંતુ ગ્રાહકોની અપેક્ષા અનુસાર ક્રમશ: તેમાં અલ્પાહાર, ભોજન, પીણા વગેરેની સવલતો પણ ઉપલભ્ય કરવામાં આવી હતી.

આરંભમાં મોટેલ હોટલો તરીકે ઓળખાતી આ હોટલો પછી મોટેલો તરીકે ઓળખાતી થઈ છે. બીજી હોટલોના મુકાબલે તેમાં મનોરંજન, તરણહોજ, ટેલિવિઝન, સભાસંમેલનો વગેરેની સવલતો વિશેષ પ્રકારે સુલભ કરવામાં આવે છે.

સ્ટીમરોમાં વિશ્રામભોજનની સવલતો પ્રસ્તુત કરતી હોટલો વિદેશમાં બોટલ્સ તરીકે જાણીતી છે. કાશ્મીરમાં શિકારા તરીકે ઓળખાતાં હોડીઘર પણ હોટલની સગવડો આપતાં હોય છે. કેટલીક પુરાણી સ્ટીમરોનું હોટલમાં પરિવર્તન કરી તેમને તરતી હોટલનું સ્વરૂપ આપી ગ્રાહકોને આકર્ષવામાં આવે છે. વિશાળ વાહનો પર પણ રહેઠાણની વ્યવસ્થા પૂરી પાડતી હોટલો વિદેશમાં રોટલ્સ (Roatels) તરીકે ઓળખાય છે. હાલમાં હોટલની અગાશી પર હેલિકૉપ્ટર ઉતારવાની સવલત પ્રસ્તુત કરતી હોટલો લોટલ્સ (loatels) તરીકે ઓળખાય છે.

અમેરિકાનો હોટલ-ઉદ્યોગ વિશ્વભરમાં અગ્રેસર ગણાય છે અને બીજા દેશો તેનું અનુકરણ કરવા પ્રેરાય છે. અમેરિકન હોટલ-ઉદ્યોગના વિકાસનાં કેટલાંક અગત્યનાં સીમાચિહનોની માહિતી નીચે સંક્ષિપ્તમાં પ્રસ્તુત કરી છે.

અદ્યતન સવલતો પ્રસ્તુત કરતી વિશાળ હોટલો બાંધવા માટે ભારે મૂડીરોકાણની આવશ્યકતા રહે છે. તેથી મહત્તમ વિશાળ હોટલો કૉર્પોરેટ-ક્ષેત્રમાં સ્થાપવામાં આવે છે. તેનો વહીવટ વ્યાવસાયિક ધોરણે કરવામાં આવે છે; આમ છતાં પણ મધ્યમ કક્ષાની કે નાની હોટલો પરંપરાગત રીતે ખાનગી માલિકીની અથવા ભાગીદારીમાં ચલાવવામાં આવે છે. કેટલીક હોટલોનો વહીવટ કૌટુંબિક ધોરણે ચલાવવામાં આવે છે. આવી હોટલો સામાન્ય રીતે 25થી 100 ઓરડા ધરાવતી હોય છે. એક અંદાજ મુજબ વિશ્વની આશરે 50 ટકા હોટલો ખાનગી માલિકીની, 20 ટકા ભાગીદારીવાળી માલિકીની અને 30 ટકા કૉર્પોરેટ-ક્ષેત્ર/લિમિટેડ કંપનીઓની માલિકીની હોવાનું નોંધાયું છે.

