હૉટેનટૉટ (Hottentot) : આફ્રિકાના દક્ષિણ ભાગમાં વસતા પીળી ચામડીવાળા લોકોને ઓળખવા માટે ઉપયોગમાં લેવાતો શબ્દ. જોકે આ નામ જંગલી કે ચાંચિયા લોકો માટે પણ વપરાય છે. નૃવંશશાસ્ત્રીઓ તો જે તે પ્રદેશના લોકોને તેમનાં નામથી ઓળખવાનું વધુ પસંદ કરે છે. અમુક જાતિના માણસો માટે ત્યાં ‘ખોઇખોઇન’ શબ્દ વપરાય છે; જોકે આજે તો આફ્રિકા ખંડના દક્ષિણ ભાગમાં ખોઇખોઇન લોકો જોવા મળતા નથી; તેઓ નામિબિયામાં વસે છે અને તેઓ ‘નામ’ (Nama) જાતિથી ઓળખાય છે. નામ જાતિના લોકોની જીવન જીવવાની રહેણીકરણી તેમના પૂર્વજો કરતાં જુદી પડે છે. 20 %થી ઓછા નામ લોકો ગ્રામીણ વસાહતોમાં અન્યથી અળગા રહે છે; કેટલાક નામ લોકો શ્વેત પ્રજાની માલિકીનાં ખેતરોમાં કામ કરે છે, તો વળી કેટલાક શહેરી જીવન પણ જીવે છે.

નૃવંશશાસ્ત્રીઓ માને છે કે ક્યારેક 18 જેટલી ખોઇખોઇન જાતિઓ અસ્તિત્વ ધરાવતી હતી. તેઓ ઘેટાં અને ઢોરનાં ધણ લઈને વિચરતા રહેતા હતા. દૂધ દોહવાનું કામ સ્ત્રીઓ કરતી. પુરુષો ધણ લઈને ચરાવવા જતા તેમજ શિકાર પણ કરતા. ખોઇખોઇન જાતિના લોકોનાં શારીરિક લક્ષણો અન્ય આફ્રિકી લોકોથી તદ્દન જુદાં પડતાં હતાં, વિશેષે કરીને આવાં લક્ષણોમાં તેમના માથાના કેશ વધુ પડતાં ગૂંચળાંવાળા હતા, આંખોના ખાડા ઊંડા અને આંખો ત્રાંસા દેખાવવાળી હતી. તેમની ભાષા તીક્ષ્ણ અવાજવાળી અને આફ્રિકાની અન્ય ભાષાઓ કરતાં જુદી પડતી હતી. આફ્રિકાના દક્ષિણ ભાગના આ ખોઇખોઇન લોકો સંઘર્ષો અને લડાઈઓને કારણે તથા અન્ય આફ્રિકી પ્રજા સાથેના તેમજ ડચ વસાહતીઓ સાથેનાં આંતરલક્ષણોને કારણે અન્યોન્ય અલગ પડતા ગયા તેમજ ક્રમશ: ખલાસ થઈ ગયા.

ગિરીશભાઈ પંડ્યા