સારણી 1 : અમેરિકન હોટલઉદ્યોગના વિકાસનાં કેટલાંક સીમાચિહનો

 1. ઈ. સ. 1846 કેન્દ્રીય તાપમાન-વ્યવસ્થા (Central heating).
 2. ઈ. સ. 1859 લિફ્ટ-વ્યવસ્થાનો આરંભ.
 3. ઈ. સ. 1881 વીજળીના દીવા.
 4. ઈ. સ. 1907 કક્ષમાં ટેલિફોન.
 5. ઈ. સ. 1910 અમેરિકન હોટલ ઍસોસિયેશનની સ્થાપના.
 6. ઈ. સ. 1922 હોટલ-વ્યવસાયના શિક્ષણનો આરંભ.
 7. ઈ. સ. 1927 કક્ષમાં રેડિયો.
 8. ઈ. સ. 1940 કક્ષમાં વાતાનુકૂળ (airconditioning) વ્યવસ્થા.
 9. ઈ. સ. 1950 વીજળી + લિફ્ટ.
10. ઈ. સ. 1958 કક્ષમાં ટેલિવિઝનની સવલત.
11. ઈ. સ. 1964 કમ્પ્યૂટર દ્વારા અનામત-વ્યવસ્થા.
12. ઈ. સ. 1965 ટેલિફોન દ્વારા સંદેશાવ્યવહાર (Fax).
13. ઈ. સ. 1970 કક્ષમાં રંગીન ટેલિવિઝન-મનોરંજન.
14. ઈ. સ. 1973 કક્ષમાં ફિલ્મોની સવલત.
15. ઈ. સ. 1983 કક્ષમાં કમ્પ્યૂટરોની સવલત.

વિશ્વમાં કેટલી હોટલો કાર્યરત છે તેની માહિતી ઉપલબ્ધ નથી; પરંતુ અમેરિકામાં આશરે 24,000 નોંધાયેલ હોટલોમાં 24 લાખ કક્ષોની સવલત ઉપલબ્ધ હતી. તેનો વર્ષે લગભગ 40 લાખ પ્રવાસીઓ લાભ લેતા હતા. આ હોટલોમાં આશરે 20 લાખ ગ્રાહકોએ ભોજન લીધાનું જાણવા મળ્યું છે. તેમાં ફક્ત ભોજન માટે બહારથી આવેલ મહેમાનોનો સમાવેશ થતો નથી. આ ઉપરાંત અમેરિકાની આશરે 70,000થી વધુ મોટેલોમાં લગભગ 70 લાખ પ્રવાસીઓને માટે વિશ્રામની સવલત ઉપલબ્ધ હતી તેવી માહિતી મળે છે. મોટેલોની આશરે 70 ટકા આવક કક્ષોના ભાડામાંથી અને લગભગ 30 ટકા અલ્પાહાર ભોજન અને પીણાંમાંથી મળે છે તેવો અંદાજ છે.

તાજમહાલ હોટલ, મુંબઈ

દિલ્હી વિશ્વની સૌથી પુરાણી જીવંત રાજધાની ગણાય છે, જેમાં મુસાફરોને ધર્મશાળાઓમાં વિશ્રામની સેવા ઉપલબ્ધ થતી હતી. ઇતિહાસકાર શિયાબુદ્દીન અલમુરાઈ અને ચીની પ્રવાસીઓ ફાહિયાન (Fa Hien – 402 A. D.) અને હ્યુ એન સાંગે (Hieun Sang – 626–643 A. D.) ભારતનાં મુસાફરખાનાં અને સરાઈઓ કે ધર્મશાળાઓની સવલતોની સરાહના કરી છે.

ભારતમાં પુરાણકાળથી ધર્મસ્થાનોની યાત્રા કરવાની પ્રણાલી રહી છે. યાત્રાળુઓ જૂથમાં – સંઘમાં મુસાફરી કરવાનું પસંદ કરતા હતા અને રાજા-મહારાજાઓ, સામંતો, શ્રેષ્ઠીઓ વગેરેએ બંધાવેલ ધર્મશાળાઓમાં વિશ્રામ લેતા હતા. કેટલાંક મંદિરોમાં પણ વિશ્રામની વ્યવસ્થા ઉપલબ્ધ હતી તો ધાર્મિક સ્થળોએ યાત્રાળુઓને સગવડ પૂરી પાડતી યજમાનવૃત્તિ પણ પ્રચલિત હતી. (દા. ત., મથુરાના ચોબાઓ.)

વિદેશીઓના આગમન સુધી ભારતમાં હોટલ કે વીશીપ્રથા અસ્તિત્વમાં ન હતી. અઢારમી સદીમાં મુંબઈમાં પોર્ટુગીઝ તેમજ પારસી વીશીઓ અસ્તિત્વમાં હતી. આલ્બિયન, વિક્ટરી અને હોપ નામની હોટલો તે સમયની પ્રખ્યાત હોટલો ગણાતી હતી, જેમાં રૂ. 6માં વિશ્રામ-ભોજનની સેવા ઉપલબ્ધ થતી હતી.

ઈ. સ. 1778માં એક અંગ્રેજ ફિલિપ સ્ટેનહોપે મુંબઈમાં એક વૈભવી વીશીમાં અને ડેવિડ પ્રિન્સે મૅકફર લેઇન્સ હોટલમાં વિશ્રામ લીધો હોવાની નોંધ મળે છે.

ઈ. સ. 1840માં શ્રી પાલનજી પેસ્તનજીએ મુંબઈમાં એક વૈભવી હોટલમાં ભોજન અને પીણાં પીરસવાની શરૂઆત કરી હતી. ઈ. સ. 1843માં કૉલકાતામાં ઑકલૅન્ડ હોટલ બાંધવામાં આવી હતી જે પાછળથી ‘ગ્રેટ ઈસ્ટર્ન હોટલ’ તરીકે પ્રચલિત થઈ હતી. ઈ. સ. 1903માં શ્રી જે. આર. ડી. ટાટાએ મુંબઈમાં વિખ્યાત તાજમહાલ હોટલ બાંધી હતી.

ત્યારબાદ વિવિધ શહેરોમાં ખાનગી માલિકીની હોટલો શરૂ કરવામાં આવી હતી; પરંતુ તેની સંખ્યા જૂજ હતી. મહત્તમ પ્રવાસીઓનું પ્રચલિત વિશ્રામસ્થળ વીશી હતું.

ઈ. સ. 1947 પછી ભારતમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ગણનાપાત્ર ઘટાડો નોંધાયો હતો. વિદેશી હૂંડિયામણની આવશ્યકતા હતી ત્યારે જ વિદેશી પ્રવાસીઓ તરફથી મળતી આવકમાં ઘટાડો નોંધાયો હતો. તેથી હોટલ-ઉદ્યોગની અગત્ય સમજાતાં ઈ. સ. 1956માં ભારત સરકારે હોટલ કૉર્પોરેશન અને ટુરિઝમ કૉર્પોરેશનોની સ્થાપના કરી હતી. હોટલ-ઉદ્યોગ માટે વિવિધ પ્રોત્સાહનો જાહેર કરવામાં આવ્યાં હતાં. દિલ્હીમાં વિજ્ઞાનભવન અને અશોક હોટલ બાંધવામાં આવ્યાં હતાં; જ્યારે કેન્દ્ર સરકારના મકાન અને જનકલ્યાણ વિભાગે લોદી, જનપથ અને રણજિત નામની હોટલો જાહેર ક્ષેત્રમાં બાંધી હતી.

ઈ. સ. 1963માં હોટલ-ઉદ્યોગના વિકાસ માટે સરકારે ઝા કમિટીની નિમણૂક કરી હતી. તેણે હોટલ-ઉદ્યોગના વિકાસ માટે પ્રવાસીઓને આકર્ષવા પર્યાપ્ત હોટલો બાંધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને તે માટે જાહેરક્ષેત્રે અગ્રેસર થવાની આવશ્યકતા છે તેવો અભિપ્રાય આપ્યો હતો. તેથી કેન્દ્ર સરકારે દીવાન ચમનલાલ કમિટીની રચના કરી હતી. તેનું કાર્ય (1) આંતરરાષ્ટ્રીય માપદંડને અનુલક્ષીને ભારતમાં હોટલના વર્ગીકરણનાં ધોરણો નક્કી કરવાનું; (2) વિદેશી તેમજ સ્વદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે યોગ્ય સલાહ-સૂચનો કરવાનું; (3) સવલતોમાં વૃદ્ધિ કરવાનું અને આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર હોટલો બાંધવા માટે નાણાંના સ્રોતો સૂચવવાનું અને (4) હોટલ-ઉદ્યોગ માટે ભાડાના દરો સૂચવવાનું હતું.

આ સમિતિની ભલામણોને અનુસરીને ઈ. સ. 1964માં કેન્દ્ર સરકારે (1) ભારતીય પ્રવાસન અને હોટલ કૉર્પોરેશન (India Tourism and Hotel Corporation); (2) ભારતીય પ્રવાસન કૉર્પોરેશન લિમિટેડ (India Tourism Corporation Ltd.) અને (3) ભારતીય પ્રવાસન અને પરિવહન કૉર્પોરેશન લિમિટેડ(India Tourism and Transport Corporation Ltd.)ની રચના કરી હતી. 24 સપ્ટેમ્બર, 1966ના રોજ આ ત્રણેય સંસ્થાઓનું એકત્રીકરણ કરી ભારતીય પ્રવાસન વિકાસ નિગમ(India Tourism Development Corporation – ITDC)ની સ્થાપના કરી હતી. આ કૉર્પોરેશને અગત્યનાં પ્રવાસન અને ધાર્મિક સ્થળો(મહાબલિપુરમ્, તાંજાવુર, મદુરાઈ, બિજાપુર, ખજૂરાહો, બોધિગયા, ભુવનેશ્વર વગેરે)એ કાર્યરત સરકારી અને નિગમો સંચાલિત હોટલોનો વહીવટ સંભાળી લીધો હતો; આમ છતાં પણ હોટલ-ઉદ્યોગ મહદ્ અંશે ખાનગી ક્ષેત્રને હસ્તક રહ્યો હતો અને વિકાસ પામ્યો હતો; આજના હોટલ-ઉદ્યોગનાં પ્રતિષ્ઠિત જૂથોમાં વેલકમ, ઑબેરોય, ઇન્ડિયન હોટલ્સ, એમ્બેસેડર, રીટ્ઝ, સ્પેન્સર, લીલા હોટલ્સ, પાર્ક, જે. પી. હોટલ્સ વગેરેની ગણના થાય છે; જ્યારે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રની હિલ્ટન, શેરેટોન, મેરિડિયન, હૉલિડે ઇન વગેરેએ ભારતમાં હોટલો બાંધી છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં રાજાઓના મહેલોનું હોટલોમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. તેમાં ઑબેરોય પૅલેસ (શ્રીનગર); તાજ લેઇક પૅલેસ, ઉદેપુર; જોધપુર રાજમહેલ, જોધપુર; રામબાગ, જયપુર;  લક્ષ્મીવિલાસ પૅલેસ, જયપુર; લલિતામહેલ, માયસોર; હેલિકોન કૅસલ, ત્રાવણકોર; ઉષાકિરણ મહેલ, ગ્વાલિયર; ચામુંડી હિલ પૅલેસ, માયસોર વગેરેનો સમાવેશ થાય છે. કેટલીક પૅલેસ-હોટલોનો વહીવટ પ્રતિષ્ઠિત ખાનગી હોટલો સંભાળે છે.

હોટલો ગ્રાહકોને ધોરણ અનુસાર સવલતો પ્રસ્તુત કરી શકે તે માટે ભારતીય પ્રવાસન વિભાગે નીચે મુજબ હોટલોનું વર્ગીકરણ કર્યું છે. દરેક માન્ય હોટલે આ ધોરણો જાળવવાં ફરજિયાત ગણવામાં આવે છે.

સારણી 2 : ભારતીય પ્રવાસનવિભાગ હોટલોનું વર્ગીકરણ

તારાંકન એકાકી કક્ષ સંયુક્ત કક્ષ સ્નાનગૃહ નિમ્નતમ
(ચો. ફૂટમાં) (ચો. ફૂટમાં) કક્ષોની સંખ્યા
5 ’’ 180 200 45 25
4 ’’ 120 140 36 25
3 ’’ 100 120 30 20
2 ’’ 100 120 30 10

નાની હોટલોનું વર્ગીકરણ કરવામાં આવતું નથી. પંચતારક હોટલો ગ્રાહકોને શક્ય તેટલી વધુ સેવાઓ પ્રસ્તુત કરી ગ્રાહકોને આકર્ષવા પ્રયત્નશીલ રહે છે.

આંતરરાષ્ટ્રીય હોટલ ઍસોસિયેશન (International Hotel Association) તરફથી આશરે 160 દેશોની 70,000 હોટલોને માન્યતા મળેલી છે. દરેક દેશ તેની સવલત મુજબ હોટલોનું તારાંકન કરે છે.

હોટલ એક નગરની અંદરનું નગર કહેવાય છે. તેનું સક્ષમ સંચાલન વિવિધ પ્રકારની કુશળતા અને વ્યાવસાયિક અભિગમની અપેક્ષા રાખે છે. તેના કેટલાક મહત્વના વિભાગોમાં : (1) સંચાલન (2) વેચાણ (Marketing) (3) ખરીદી (4) હિસાબ (5) રસોઈગૃહ (6) ગૃહ-અનુરક્ષણ (7) સંરક્ષણ (8) સામાન્ય ઇજનેરી (9) કર્મચારીઓ (10) પરિવહન (11) સ્વાસ્થ્ય (12) મનોરંજન (13) બાગકામ અને (14) ધોલાઈ વગેરેના વિભાગોને ગણવામાં આવે છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતના હોટલ-ઉદ્યોગે ગણનાપાત્ર વિકાસ કર્યો છે. ઈ. સ. 2007ના આરંભમાં ભારતમાં આશરે 1980 સંગઠિત હોટલોમાં 1,09,392 કક્ષ ગ્રાહકો સેવા માટે ઉપલબ્ધ હતા. તેની વિગતો નીચેની સારણી 3માં પ્રસ્તુત કરી છે :

સારણી 3 : ભારતની સંગઠિત હોટલો

વર્ગીકરણ હોટલોની સંખ્યા કક્ષ-સંખ્યા
5 તારકાંકિત (વૈભવી) 85 19,935
5 ’’ 81 9,162
4 ’’ 119 8,086
3 ’’ 455 24,123
2 ’’ 196 7,009
1 ’’ 35 1,098
હેરિટેજ 76 2,661
માન્ય (બિનતારકાંકિત) 440 17,937
અન્ય 493 19,331
                  કુલ 1,980 1,09,392

આ ઉપરાંત અનેક નાની-મોટી હોટલો, વીશીઓ કાર્યરત છે; પરંતુ તેની કોઈ વિશ્વાસપાત્ર માહિતી ઉપલબ્ધ નથી.

ફેડરેશન ઑવ્ હોટલ્સ ઍન્ડ રેસ્ટોરાં ઍસોસિયેશન ઑવ્ ઇન્ડિયાના સર્વેક્ષણ મુજબ પસંદગીનાં શહેરોમાં હોટલોના કક્ષના ઉપભોગ(occupancy)ના અંદાજની ટકાવારી નીચેની સારણી 4માં પ્રસ્તુત કરી છે.

સારણી 4 : ભારતની સંગઠિત હોટલઉપભોગ(occupancy)ની ટકાવારી

શહેરનું નામ અગત્યનાં શહેરોના કક્ષના ઉપભોગની

ટકાવારી (2005–2006)

1. હૈદરાબાદ 80.20 ટકા
2. કોઇમ્બતૂર 79.00 ટકા
3. ચેન્નાઈ 78.00 ટકા
4. પુણે 77.30 ટકા
5. વિશાખાપટનમ્ 77.20 ટકા
6. મુંબઈ 75.80 ટકા
7. લખનૌ 75.00 ટકા
8. દિલ્હી 74.80 ટકા
9. બૅંગાલુરુ 71.70 ટકા
અખિલ ભારત (સરેરાશ) 64.10 ટકા

ઉપરની સારણી 4 પરથી સમજી શકાશે કે ભારતની હોટલોમાં સેવામાં પ્રસ્તુત કરવામાં આવેલ કક્ષોમાંથી આશરે 64.10 ટકા કક્ષોનો જ ઉપભોગ કરવામાં આવ્યો હતો.

હોટલોની આવક મુખ્યત્વે તેના કક્ષોના ઉપભોગ અને ભોજન પર આધારિત હોય છે. જેમ કક્ષોનો વધુ ઉપયોગ તેમ આવકમાં વૃદ્ધિ. હોટલોની આવકના સ્રોતોના અંદાજ નીચેની સારણી 5માં પ્રસ્તુત કરવામાં આવ્યા છે.

સારણી 5 : ભારતની સંગઠિત હોટલોની આવકના સ્રોતોના અંદાજ

1. કક્ષ-ભાડું 57.40 ટકા
2. ભોજન, અલ્પાહાર, પીણાં વગેરે 25.70 ટકા
3. ભોજન-સમારંભો અને સંમેલનો 9.40 ટકા
4. અન્ય સેવાઓ (તરણહોજ, રમતગમત,

સ્વાસ્થ્ય, ધોલાઈ, પાર્કિંગ વગેરે)

3.00 ટકા
5. ટેલિફોન, કમ્પ્યૂટર, દફતરી સેવા વગેરે 2.10 ટકા
6. અન્ય આવક 2.40 ટકા

છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતના આર્થિક વિકાસના વેગમાં ગણનાપાત્ર વૃદ્ધિ થઈ છે. મધ્યમવર્ગની આવકમાં પણ ગણનાપાત્ર વૃદ્ધિ દેખાઈ આવે છે. તેમાં વળી વૈશ્વિકીકરણની પ્રક્રિયાએ ટેકો આપ્યો છે, જેને પરિણામે હોટલોની આવક અને નફામાં ઠીક ઠીક વૃદ્ધિ થતી રહી છે. ફેડરેશન ઑવ્ હોટલ્સ અને રેસ્ટોરાં ઍસોસિયેશન ઑવ્ ઇન્ડિયા (FHRAI), નવી દિલ્હીએ તૈયાર કરેલ સંગઠિત હોટલની આવક અને નફાના અંદાજ નીચેની સારણી 6માં પ્રસ્તુત કરવામાં આવ્યાં છે.

સારણી 6 : ભારતની નોંધાયેલ સંગઠિત હોટલો આવક અને નફાના અંદાજ (રૂ. કરોડમાં)

વર્ષ આવક નફો
2002–03 31,135  9,175
2003–04 35,092  9,874
2004–05 42,624 11,974
2005–06 49,830 12,183
2006–07 60,431 13,852

ઉપરની સારણી 6 દર્શાવે છે કે ભારતની સંગઠિત હોટલોની આવક ઈ. સ. 2002–03માં રૂ. 31,335 કરોડથી વધીને ઈ. સ. 2006–07માં રૂ. 60,431 કરોડ એટલે કે લગભગ બમણી થઈ હતી. તે જ સમયગાળા દરમિયાન નફો રૂ. 9,175 કરોડથી વધીને રૂ. 13,852 કરોડ એટલે કે લગભગ 50 ટકા વધુ થયો હતો; જ્યારે સંચયી સરેરાશ વિકાસ દર (cumulative aggregate growth rate  CAGR) આવકમાં આશરે 18.3 ટકા અને નફામાં 10.85 ટકા રહ્યો હતો.

સારણી 7 : હોટલઉદ્યોગના મહત્વના ખર્ચનો અંદાજ

1. વહીવટી અને કાર્યકારી ખર્ચ 62 થી 68 ટકા
2. કામદારો(પગાર)નો ખર્ચ 15 થી 20 ટકા
3. ઊર્જા 6 થી 10 ટકા
4. સમારકામ, અનુરક્ષણ, નિભાવ તથા પરચૂરણ ખર્ચ 5 થી 10 ટકા
5. વેચાણ (Marketing) 5 થી 6 ટકા

હોટલ-ઉદ્યોગના મહત્વના ખર્ચના અંદાજ સારણી 7માં પ્રસ્તુત કરવામાં આવ્યા છે.

ભારતના હોટલ-ઉદ્યોગે છેલ્લા દશકામાં આર્થિક, આંતરમાળખાકીય તેમજ પરિવહનસેવામાં ગણનાપાત્ર વૃદ્ધિને અનુસરીને પ્રગતિ સાધી છે. વૈશ્વિકીકરણની ભાવનાએ પણ વિદેશી પ્રવાસીઓને ભારતમાં આવવાનું પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. દેશના હોટલ-ઉદ્યોગે ગ્રાહકોની અપેક્ષા સંતોષવા હોટલોનાં બાંધકામ તથા વિવિધ સેવાઓમાં ગણનાપાત્ર સુધારો કરવાને અવકાશ છે અને તે જ તેનું ભવિષ્ય છે.

જિગીષ દેરાસરી